Gujarat IPS Transfer : જો અમદાવાદના પોલીસ કમિશનર વિના રથયાત્રા નીકળી શકે તો સુરતના પોલીસ કમિશનર વિના ચૂંટણી ન થઇ શકે ?

લોકસભાની ચૂંટણીની જાહેરાતની આડે ગણતરીના કલાક છતાં ગુજરાતમાં મહત્વની પોલીસ કમિશનર, રેન્જ IG - DIG અને એસપીની પોસ્ટ ઇન્ચાર્જના ભરોસે

Gujarat IPS Transfer : જો અમદાવાદના પોલીસ કમિશનર વિના રથયાત્રા નીકળી શકે તો સુરતના પોલીસ કમિશનર વિના ચૂંટણી ન થઇ શકે ?

WND Network.Gandhinagar : દસેક વર્ષ પહેલા ચૂંટણી ટાણે દિલ્હીથી ઈલેક્શન કમિશનનો નાની એવી સૂચના આવે તો પણ સચિવાલયમાં દોડધામ મચી જતી હતી. તાબડતોડ ચૂંટણી પંચના લેટરનો જવાબ આપવો પડતો હતો. હાલત એવી હતી કે, ટી.એન.શેષાન અને લિંગદોહ જેવા ચૂંટણી કમિશનર વખતે તો  મુખ્ય સચિવથી લઈને ડીજીપી તેમજ કલેકટર - કમિશનર રેન્કના અધિકારીઓ રીતસરના ફફડતા હતા. દિવસો પહેલા જ પંચની સૂચના પ્રમાણે બદલીઓ કરી નાખવામાં આવતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના કલાકો જ બાકી છે છતાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મહત્વની એવી પોલીસ કમિશનર, રેન્જ આજી-ડીઆજી અને એસપી જેવી પોસ્ટને સૂચના હોવા છતાં હજુ ઇન્ચાર્જને ભરોસે ચલાવવામાં આવી રહી છે. કહેવાતી કડક સૂચના આપવામાં આવી હોવા છતાં ત્રણ વર્ષથી એક જગ્યાએ હોય અથવા તો મૂળ વતનમાં નોકરી કરતા હોય તેવા IPS કેડરના પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર પણ કરવામાં આવી નથી. એટલે શક્ય છે કે, જેમ ભૂતકાળમાં અમદવાદમાં રથયાત્રા જેવા મહત્વના બંદોબસ્ત ટાણે ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી ગાડું ગબડાવવામાં આવ્યું હતું તેમ સુરત જેવા મોટા શહેરમાં રેગ્યુલર પોલીસ કમિશનર વગર જ ચૂંટણી પણ આટોપી લેવામાં આવે. કારણ કે, હવે નિયમો, ચૂંટણી પંચ અને સમગ્ર સિસ્ટમ બદલાઈ ગઈ છે, હવે કંઈપણ થઇ શકે છે. 

આમ જોવા જઈએ તો ગુજરાત પોલીસમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે.  ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેમજ અથવા તો વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા પોલીસ અધિકારીઓનું લિસ્ટ પણ મોટું છે. પરંતુ ચૂંટણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થા સાથે સીધો સંબંધ હોય તેવી પોલીસ કમિશનર, રેન્જના આઇજી-ડીઆઈજી અને જિલ્લામાં એસપીની પોસ્ટ છે. જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા અને આણંદમાં નિયમિત એસપી નથી. રાજ્યના મોટા અને મહત્વપૂર્ણ એવા સુરતમાં શહેરમાં પોલીસ કમિશનરની પોસ્ટની સાથે સાથે સુરત રેન્જ પણ ઇન્ચાર્જને ભરોસે ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસ વિભાગમાંની રેન્જની આઇજી-ડીઆઈજીની કેટલીક જગ્યાએ તો ત્રણ વર્ષથી વધુ સમયથી બદલી કરવામાં આવી નથી. જેમાં સૌથી મોટી કહી શકાય તેવી બોર્ડર રેન્જમાં ચારેક વર્ષથી ટ્રાન્સફર થઇ નથી. 

ચૂંટણી પંચની બીક કેમ નથી લાગતી ? : સત્તાના તમામ સ્તરે એક રાજકીય પાર્ટીનું શાસન હોવાની સાથે સાથે ચૂંટણી પંચમાં પણ પોતાના ખાસ, માનીતા અને 'યસ મેન' કહી શકાય તેવા વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા સતત થઇ રહ્યો છે. પહેલા તો કોઈ ઇલેક્શન કમિશનને પત્ર લખીને ચૂંટણી ટાણે રાજ્ય સરકારોની અધિકારીઓની નિયુક્તિમાં 'ગોઠવણ'ની ફરિયાદ કરે તો તરત જ તેમની સામે કડક પગલાં લેવામાં આવતા હતા. પરંતુ હવે ફરિયાદ થાય તો પણ કશું થાય તેમ નથી. અને કદાચ એટલે સરકારોને કે તેમાં રહેલા અધિકારીઓને ચૂંટણી પંચની બીક નથી લાગતી. અને એટલે જ હજુ સુધી ચૂંટણી પ્રક્રિયામાં જેમનો મહત્વનો રોલ હોય છે તેવા પોલીસ અધિકારીઓને ગુજરાતમાં બદલવામાં આવ્યા નથી. સંભવ છે કે, હવે કોઈ પોસ્ટિંગ કે ટ્રાન્સફર ન પણ થાય. અથવા તો ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આચાર સંહિતાની અમલવારી દરમિયાન બદલીઓ થાય.