વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ નીમાબેનના દીકરાને દલિતોને આપેલી જમીન જોઈએ છે, જાણો કરોડોની જમીન માટે શું ચાલી રહ્યું છે કચ્છમાં...
ભુજમાં ચાલી રહેલા ધરણાં પ્રદર્શન ઉપવાસમાં 'આપ'ના ઈશુદાન ગઢવી સહિતના આવતા મામલો ગરમાયો
WND Network.Bhuj (Kutch) : કચ્છમાં અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને ખેતી કરવા માટે તેમની મંડળીઓને આપવામાં આવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો ન આપવાનો મામલો હવે વધુ વિવાદમાં આવી રહ્યો છે. આ મુદ્દે ભુજમાં મંડળીના હોદ્દેદારો સહીત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા દલિત સમુદાયના અગ્રણીઓ દ્વારા ધરણાં પ્રદર્શન અને ઉપવાસ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ કચ્છના અંજાર તાલુકામાં આવેલી અનુસૂચિત જાતિની મંડળીની કરોડો રૂપિયાની ખેતીની જમીન વિધાનસભાના પૂર્વ સ્પીકર ર્ડા.નીમાબેનના દીકરા ધવલ ઉર્ફે મુકેશ આચાર્યની કંપની દ્વારા માંગવામાં આવી છે. જેને લઈને કચ્છના દલિત સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે.
SC સમુદાયને ફાળવવામાં આવેલી જામીનીને લઈને ભુજમાં છેલ્લા કેટલાક દિવસથી દેખાવો પણ થઈ રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પણ આ મામલે સમર્થન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 'આપ'ના ગુજરાત એકમના અઘ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ શુક્રવારે ભુજમાં કલેક્ટર ઓફિસ સામે કરવામાં આવી રહેલા દેખાવમાં સામેલ થયા હતા. ભુજ તાલુકા તેમજ અંજાર તાલુકામાં આવેલી કરોડોની રૂપિયાની કિંમતી જમીન ઉપર ભાજપના અગ્રણી ઉપરાંત એક પોલીસ સબ ઇન્સ્પેકટરનો ડોળો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તેવામાં આ મામલો આગામી દિવસમાં રાજકીય વિવાદ સાથે વધુ ચર્ચામાં આવે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
અનુસૂચિત જાતિના લોકોને ખેતી કરવા માટે તેમને બનાવેલી મંડળીઓને સરકારે જમીન ફાળવેલી છે. આવી જ એક જમીન, જે અંજાર તાલુકાના વરસામેડી ગામના વિસ્તારમાં આવેલી છે. સર્વે નંબર 67/1 વળી કરોડો રૂપિયાની બજાર કિંમતવાળી જમીન અંજાર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવેલી છે. જેને શાન ઇન્ફ્રા કંપનીના ડિરેક્ટર ધવલ ઉર્ફે મુકેશ ભાવેશ આચાર્ય દ્વારા માંગવામાં આવી છે.
આ અંગે તેમના દ્વારા કચ્છના વહીવટી તંત્રમાં કામગીરી પણ શરુ કરી દેવામાં આવેલી છે. જેમાં છેલ્લે અંજાર તાલુકાના દુધઇના સર્કલ ઓફિસર દ્વારા અંજારના મામલતદારને અભિપ્રાય પણ આપી દેવામાં આવ્યો છે. એટલે સંભવ છે કે, આગામી દિવસોમાં SC સમુદાયને ખેતી કરવા માટે આપવામાં આવેલી કરોડો રૂપિયાની આ જમીન વિધાનસભાના પૂર્વ સ્પીકર નીમાબેનના દીકરા મુકેશભાઈની કંપનીને આપી દેવામાં આવશે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી નરેશભાઈ મહેશ્વરી દ્વારા ટ્વીટ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં કચ્છના વહીવટી તંત્ર દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ ભુજ તાલુકામાં પણ દલિત સમુદાયના લોકોને ખેતી માટે જે જમીન ફાળવવામાં આવેલી છે તેનો વર્ષો પછી પણ કબ્જો ન સોંપવાને પગલે ભાજપના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. અને આ મામલે ભુજમાં કલેક્ટર કચેરી સામે છેલ્લા કેટલાક દિવસોથી ધરણા કરવામાં આવી રહ્યા છે. ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીને આપવામાં આવેલી 730 એકર જમીનમાં દબાણ થઈ ગયું છે. અને તેની ઉપર ભાજપના નેતાઓનો કબ્જો હોવાને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તેને ખાલી કરાવી મંદીને સોંપવામાં આવે તેવી માંગણી મંડળીના પ્રમુખ વિજય કાગી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય અઘ્યક્ષ નરેશભાઈ મહેશ્વરી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ એકમના અઘ્યક્ષ હિતેષભાઇ મહેશ્વરી વગેરે દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા 1983 મળેલ જમીનો આજ દિવસ સુધી કાગળિયા પર છે પ્રત્યક્ષ કબ્જા આજ દિવસ સુધી આપવામાં આવ્યા નથી એ બાબતે છેલ્લા 3 દિવસ થી ધરણા ચાલુ છે. ત્યારે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠીયા, કૈલાશદાન ગઢવી, સંજયભાઈ બાપટ, ટી. ડી. દેવરિયા, અંકિતા ગોર, સતાર માંજોઠી અને સમગ્ર જિલ્લાની ટીમ ભુજ કલેક્ટર કચેરીની સામે ઉભી કરવામાં આવેલી છાવણી ખાતે મુલાકાત લઇને તેને જાહેર સમર્થન આપ્યું હતું અને આગામી સમય મા જે લડતો લડાશે એમાં એમનો સમર્થન અને સાથ રહેશે અને ગુજરાત સરકારને પણ આ સદર્ભે મા રજુઆત કરવા મા આવશે એવુ જણાવ્યું હતું.
દબાણ કરવામાં સબ ઇન્સ્પેક્ટર સહીત કચ્છ ભાજપના પૂર્વ મંત્રી હોવાનો આક્ષેપ : કરોડો એકરની જમીન એસસી સમુદાયને ખેતી કરવા આપવાને બદલે તેની ઉપર વગદારો લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં મૂળ કચ્છના મમુઆરા ગામના અને હાલમાં પોરબંદર ખાતે ફરજ બજારવતા એક પોલીસ સબ ઇન્સ્પેકટર કાનજી રાણા ઉપરાંત કચ્છ ભાજપમાં મંત્રી રહી ચૂકેલા સતીશ છાંગા, હરી વાલજી છાંગા, ત્રિકમ જાટિયા, હરી જખુ જાટિયા, કરમણ ગોપાલ હમીર જાટિયા, રણછોડ ગોપાલ હમીર જાટિયા, માવજી ગોપાલ હમીર જાટિયા, રમેશ ગોપાલ હમીર જાટિયાનું નામ ઉછળ્યું છે. અને દલિત અગ્રણીઓ તેમની સામે કડક કાર્યવાહી કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પણ કાર્યવાહી થાય તેવું જણાવી રહયા છે.