Farmers Protest Latest News : વિશ્વગુરુનો વાગ્યો ડંકો, ખેડૂતોના આંદોલન - કિસાનની મોત અંગે ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટમાં થઇ ચર્ચા, મોદી સરકાર સાથે વાત કરવાનો બ્રિટિશ સંસદે આપ્યો ભરોસો

મૂળ ભારતના શીખ સમુદાયના સાંસદ તનમનજીતસિંહ ઢેસી બ્રિટિશ સાંસદે ભારતમાં થઈ રહેલા કિસાન આંદોલનમાં મોદી સરકારની ટીકાત્મક આલોચના કરી

(Video Credit : X Media)

WND Network.Londan : વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અને એક યુવા કિસાનની મોત અંગે ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટમાં ચર્ચા થવાનો મામલો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી ટ્રોલ થઇ રહ્યો છે. કૃષિ પેદાશના ટેકાના ભાવ એટલે MSP સહિતના વિવિધ મુદ્દાઓને લઈને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલા દિલ્હી બોર્ડર ઉપર ચાલી કિસાન આંદોલનનો મામલો હવે ભારતથી બહાર નીકળીને યુકેની સંસદ સુધી પહોંચ્યો છે. મૂળ ભારતના શીખ સમુદાયના સાંસદ તનમનજીતસિંહ ઢેસી બ્રિટિશ સાંસદે ભારતમાં થઈ રહેલા કિસાન આંદોલનમાં મોદી સરકારની ટીકાત્મક આલોચના કરી હતી. બ્રિટિશ સંસદમાં તેમની રજૂઆતને ઇંગ્લેન્ડની સરકારે આ મામલે ખુબ જ ગંભીર હોવાનું કહીને ભારત સરકાર સાથે તેમનો સંબંધિત વિભાગ ચર્ચા કરશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. 

શીખ સમુદાયમાંથી આવતા બ્રિટિશ સાંસદ તનમનજીતસિંહ ઢેસીએ ખેડૂતોની અભિવ્યક્તિની આઝાદી અંગે ભારત સરકાર દ્વારા જે દમન કરવામાં આવ્યું રહ્યું છે તે મામલે ગંભીરતાપૂર્વક મુદ્દો ઉઠાવીને આંદોલન દરમિયાન એક યુવાનનું મોત થયું હોવાનું પણ જણાવ્યું હતું. ઇંગ્લેન્ડના MP ઢેસીએ બ્રિટિશ પાર્લિયામેન્ટની ચર્ચામાં એમ પણ કહ્યું હતું કે, તેમને ભારતથી શીખ સમુદાય તેમજ ગુરુદ્વારાના સભ્યો દ્વારા ભારતમાં કિસાન આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા સંબંધી ગંભીર વાતો કહી છે. ઢેસીએ તેમના ભાષણમાં બુધવારે પોલીસ સાથેની કથિત અથડામણ દરમિયાન માથામાં ગોળી વાગતાં એક ખેડૂતના મોત તથા અન્ય એક ખેડૂતને ગોળી વાગી હોવાની વાત પણ કરી હતી. 

ખેડૂત આંદોલનમાં અભિવ્યક્તિની આઝાદી અને સુરક્ષા ઉપરાંત ભારતીય મૂળના આ ઇંગ્લેન્ડના એમપી ઢેસીએ ભારતમાં મોદી સરકારની ટીકા કરતા લોકો અને સંગઠનોના ટવીટર એટલે કે એક્સ એકાઉન્ટ બ્લોક કરવાને મામલે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આજે બીબીસી ન્યૂઝમાં મીડિયા રિપોર્ટ્સ આવ્યો છે કે, X સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ આ બાબતમાં કાયદેસરની પોસ્ટ અને એકાઉન્ટ્સ કાઢી નાખવા માટે તેની ઇચ્છા વિરુદ્ધ ભારતની મોદી સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું છે. જે ખુબ જ ગંભીર છે.  તેમણે એમ પણ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને દેખાવકારોની સુરક્ષા અને તેમના માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ.

ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકારે 177 એકાઉન્ટ અને લિંક બ્લોક કરી નાખી છે : બોલવાની અને અભિવ્યક્તિના અધિકારને ભારતનાં સંવિધાનમાં મહત્વ આપવામાં આવેલું છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી, ખાસ કરીને સરકાર વિરોધી મતને રાષ્ટ્રીય સુરક્ષાના બહાના તળે કચડી નાખવાના આશયથી સોશિયલ મીડિયા ઉપર અંકુશ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. બીજી વખત શરુ થયેલા કિસાન આંદોલનને લોકો સુધી પહોંચાડવાના આશયથી પ્રદર્શનકારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 177 એકાઉન્ટ અને લિંક બ્લોક કરી નાખી છે. જેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પડઘો પડ્યો છે. તેમાં પણ ઈલોન મસ્કની માલિકીના ટવીટર - X દ્વારા કરવામાં આવેલા એવા દાવા - કે ભારત સરકાર અમને ખેડૂતોના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કરી રહી છે. તેઓ પોલિસીને સન્માન આપીને એકાઉન્ટ બંધ તો કરી રહ્યા છે પરંતુ તેમની કંપની અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરતી હોવાને કારણે મોદી સરકારના આ નિર્ણય સાથે સહમત નથી. 

પંજાબના કિસાનોએ કચ્છના ખેડૂતો જેવો વિરોધ કરવો જોઈએ : ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં જે રીતે કિસાન સંઘ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવે છે તેમ પંજાબના કિસાનોએ પણ વિરોધ કરવો જોઈએ. જેથી જાહેર સંપત્તિનું નુકશાન ન થાય, કોઈને વાગે પણ નહીં અને વિરોધ પ્રદર્શન પણ થઇ જાય. કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપીને ફોટા પડાવવાના અને બહાર નીકળીને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી દેવાનું. સાંજ પડે તમામ અખબારોમાં ફોટા અને પ્રેસ નોટ મોકલી દેવાની. જેથી કરીને બીજા દિવસે ખેડૂતોના રોષની વાત ફોટા સાથે છપાઈ જાય.