Gujarat IPS Transfer : ગુજરાત પોલીસમાં ઇતિહાસ રચાયો, જિલ્લા કક્ષાની SPની જગ્યાએ ડીઆઈજી રેન્કના IPS ને રાખ્યા, ચૂંટણી પંચે બદલી કરી છતાં હજુ રાજ્ય સરકારની જેમ અનિર્ણાયક રહ્યું

મહત્વપૂર્ણ એવી બોર્ડર રેન્જના આઇજી તરીકે ભૂતકાળમાં પૂર્વ કચ્છ એસપી તરીકે ફરજ બજાવી ગયેલા સીધી ભરતીના ગુજરાતી IPS ચિરાગ કોરડિયાની નિમણુંક કરવામાં આવી

Gujarat IPS Transfer : ગુજરાત પોલીસમાં ઇતિહાસ રચાયો, જિલ્લા કક્ષાની SPની જગ્યાએ ડીઆઈજી રેન્કના IPS ને રાખ્યા, ચૂંટણી પંચે બદલી કરી છતાં હજુ  રાજ્ય સરકારની જેમ અનિર્ણાયક રહ્યું

( બોર્ડર રેન્જના નવનિયુક્ત IG ચિરાગ કોરાડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસના સૌથી પહેલા DIG મહેન્દ્ર બગરીયા )

WND Network.Gandhinagar : ગુજરાતમાં IPS અધિકારીઓની ટ્રાન્સફર અને નિયુક્તિનો મામલો કોર્ટમાં જાય તે પહેલા જ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે રવિવારે લાંબા સમયથી જેની રાજ્યના વહીવટમાં રાહ જોવાતી હતી તે IPS અધિકારીઓની બદલી - પોસ્ટિંગ કર્યું છે. જો કે હજુ પણ કેટલાક પોલીસ અધિકારીઓને વેઇટિંગમાં રાખીને ચૂંટણી પંચ પોતે પણ ગુજરાતની ભાજપ સરકારની જેમ દબાણ- દુવિધામાં હોય તેવો પરચો આપ્યો છે. ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે ગુજરાત કેડરના 35 IPS ઓફિસરની બદલી બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગની પોસ્ટ ઉપર પ્રમોશન આપીને પોલીસ અધિકારીને ત્યાં જ રાખવામાં આવ્યા છે. લાંબા સમયથી ખાલી રહેલી સુરત પોલીસ  કમિશનરની જગ્યા ઉપરાંત વિવિધ રેન્જ તેમજ જિલ્લામાં એસપીની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. પોલીસની આ બદલીમાં એક ઓર્ડર એવો પણ છે જેને લઈને ગુજરાત પોલીસમાં અત્યાર સુધી ન થયું હોય તેવું થયું છે. જિલ્લા લેવલે એસપીની જગ્યાએ ફરજ બજાવી રહેલા એક આઇપીએસ અધિકારીને ડેપ્યુટી આઇજી (DIG)નું પ્રમોશન આપીને એસપીને જગ્યાએ અપ ગ્રેડ કરવામાં આવી છે. આવું પહેલી વખત થયું છે. અત્યાર સુધી આવું રેન્જ કે કમિશનર અથવા તો પોલીસ ભવનમાં બેસતા સિનિયર ઓફિસરના પોર્ટફોલીયોમાં થતું હતું. એસપી તરીકે ફરજ બજાવતી વેળાએ સિલેક્શન ગ્રેડ આવે તેવું બનતું હતું. પરંતુ ડીઆઈજીનું પ્રમોશન આપીને IPS ઓફિસરને એસપીની ખુરસીમાં જ બેસાડવામાં આવ્યા હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો છે. 

ગુજરાત પોલીસ બેડાના પશ્ચિમ કચ્છ પોલીસના એસપીને ડીઆઈજીનું પ્રમોશન આપીને સરકારે તેમને ભુજ એસપીની કચેરીમાં જ યથાવત રાખ્યા છે. મૂળ રાજસ્થાનના અને ગુજરાત કેડરના (Gujarat Cadre IPS) વર્ષ 2010ના IPS મહેન્દ્ર બગરીયા હાલમાં પશ્ચિમ કચ્છ ભુજ ખાતે એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. એસપીની પોસ્ટિંગ દરમિયાન જ તેમને સિલેક્શન ગ્રેડ મળી ગયો હતો. એટલે એવું માનવામાં આવતું હતું કે, તેમને ડીઆઈજીનું પ્રમોશન આપીને રેન્જ અથવા તો તે રેન્કની લેવલની જગ્યાએ મુકવામાં આવશે. પરંતુ સરકારે તેમને પ્રમોશન તો આપ્યું પણ  ભુજ એસપીની જગ્યાને અપ ગ્રેડ કરીને ડીઆઈજી બનાવીને મૂળ જગ્યાએ જ યથાવત રાખ્યા છે. અત્યાર સુધી રેન્જની કેડર પોસ્ટીંગમાં અથવા તો કમિશનોરેટમાં આ પ્રમાણે અપ ગ્રેડ કે ડાઉન ગ્રેડ કરવામાં આવતું હતું.  

અમદાવાદ પોલીસ કમિશનર મલિકને DGPની રેન્ક મળી : એડિશનલ ડીજીની રેન્ક અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનરની એક્સ કેડર પોસ્ટમાં ફરજ બજાવી રહેલા જી.એસ.મલિકને અપ ગ્રેડ કરીને DGP રેન્કમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. મલિકની સાથે સાથે કે.એલ.એન.રાઉ, હસમુખ પટેલ અને વર્ષ 1991ની બેચના રાજકોટના પૂર્વ કમિશનર રહી ચૂકેલા મનોજ અગ્રવાલ સહિતનાને તેમની મૂળ જગ્યાએ જ યથાવત રાખવામાં આવ્યા છે. 

બોર્ડર રેન્જના આઇજી તરીકે કચ્છના જાણકાર IPS ચિરાગ કોરડિયાની નિમણુંક : સરકારે કરેલી બદલીમાં રાજ્યની સૌથી મોટી પોલીસ ચાર જિલ્લાને સાંકળતી બોર્ડર રેન્જમાં વર્ષ 2006ની બેચના મૂળ ગુજરાતના ડાયરેક્ટ આઇપીએસ ઓફિસર ચિરાગ કોરડિયાને મુકવામાં આવ્યા છે. તેઓ ભૂતકાળમાં કચ્છમાં ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના એસપી તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી ચુક્યા છે. એટલે સ્વાભાવિક છે કે બોર્ડર રેન્જને તેમના અનુભવનો લાભ મળશે.  

સુરતના પોલીસ કમિશનર તરીકે ગેહલોત, રેન્જમાં પ્રેમવિરસિંહને મુકવામાં આવ્યા : આઈપીએસની બદલીમાં જેને લીધે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો તે સુરતના પોલીસ કમિશનર તરીકે વર્ષ 1997ની બેચના અનુપમ સીંગ ગેહલોતને મુકવામાં આવ્યા છે. તેઓ વડોદરાના કમિશનર હતા. વડોદરામાં તેમના સ્થાને 1996ની બેચના એડિશનલ ડીજીની રેન્ક ધરાવતા નરસિમ્હા કોમારને મુકવામાં આવ્યા છે. સુરત રેન્જમાં લીવ રિઝર્વમાં રહેલા વર્ષ 2005ની બેચના પ્રેમવિર સિંહને મુકવામાં આવ્યા છે. 

એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ IPS અભય ચુડાસમાને પ્રમોશન મળ્યું પણ કરાઈમાંથી બહાર ન કાઢતા આશ્ચર્ય ફેલાયું : આમ તો ચૂંટણી પંચની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી આ બદલીઓ ઘણી બધી રીતે યુનિક કહી શકાય તેવી છે. જેમાં એક આશ્ચર્ય એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ IPS અભય ચુડાસમાને લઈને પણ છે. સરકારના ખાસ અને નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલમાં જઈ આવેલા વર્ષ 1999ની બેચના પ્રમોટી આઇપીએસ અભય ચુડાસમાને ભૂતકાળમાં ગાંધીનગર રેન્જથી ખસેડીને ગાંધીનગર કરાઈ એકેડેમીમાં મુકવામાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે સરકાર ત્રણ વર્ષના નિયમથી બંધાયેલી છે એટલે ચુડાસમાને બદલ્યા છે. થોડા સમય પછી તેમને ફિલ્ડ પોસ્ટિંગ આપવામાં આવશે તેવું આખા પોલીસ બેડા ને લાગતું હતું. તેમનું નામ સુરતના રેન્જ માટે ટોપ ઉપર હતું. પરંતુ ટ્રાન્સફરના આ ઓર્ડરમાં તેમને એડિશનલ ડીજીનું પ્રમોશન આપીને પણ કરાઈમાં જ રાખવાના નિર્ણયથી પોલીસ બેડા સહીત ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એવું કહેવાય છે અને માનવામાં આવે છે કે, ગુજરાત પોલીસમાં કોણ શું કરી રહ્યું છે તેની રજેરજની માહિતી દિલ્હી PMOમાં હોય છે. હાલના IPSના ઓર્ડરને જોતા તો આ વાત એકદમ સાચી હોય તેવું લાગે છે. ચુડાસમાની જેમ એક પોસ્ટિંગ અમદાવાદ રેન્જનું પણ છે. પાટીદાર આંદોલન વખતે મહેસાણાના એસપી તેમજ કચ્છના સોપારી કાંડ વખતે બોર્ડર રેન્જના આઇજી તરીકે કામ કરી ચૂકેલા જશવંત આર. મોથાલિયાને અમદાવાદ રેન્જ આઇજી તરીકે મુકવામાં આવ્યા છે. મોથાલિયા અમદાવાદથી જ કચ્છમાં આવ્યા હતા. અને હવે ફરીથી તેમને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. તેઓ સરકારની ગુડ બુકમાં આવે છે.