ગુજરાતની ચૂંટણી ટાણે પાકિસ્તાને કચ્છની સામે પાર સિરક્રિકમાં કરી છે આવી તૈયારી, નાપાક હરકતને ટક્કરને આપવા ભારત પણ છે તૈયાર...
પાકિસ્તાને 32મી ક્રીક બટાલિયનને ઉભી કરવાની તૈયારીઓ પાકિસ્તાને પુરી કરી લીધી
WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ દરમિયાન નાપાક પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં કોઈ ગરબડ કરવામાં આવે તો તેને કેવી રીતે પહોંચી શકાય તે માટે બીએસએફ એલર્ટ મોડમાં છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા ક્રીક એરિયામાં, ખાસ કરીને સિરક્રીકમાં એક અલાયદી નવી નેવલ બટાલિયન ઉભી કરી દેવામાં આવી છે. પાકિસ્તાને તેની રેંજર્સની 32મી ક્રીક બટાલિયનને રેઇઝ કરવાની તમામ તૈયારીઓ પાકિસ્તાને પુરી કરી લીધી છે. હાલમાં જયાં ભારતનો કચ્છનો ક્રીક એરિયા છે ત્યાં બરાબર સામે આ બટાલિયનને ઉભી કરી દેવામાં આવી છે. અત્યાર સુધી પાકના સિંધ પ્રાંતનાં બદીનથી લઈને ઝીરો પોઇન્ટ સુધી અહીં માત્ર એક, 31મી બટાલિયન જ તૈનાત હતી. હવે આ જ વિસ્તારનાં બે ભાગ પાડીને ક્રીક એરિયાને નવી ઉભી કરેલી 32મી બટાલિયનને સોંપવામાં આવ્યો છે. જેને પગલે બોર્ડરની સિક્યોરિટીની જવાબદારી સાંભળી રહેલા બીએસએફ દ્વારા પણ તેને ટક્કર આપવા માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ સમયે, મોસમમાં હંમેશા એલર્ટ રહેતા સીમા સુરક્ષા દળ દ્વારા ગુજરાતની ચૂંટણી દરમિયાન કોઈ ગરબડ ન થાય તે માટે વધારાની ફોર્સ ઉપરાંત લેટેસ્ટ આર્મ્સ એન્ડ એમ્યુનેશન થકી બોર્ડર ઉપર સુરક્ષા વ્યવસ્થા ઍક્સટ્રા હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે.
ઇન્ટેલ એજન્સીના સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ગયા થોડા મહિના પહેલા પાક નેવલના કોસ્ટલ કમાન્ડ હેઠળ આવતા ક્રીક બ્રિગેડ અંતર્ગત આ નવા નેવલ યુનિટને ઉભું કરવામાં આવ્યું છે. જેના પ્રથમ કમાન્ડિંગ ઓફિસર તરીકે તાહિર જબરાન ખાન નામનાં ઓફિસરને નિમણુંક પણ કરી દેવામાં આવ્યો છે. સિંધના સુજાવલ નામનાં શહેરથી નીચે કચ્છ તરફ આવેલા જતી નામની જગ્યાએ આ નવી બટાલિયનનું હેડ ક્વાર્ટર બનાવવામાં આવ્યું છે. જયાં હવે પાકિસ્તાને સૈનિકોને મોકલી પણ દીધા છે.
કચ્છનાં ક્રીક એરિયાની સામે આવેલા કાસમ બંદર ઉપરાંત લિયાકત પોસ્ટ સહિતની જગ્યાએ મોટા બેઝ તૈયાર કરવામાં આવ્યા છે. જે રીતે પાકિસ્તાન શાંત માનવામાં આવતી કચ્છ બોર્ડરની સામે નેવીની જમાવટ કરી રહ્યું છે તેને જોતા તેની નિયતમાં ખોટ હોય તે સ્પષ્ટ લાગી રહ્યું છે.
આ અંગે જયારે ગુજરાત ફ્રન્ટિયર બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડેપ્યુટી આઇજી એમ.એલ.ગર્ગનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે, ગુજરાતની ખાસ કરીને કચ્છની સમુદ્રી તેમજ રણ સીમા ઉપર વધુ ફોર્સ ગોઠવામાં આવી છે. જેમની પાસે લેટેસ્ટ આર્મ્સ એન્ડ એમ્યુનેશન ઉપરાંત એવા કેટલાક સાધનો છે જેને લઈને બોર્ડર ઉપર કોઈપણ હરકતને કંટ્રોલ કરી લેવાની ચુસ્ત વ્યવસ્થા સેટઅપ કરવામાં આવેલી છે. જેથી બોર્ડર પારથી કોઈપણ નાપાક હરકતને ડામી દેવામાં આવશે.
નવી બટાલિયન ઉપરથી ધ્યાન ભટકાવવા ચરસ ફેલાવ્યું ? :- જે રીતે કચ્છનાં ક્રીક એરિયામાં ચરસ મળી રહ્યું છે તે ભારતીય એજન્સીઓ માટે પણ એક સંશોધનનો વિષય છે. બરાબર આ સમય દરમિયાન પાકિસ્તાન કચ્છની સામે આવેલા ક્રીક એરિયામાં નવું ડિફેન્સ સેટઅપ ઉભું કરી રહ્યું હતું. આમ આ બંને ઘટનાક્રમમાં કયાંક ને કયાંક સંબંધ હોવાનું ડિફેન્સના જાણકારો દાવો કરી રહ્યા છે. જેને કારણે હાલ તો કચ્છથી માંડીને દિલ્હીમાં રાયસીના હિલ્સ સુધીની ઓફિસમાં આ મામલે મંથન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના સહરદ ઉપરના આ નવા સાહસને પગલે ભારતે પણ કચ્છમાં તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની ચર્ચા અહીં ટાળવામાં આવી છે.
ગુજરાત બોર્ડરને લઈને કોઈ ન્યૂઝ પ્લાંટ કરવાની સંભાવના :- ગુજરાતમાં ભાજપની સરકારને 27 વર્ષથી પાવરમાં છે ત્યારે લોકોને પાડોસી દેશનો ભય બતાવીને બોર્ડરને સાંકળતી કોઈ ન્યૂઝ સ્ટોરી પ્લાંટ કરવામાં આવે તેવી સંભાવના નેશનલ સિક્યોરિટીના એક્સપર્ટ માની રહ્યા છે. આ માટે દેશના એક મોટા મીડિયા સમૂહ દ્વારા આવી કોઈ હરકત થાય તેવી પણ સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહયા છે. જેનો ગુજરાતની ચૂંટણી દરમિયાન બેધડક ઉપયોગ થાય તેવી પણ શક્યતા છે. એટલે જો આગામી દિવસોમાં આવા કોઈ ન્યૂઝ આવે તો સમજવાનું કે, તે પ્લાન્ટેડ છે.