રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન: શું ચીન અક્સાઈ ચીનમાં નવો હાઈવે બનાવવા જઈ રહ્યું છે?

આ હાઇવે ડેપસાંગ, ગલવાન અને હોટ-સ્પ્રિંગ જેવા વિવાદિત વિસ્તારોની પાસેથી નીકળશે

રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન: શું ચીન અક્સાઈ ચીનમાં નવો હાઈવે બનાવવા જઈ રહ્યું છે?

WND Network.Delhi : ભારતનો પાડોશી દેશ ચીન અક્સાઈ ચીનમાંથી પસાર થતો વધુ એક હાઈવે બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જે ભારતની સરહદ દ્વારા શિનજિયાંગને તિબેટ સાથે જોડશે. ધ હિન્દુ અખબારના સમાચાર અનુસાર, આ હાઈવેનું નામ G-695 રાખવામાં આવ્યું છે જે વિવાદિત અક્સાઈ ચીનમાંથી પસાર થતો બીજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હશે. અખબાર લખે છે કે, આ પહેલા 1959માં વિવાદિત જી219 હાઈવે બનવાનું શરૂ થયું હતું. આ હાઈવેને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, તે વર્ષ 2035 સુધીમાં તૈયાર થઈ જશે. હોંગકોંગ સ્થિત સાઉથ-ચાઈના મોર્નિંગ પોસ્ટે બુધવારે આ નવા હાઈવે અંગે માહિતી આપી હતી. પોસ્ટ અનુસાર, આ નવો હાઇવે G219 કરતા વાસ્તવિક નિયંત્રણ રેખાની ખૂબ નજીકથી પસાર થશે. જો કે સૂચિત હાઈવેનો કોઈ નકશો હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. તે માત્ર એક યોજના છે. પરંતુ આ યોજનાના સંદર્ભમાં જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ આ હાઈવે અક્સાઈ ચીનમાંથી પસાર થશે.

ચીન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ યોજનાનું બીજું પાસું એ છે કે, તે એવા વિસ્તારોની ખૂબ નજીકથી પસાર થશે કે જ્યાં ચીન અને ભારત વચ્ચે સરહદને લઈને વિવાદ છે. જેમાંથી એક ડોકલામના ઇવાકામાંથી પણ આવે છે. પોસ્ટના અહેવાલ મુજબ, 'નવા બાંધકામ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કે માહિતી અથવા વિગતો નથી. પરંતુ જો હાઈવેનું કામ પૂર્ણ થઈ જશે તો, તે ડેપસાંગ, ગલવાન અને હોટ-સ્પ્રિંગ જેવા વિવાદિત વિસ્તારોની નજીકથી પસાર થશે.'

અક્સાઈ ચીનનો દાવો : ભારત લદ્દાખના અક્સાઈ ચીન વિસ્તારને પોતાનો વિસ્તાર માને છે, પરંતુ ત્યાં ચીનનું નિયંત્રણ છે. ભારતનો દાવો છે કે 1962ના યુદ્ધ દરમિયાન ચીને ત્યાંની લગભગ 38,000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશમાં મેકમોહન રેખાને સ્વીકારતું નથી અને સાથે સાથે અક્સાઈ ચીન પર ભારતના દાવાને માનતું નથી. આથી આ નવા માર્ગને લઈને ભારત અને ચીન વચ્ચે વધુ એક વિવાદ અસ્તિત્વમાં આવે તો નવાઈ નહિ હોય.