ચાય પે ડ્રિન્ક (ચર્ચા) ગાંધીધામના 'નમો ટી પોઇન્ટ'માંથી પોલીસે પંદર હજારનો ઈંગ્લીશ દારૂ પકડ્યો...

DG વિજિલન્સના દરોડા વચ્ચે પૂર્વ કચ્છ પોલીસની પણ આકરી કાર્યવાહી

ચાય પે ડ્રિન્ક (ચર્ચા)  ગાંધીધામના 'નમો ટી પોઇન્ટ'માંથી પોલીસે પંદર હજારનો ઈંગ્લીશ દારૂ પકડ્યો...

WND Network.Gandhidham (Kutch) : પૂર્વ કચ્છમાં DG વિજિલન્સ દ્વારા કાર્યવાહી થઈ રહી છે તેવામાં અહીંની સ્થાનિક પોલીસ પણ આકરી કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગાંધીધામમાં એક ચાયની દુકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબનાં 15 હજારના માલ સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં 'નમો ટી પોઇન્ટ' નામની દુકાનમાં ઈંગ્લીશ દારૂ વેચવામાં આવે છે તેવી બાતમી મળતા પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. 

પૂર્વ કચ્છ LCB દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે, બોર્ડર રેન્જના IG જે.આર.મોથાલિયા સાહેબ અને SP મહેન્દ્ર બગડિયાએ પ્રોહીબીશનની બદી નેસ્ત નાબૂદ કરવાની જરૂરી સૂચના આપેલી છે. જેને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણા અને તેમના સબ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી કે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની બાજુમાં આવેલા કેસર આર્કેડમાં ઈંગ્લીશ દારૂ વેચાય છે. આથી તેમણે તપાસ કરી તો ખબર પડી કે, શોપ નંબર 6માં આવેલા 'નમો ટી પોઈન્ટ'માં તો દારૂ વેચાય છે. એટલે તરત જ દુકાનમાં રહેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારાયણદાસ કોડવાનીને પકડી પૂછપરછ કરતા જીતુએ દુકાનમાં ભારતીય બનાવટની અંગ્રજી શરાબની 35 બોટલ હોવાનું કબલ્યું હતું. જીતુ આદિપુરમાં આવેલા નાકોડા નગરની સામેના વોર્ડ નંબર 6/બીના પ્લોટ નંબર 93માં રહે છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે માલ અને માણસને પકડી ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી દીધો હતો. 

ડીજી વિજિલન્સે 8.11 લાખનો દારૂ પકડ્યો અને... DGPના સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC) દ્વારા પૂર્વ કચ્છ પોલીસના તાબા હેઠળના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંજારમાં આંકડાના જુગાર પકડવાની કામગીરી પછી પડાણા પાસેથી DG વિજિલન્સની ટીમ દ્વારા 8.11 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો. આ શરાબ ગાંધીધામ-પડાણા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા એક ટેન્કરમાંથી પકડવામાં આવ્યો હતો. શરાબનો આ જથ્થો ભચાઉના જાણીતા બુટલેગર અશોકસિંહ જાડેજા ઉર્ફે મામા દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. SMCની કાર્યવાહી પછી પૂર્વ કચ્છ પોલીસે પણ તેમના એરિયામાં ચાલતી બદીઓ સામે લાલ આંખ કરી છે.