Kutch Betel Scam : કરોડાના તોડકાંડમાં ટ્વીસ્ટ, હવે ફરિયાદી આરોપી બન્યો, 3.75 કરોડની લાંચની FIR કરનાર અનિલ પંડિત સામે પોલીસની ફરિયાદ

ACBની ફરિયાદ અને ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક લાભ મેળવવાની FIR વચ્ચે તોડના કરોડો રૂપિયા કોણ હજમ કરી ગયું તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ

Kutch Betel Scam : કરોડાના તોડકાંડમાં ટ્વીસ્ટ,  હવે ફરિયાદી આરોપી બન્યો, 3.75 કરોડની લાંચની FIR કરનાર અનિલ પંડિત સામે પોલીસની ફરિયાદ
Kutch Betel Scam : કરોડાના તોડકાંડમાં ટ્વીસ્ટ,  હવે ફરિયાદી આરોપી બન્યો, 3.75 કરોડની લાંચની FIR કરનાર અનિલ પંડિત સામે પોલીસની ફરિયાદ
Kutch Betel Scam : કરોડાના તોડકાંડમાં ટ્વીસ્ટ,  હવે ફરિયાદી આરોપી બન્યો, 3.75 કરોડની લાંચની FIR કરનાર અનિલ પંડિત સામે પોલીસની ફરિયાદ

WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ બેડા સહીત IPS લોબીમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાના તોડકાંડમાં અવનવા ખુલાસા વચ્ચે કચ્છને સાંકળતી બોર્ડર રેન્જ પોલીસના તાબા હેઠળ આવતી પોલીસે 26મી ઓકટોબર, ગુરુવારે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. જેને કારણે આ સમગ્ર પ્રકરણમાં ગઝબનો ટ્વીસ્ટ આવ્યો છે. કારણ કે, પોલીસે અગાઉની ACB ફરિયાદમાં જેને ફરિયાદી તરીકે સ્વીકાર્યો હતો તેને હવે આરોપી તરીકે નક્કી કરીને તેની સામે કરોડો રૂપિયાની સોપારીના જથ્થામાં ખોટા દસ્તાવેજ બનાવીને સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાનું તપાસમાં માનીને મુન્દ્રા પોલીસ મથકે FIR દાખલ કરી છે. જેમાં અનિલ તરૂણ પંડિત ઉપરાંત નાગપુર અને મુંબઈમાં રહેતી એક મહિલા સહીત કુલ છ વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો છે. અલબત્ત આ પકડા-પકડી વચ્ચે સૌથી મહત્વનો પ્રશ્ન કે, કરોડો રૂપિયાનો તોડ કોના ઈશારે થયો અને કોણ એ રૂપિયા હજમ કરી ગયું છે તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે.  

મુન્દ્રા પોલીસ મથકે ગુરુવારે મુકેશ પોપટલાલ ચૌધરી નામના પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે કે, 17મી ઓક્ટોબરના રોજ તેમને બોર્ડર રેન્જ આઇજીની કચેરી તરફથી અનિલ તરુણ પંડિત નામના વ્યક્તિની અરજી અંગે વિશેષ તપાસ સોંપવામા આવી હતી. જેમાં તેમના દ્વારા તપાસ કરતા ખબર પડી કે, અનિલ પંડિત અને અન્ય પાંચ વ્યક્તિએ ભેગા મળીને આર્થિક લાભ મેળવવા માટે સરકાર સાથે છેતરપિંડી કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા છે. વિદેશથી આયાત કરેલી સોપારીનો જથ્થો વેચવા માટે આ લોકોએ માત્ર ખોટા દસ્તાવેજ બનાવ્યા એટલું જ નહીં પરંતુ મોહિત એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢી પણ ઉભી કરી હતી. આમ પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે. 

મુન્દ્રા પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં ફોર ફોક્સ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ભાગીદારો અનિલ તરુણ પંડિત ઉપરાંત દિનેશ માસ્ટર અને સુરેખા શેઠ સહીત મોહિત પ્રદીપ માખીજા, મેહુલ ભદ્રા અને હિમાંશુ ભદ્રા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ બોર્ડર રેન્જ આઇજીના તાબા હેઠળ આવતા એમ.ડી.ચૌધરી નામના પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવેલી છે. 

ફરિયાદના બે દિવસ પહેલા અનિલ પંડિતે હાઇકોર્ટમાં કેસ ટ્રાન્સફરની અપીલ કરેલી : એક પછી એક થઇ રહેલા ખુલાસા અને ફરિયાદ વચ્ચે જેણે ACBના કાયદા મુજબ ચાર પોલીસ કર્મચારી સહીત છ વ્યક્તિ સામે મુન્દ્રા પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવ્યો હતો તે અનિલ પંડિતે કેસની તપાસ બોર્ડર રેન્જ આઇજીના તાબા હેઠળ આવતી પોલીસને બદલે અન્ય કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તેવી અપીલ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. જેમાં અનિલે બોર્ડર રેન્જ પોલીસ વિરુદ્ધ એવો આરોપ મુક્યો હતો કે, તેમને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. વારંવાર તપાસના બહાને તેમને કચ્છ સહીત બોર્ડર રેન્જ આઇજીના તાબા હેઠળ આવતા પોલીસ મથકોમાં બોલવામાં આવે છે. અને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. અવાર નવાર નિવેદનો આપવા છતાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે પોલીસને નોટિસ ફટકારીને આગામી મહિનાની નવમી તારીખે સુનાવણી રાખી છે. 

તોડકાંડના આરોપી પોલીસ કર્મચારીની પત્નીનો રેન્જ આઇજી IPS જે.આર.મોથાલિયા સામે સનસનીખેજ આક્ષેપ : સોપારી કાંડ અને ત્યારબાદ થયેલા કરોડો રૂપિયાના તોડકાંડમાં જેમ જેમ પોલીસ આગળ વધતી જાય છે તેમ તેમ અવનવા ખુલાસા અને આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઇ રહ્યા છે. 3.75 કરોડના તોડકાંડમાં જેમનું નામ આરોપી તરીકે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલું છે તેમના એક પોલીસ કર્મચારી રણવીરસિંહ ઝાલના પત્ની કૈલાસબા ઝાલાએ ગુજરાતના પોલીસ વડા DGP વિકાશ સહાયને એક પત્ર લખીને એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, રેન્જ આઇજી IPS જે.આર.મોથાલિયાને બચાવવા માટે તેમના પતિને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. અને તપાસને બહાને તેમના ઘરે પોલીસ આવીને તેમને તથા તેમના વૃદ્ધ સસરાને હેરાન કરે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, બોર્ડર રેન્જ આઇજી IPS જશવન્ત મોથાલિયાને બચાવવા માટે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને અને તેમના મકાનને કોઈ સંબંધ ન હોવા છતાં પોલીસ તેમના મકાને સીલ કરી દેવાની ધમકી આપી રહી છે. આ પત્ર ગાંધીનગર પોલીસ ભવનમાં ડીજીપી ઓફિસમાં ઇન્વર્ડ પણ કરવામાં આવેલો છે.