Indian Post My Stamp : માત્ર ત્રણસો રુપિયા આપો તો ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તમારી પણ તમારા નામ અને ફોટા વાળી સ્ટેમ્પ ટિકિટ છાપી આપે !
કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા વર્ષ 2015માં દેશના સામાન્ય લોકોને પોતાની પોસ્ટલ ટિકિટ છપાવવાનો મોકો મળે તે માટે યોજના જાહેર કરેલી
WND Network.Bhuj (Kutch) : એવું કહેવાય છે કે, રાજ નેતાઓને સ્વપ્રસિદ્ધિનો શોખ હોય છે, તેના માટે તેઓ જાત જાતના નાટક કરતા હોય છે. પરંતુ તાજેતરમાં કચ્છના એક અખબારને પણ આ રોગ લાગુ પડ્યો છે. અને તે માટે આ છાપું રોજ નવા તરકટ, નાટક કરીને પોતાના ફોટાઓ દરરોજ સવાર પડેને વાંચકોના માથે ફટકારે છે. આવા જ એક દર્દમાં વળી આજે સવારે તેમણે પોતાના ચેરમેન રહી ચુકેલા સ્વર્ગવાસી ઉદ્યોગપતિની પણ ઠેકડી ઉડે એવું કૃત્ય કર્યું છે. અખબારમાં પ્રથમ પાના પર આઠ કોલમમાં ફોટો સાથે સમાચાર જાણે એવી રીતે પ્રસિદ્ધ કર્યા કે સ્વર્ગવાસી ચેરમેનના માનમાં ભારત સરકારે ટપાલ ટીકીટ બહાર પાડી હોય અને ગુજરાતના ભોળા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેનું વિમોચન કર્યું છે. હકીકત એવી છે કે દેશનો સામાન્યમાં સામાન્ય માણસ પણ 'MY STAMP' યોજના હેઠળ 300 રૂપિયા ખર્ચીને પોતાની ટીકીટ છપાવી શકે. આ અખબારે આ કૃત્ય જાણે મહાન કાર્ય હોય એવું બતાવીને પોતાની છાપને આજે વધુ હાસ્યાસ્પદ બનાવી હતી.

કચ્છના એકમાત્ર સાચા મિત્ર હોવાનો દાવો કરતા અને પોતાને પીળા પત્રકારત્વથી પર ગણાવતા આ અખબારની એક સમયે ગંભીર વર્તમાનપત્ર તરીકેને છાપ હતી. જો કે, તાજેતરના વર્ષોમાં સ્વ-પ્રસિદ્ધિના રોગે આ છાપાને એટલો બધો લુણો લગાડ્યો છે કે, હવે તે વધુને વધુ હાસ્યાસ્પદ બનતું જાય છે. એનો વધુ એક નમુનો આજે દેખાયો છે. આજે પ્રથમ પાના પર આઠ કોલમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સાથે અખબારના મોવડીઓ, તંત્રી વગેરેના ફોટો સાથે એક મહાન સમાચાર પ્રસિદ્ધ કર્યા કે, તેમના માજી ચેરમેન અને હાલના મોવડીઓના વડીલના માનમાં ટપાલ ટીકીટ પ્રસિદ્ધ થઇ છે. તેનું વિમોચન ગુજરાતના આ બંને નેતાઓએ કર્યું. ટપાલ ખાતા સાથે સંબંધિતોના કહેવા મુજબ, આવી કોઈ ટપાલ ટીકીટ ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે પ્રસિદ્ધ થઇ જ નથી.
હકીકતમાં વર્ષ ૨૦૧૫થી એક સ્કીમ છે કે, જેમાં દેશનો કોઈ પણ આદમી પોતે નક્કી કરે તે તસ્વીર સાથે ટપાલ ટીકીટ છપાવી શકે. આ માટે પોસ્ટ ખાતું રુપિયા ૩૦૦નો ચાર્જ લે છે. આવી ટપાલ ટીકીટ પર ઉપર અંગ્રેજીમાં ‘MY STAMP’ એવું લખેલું હોય. આ યોજના હેઠળ પોતે જ છપાવેલી ટપાલ ટીકીટ જાણે કોઈ મોટી સિદ્ધિ હોય એવું વાંચકોના મનમાં ઠસાવવાના ઝાંસામાં આ અખબાર જ આવી ગયું છે અને ચોમેર હાંસીને પાત્ર ઠરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં શાહમૃગની જેમ માથું ઊંધું ઘાલીને પોતાને કોઈ જોતું નથી એવું માનતા આ અખબારે લગભગ દરરોજ સવાર પડે અને પોતાના ફોટાઓ પ્રસિદ્ધ કરીને વાંચકોને હસવાની એક તક આપી રહ્યું છે.
Web News Duniya