કચ્છની માંડવી બેઠકથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી પટેલ, સ્થાનિક-પાયાના કાર્યકર અનિરુદ્ધ દવેને મળી છે અહીં ટિકિટ

મુન્દ્રામાં CM ભુપેન્દ્ર પટેલે જાહેરસભામાં કચ્છના વિકાસમાં ડબલ એન્જીન સરકારની ભૂમિકા જણાવી

કચ્છની માંડવી બેઠકથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી પટેલ, સ્થાનિક-પાયાના કાર્યકર અનિરુદ્ધ દવેને મળી છે અહીં ટિકિટ

WND Network.Mundra (Kutch) :- ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં પ્રચાર-પસાર જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમવારે જાહેરસભાને સંબોધિત કરીને ભાજપ વતી પ્રચારનું બ્યુગલ ફૂંક્યું હતું. ભાજપે કચ્છની માંડવી બેઠક ઉપર તેમના પક્ષના વર્ષો જુના પાયાના કાર્યકર એવા માંડવીના સ્થાનિક એડવોકેટ એવા અનિરુદ્ધભાઈ દવેને આ વખતે ટિકિટ આપી છે. દવે કચ્છ ભાજપના મહામંત્રી તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છે ત્યારે લોકલ ઉમેદવાર પસંદ કરીને ભાજપે ચૂંટણી પહેલા જ આ સીટ અંકે કરી લીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મુખ્યમંત્રી પટેલની જાહેરસભા અનિરુદ્ધ દવેએ તેમના ટેકેદારો સાથે મુન્દ્રા ખાતે ઉમેદવારી નોંધાવી હતી. 

સોમવારે સવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુન્દ્રા ખાતે હવાઈમાર્ગે આવી પહોંચ્યા હતા. અહીં તેમને માંડવી ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવે ઉપરાંત ભાજપના જિલ્લા કક્ષાના હોદ્દેદારો સહીત કચ્છના સંસદ વિનોદભાઈ ચાવડાએ આવકાર્ય હતા. સીએમ ભુપેન્દ્ર પટેલે માંડવી બેઠકના તેમના ઉમેદવાર અનિરુદ્ધ દવેને ટિકિટ આપવા સંદર્ભે જણાવ્યું હતું કે, ગમે તેવી સ્થિતિમાં ભાજપનો કાર્યકર હંમેશા લોકો વચ્ચે હાજર હોય છે. મુખ્યમંત્રી પટેલે એમ પણ કહ્યું હતું કે, આત્મનિર્ભર કેવી રીતે બની શકાય તે કચ્છ સિવાય કોણ સાબિત કરી શકે એમ છે ? કચ્છમાં વિકાશની રાજનીતિ આગળ વધતી રહેશે તેવો મક્કમ નિર્ધાર પણ તેમને વ્યકત કર્યો હતો. સંબોધન પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું અભિવાદન કરીને કચ્છની પરંપરા મુજબ કચ્છી પાઘ પહેરાવી તેમજ ભાગવત ગીતા અને પુષ્પગુચ્છથી તેમને આવકારવામાં આવ્યા હતા. 

માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મુન્દ્રા ખાતે યોજાયેલા આ ડબલ એન્જીન સરકારના વિજય વિશ્વાશ સંમેલનમાં ખુદ ગુજરાતના સારથી એવા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે ત્યારે કચ્છની આ બેઠક ઉપર સત્યનો વિજય થશે તેવો વિશ્વાશ છે. અગાઉના ધારાસભ્ય અને સાંસદ દ્વારા કરવામાં આવેલા વિકાશના કામો તેમજ લોકોનો ભાજપમાં રહેલો તેમના વિજયમાં પાયારૂપ સાબિત થશે. ભાજપ તમામ સમાજ, ધર્મને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ત્યારે આ બેઠક ઉપર હજારો મતની સરસાઈથી તેમનો વિજય નક્કી તેવો આત્મ વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો. જાહેરસભા બાદ મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે પોતાના ટેકેદારો સાથે અનિરુદ્ધભાઈ દવેએ ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામાંકન પત્ર ભર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા માંડવી બેઠક માટે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારથી માંડવી-મુન્દ્રા તાલુકામાં અનિરુદ્ધભાઈ દવેને એક લોકલ નેતા તરીકે સારો પ્રતિભાવ મળી રહ્યો છે. જેને પગલે ભાજપ માટે આ સીટ સેફ હોવાનું રાજકીય સૂત્રો માની રહ્યા છે.