રશિયાનો દાવો - પશ્ચિમી દેશો સાઈબર હુમલા કરી રહ્યા છે, 28 હજારથી વધુ રશિયન સૈનિકોના મોતની શંકા
યુક્રેનના સૈનિકો દ્વારા 1,278 રશિયન ટેન્કનો નાશ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો
WND Network : રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધને બે મહિનાથી પણ વધુ સમય થયો છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવો દાવો કર્યો છે કે, તેમના દેશ પર સાઈબર એટેક થઈ રહ્યો છે. તેમણે પશ્ચિમી દેશો પર પશ્ચિમ તરફથી સાઈબર હુમલાનો સામનો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ યુક્રેને એવો દાવો કર્યો છે કે, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 28,850 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ સમય ગાળામાં યુક્રેનના સૈનિકો દ્વારા 1,278 રશિયન ટેન્કનો નાશ કરવામાં આવ્યો છે.
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીએ મંત્રાલયને ટાંકીને કહ્યું કે એઝોવસ્ટલમાં છુપાયેલા 500 વધુ યુક્રેનિયન સૈનિકોએ રશિયા સમક્ષ પોતાના હથિયારો મૂકી દીધા છે. આ રીતે સોમવારથી શુક્રવાર સુધીમાં 2,439 યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જો કે હજુ સુધી યુક્રેન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ યુક્રેનિયન નાગરિકોના મોત થયા હોવાની આશંકા છે.