ચારધામ યાત્રાએ ગયેલા કચ્છના યુવાનનું હરિદ્વારમાં ડૂબી જવાથી મોત

સપ્તર્ષિ ઘાટ પર સ્નાન કરવા ગયેલો કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો

ચારધામ યાત્રાએ ગયેલા કચ્છના યુવાનનું હરિદ્વારમાં ડૂબી જવાથી મોત

WND Network.Bhuj (Kutch) : ચારધામ યાત્રા માટે  કચ્છ સહિત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર સહિત ઋષિકેશ આસપાસના શહેરોમાં જઈ રહ્યા છે તેવામાં કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની ગઇ છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી હતી.

શનિવારે લાખિયારવિરાના કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. તે પોતાના પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર પહોંચ્યો હતો. આ દરમિયાન યુવકોના સમૂહમાંથી કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. પોલીસને રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને આપી દેવાયો હતો. ગંગાના આ વિસ્તારમાં નદીની ઊંડાઈ ઘણી વધારે હતી. જેનો કલ્પેશ અંદાજો લગાવી શક્યો નહીં અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો અને ડૂબી ગયો. રાત પડવાને કારણે યુવકનું સર્ચ ઓપરેશન થઈ શક્યું ન હતું અને બીજા દિવસે તેની લાશ મળી હતી. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. તે પોતાના મોસાળના પરિવારજનો સાથે હરિદ્વાર ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે. યુવકની અંતિમક્રિયા સોમવારે ગામમાં પૂર્ણ કરાઇ છે.