Qatar gives Death Sentence to 8 Indian Navy Official : કતરમાં પકડાયેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ અધિકારીને મોતની સજા, પાકિસ્તાની એજન્સી ISIના ઈશારે પકડ્યા હોવાની આશંકા
ઇઝરાયલ માટે અરબ દેશમાં જાસૂસી કરી રહ્યા હોવાની ચર્ચા, ઇન્ડિયન એજન્સી R&AWની સામે પણ શંકાની સોય તકાઈ, ભારત સરકાર વિસ્તૃત વિગતો માટે રાહ જોઈ રહી હોવાનું સત્તાવાર નિવેદન
WND Network.New Delhi : અરબ દેશ કતરમાં ઓગસ્ટ 2022માં પકડાયેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ અધિકારીને ફાંસીની સજા આપવામાં આવી છે. તેમની સામે ઇઝરાયલ માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો હતો. અને તેમને લાંબા સમયથી કતર દેશના દોહામાં એકાંતવાસમાં રાખવામાં આવેલા છે. પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISIની બાતમી અને ઈશારે કતરમાં તેમને પકડી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતે હજુ સુધી તેની વિસ્તૃત પ્રતિક્રિયા આ મામલે આપી નથી. ભારત સરકાર પૂરતી વિગતો મેળવી રહી છે. વિદેશ મંત્રાલયે સમગ્ર મામલાને દુઃખદ જણાવીને આ મુદ્દે અપીલ કરશે તેવું કહ્યું છે. ભારતીય નૌકા દળના આ પૂર્વ ઓફિસર્સ કતરની એક કંપની દાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીઝ સર્વિસીઝમાં કામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન તેમની ઉપર ઇઝરાયલ માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આરોપ છે. આરબ દેશ કતરમાં જાસૂસીના આરોપને અતિ ગંભીર ગણવામાં આવે છે. ઇન્ડિયન પ્રિમિયન ઇન્ટેલિજન્સ એજન્સી રૉ (R&AW)ની સામે પણ આ મુદ્દે શંકાની સોય તકાઈ રહી છે.
કતરની કોર્ટમાં જે આઠ લોકોને ફાંસીની સજા કરવામાં આવી છે તેમાં નૌ સેનાના પૂર્વ કેપ્ટન બિરેન્દ્રકુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સુગુનાકાર પકાલા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂરનેંદુ તિવારી, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશનો સમાવેશ થાય છે. આ લોકો જે દાહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીઝ સર્વિસીઝમાં કામ કરી રહ્યા હતા તે એક ખાનગી કંપની છે અને તે કતર દેશની ડિફેન્સ ફોર્સને ટ્રેનિંગ સહિતની સેવા આપી રહી છે. સૂત્રોનું માનીએ તો, કતરની આ કંપનીમાં ઇન્ડિયન નેવીના ઓફિસર અંગેની માહિતી પાકિસ્તાની એજન્સી ISI દ્વારા કતરને આપવામાં આવી હતી. જેને પગલે તેમને ગયા વર્ષે ઓગસ્ટ 2022માં જ દોહામાં કેદ રાખવામાં આવ્યા હતા.
ઇઝરાયલ માટે જાસૂસ કરવાના આરોપને ભારત તેમજ નૌ સૈનિકોના પરિવારજનો પહેલા જ ફગાવી ચુક્યા છે. આ પ્રકરણમાં ભારત સરકારે દાખલ કરીને મેં મહિનામાં જ ઇન્ડિયન નેવીના આ પૂર્વ અધિકારીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. અને તેમને કાનૂની મદદ પણ આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત કતરમાં ભારતીય દૂતાવાસની મદદથી તેમને ભારતમાં ફેમિલી સાથે વાત પણ કરાવી આપવામાં આવી હતી. ફાંસીની સજા જાહેર થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયએ ફરીથી એક વાર મદદ કરવાની વાત કરી છે. સજાને મુદ્દે કતર દેશની સરકાર સમક્ષ ડિપ્લોમેટિક લેવલે પણ વાત કરવામાં આવશે તેમ ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસ અને RJDએ સહાનુભતિ વ્યક્ત કરીને સરકારને મદદ કરવાની અપીલ કરી : ભારતના આઠ પૂર્વ નૌ સૈનિકને કતર દેશમાં ફાંસીની સજામાં આપવામાં આવતા તેના પડઘા દેશમાં પણ પડ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને શક્ય એટલી મદદ કરવાની અપીલ કરી છે. અને સમગ્ર ઘટનાને દુઃખદ ગણવી છે. રાષ્ટ્રીય જનતા દળના ટ્વીટર હેન્ડલ ઉપર પણ આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનના ઈશારે ષડયંત્ર કરીને તેમને ફસાવવામાં આવ્યા છે. તેમજ મોદી સરકાર પહેલાથી આ મામલે એવું વર્તન કરી રહી છે જાણે કે તેમને આ કેસમાં કોઈ લેવા દેવા જ નથી.