અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતા વાળા શક્તિશાળી ભૂકંપથી 1000ના મોત, સેંકડો ઘાયલ...

ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ શહેર ખોસ્તથી 44 કિમી દૂર, કાબુલ અને ઈસ્લામાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતા વાળા શક્તિશાળી ભૂકંપથી 1000ના મોત, સેંકડો ઘાયલ...

WND Network.Kabul : અફઘાનિસ્તાનમાં થોડીવાર પહેલા આવેલા 6.1 તીવ્રતા વાળા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1000 લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરો પરથી ઘાયલોની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સૌથી વધુ નુકસાન પક્તિકા પ્રાંતમાં થયું છે.

આ પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. અહીંથી આવી રહેલી તસવીરોમાં ઘાયલોને સ્ટ્રેચરમાં લઈ જવામાં આવતા જોઈ શકાય છે. એક સ્થાનિક અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે, મૃત્યુઆંક હજુ 250 છે, પરંતુ આ સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા 150થી વધુ છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વ શહેર ખોસ્તથી 44 કિમી દૂર હતું. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોટી સંખ્યામાં થયેલી આ જાનહાની અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.