કચ્છ : પતરી વિધિ વિવાદમાં પોલીસે ઝંપલાવ્યું, વિધિ અંગેનો ઓર્ડર માંગ્યો...

ભુજ કોર્ટે પ્રીતીદેવીની પ્રોટેક્શન અરજી ફગાવ્યા છતાં પોલીસ સક્રિય

કચ્છ : પતરી વિધિ વિવાદમાં પોલીસે ઝંપલાવ્યું, વિધિ અંગેનો ઓર્ડર માંગ્યો...

WND Network.Bhuj (Kutch) : આવતીકાલે માતાના મઢ ખાતે આઠમાં નોરતે થનારી પતરી વિધિનો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભુજ કોર્ટ દ્વારા પ્રીતિદેવીની પતરી વિધિ વખતે પ્રોટેક્શન માટે કરવામાં આવેલી અરજી રિજેક્ટ કર્યા પછી પશ્ચિમ કચ્છ પોલીસ સક્રિય થઈ છે. અને બંને પક્ષની પોલીસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ખુદ ભુજ એસપી જણાવી રહ્યા છે. માતાના મઢ ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના ભાગ રૂપે પોલીસ આ કાર્યવાહી કરી રહી હોવાનું પોલીસ તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ માતાના મઢ જાગીર દ્વારા સ્પષ્ટ રીતે મ.કુ. હનુમંતસિંહ જાડેજાને જ પતરી વિધિ માટે માન્ય કરવા છતાં પોલીસ દ્વારા હનુમંતસિંહ જાડેજાના એડવોકેટ યોગેશ ભંડારકર પાસે પોલીસ અધિકારીઓએ કરેલી પૂછપરછ પાછળ રાજકીય દબાણ હોવાનુ પણ બહાર આવી રહ્યું છે. 

હનુમંતસિંહ જાડેજાના એડવોકેટ યોગેશ ભંડારકરે આ અંગે જણાવ્યું કે, પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ તેમની પાસે આવ્યા હતા. અને તેમના દ્વારા મઢ ખાતે પતરી વિધિ કરવા અંગેનો હુકમ માંગવામાં આવ્યો હતો. આ અંગે પશ્ચિમ કચ્છનાં ભુજ એસપી સૌરભસિંહે કહ્યું કે, બંને પાર્ટીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે એટલે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભુજ કોર્ટે પતરી વિધિ વખતે પ્રીતીદેવી દ્વારા પ્રોટેક્શન અંગેની અરજી ફગાવી દેવામાં આવી છે છતાં પોલીસ શા માટે આવું કરી રહી છે તે એક પ્રશ્ન છે. 

પતરી વિધિને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસ શા માટે અને કોના દબાણમાં આવી હરકત કરી રહી છે તે પણ એક પ્રશ્ન છે. પોલીસનું કામ મઢમાં મંદિર ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે. 

ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને એમપી વિનોદ ચાવડા કરી રહ્યા છે દબાણ ? :- સૂત્રોનું માનીએ તો ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા દ્વારા પોલીસ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. નલિયાના ઇન્દ્રજીતસિંહ જાડેજા અને કચ્છ ભાજપમાંથી બરતરફ કરવામાં આવેલા શૈલેન્દ્રસિંહ જાડેજા વચ્ચે પારિવારિક સંબંધ છે. અને શૈલેન્દ્રસિંહ જાડેજાને ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વચ્ચે સારું રાજકીય ગઠબંધન છે. જેમાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા પણ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ સ્ટેટ લેવલે ભાજપ સંગઠન તેમજ કચ્છ એમપી ચાવડાના દબાણમાં પોલીસ કોર્ટનાં ઓર્ડર પછી પણ પિક્ચરમાં આવતા મામલો વધુ પેચીદો બન્યો છે. માતાના મઢ એ ખાનગી સંસ્થા છે ત્યારે પોલીસની સક્રિયતા તેની વિશ્વસનીયતા શંકા પેદા કરી કરી છે.