Kutch Bhuj : શેર બજારનું ટ્રેડિંગ શીખવાડવાના બહાને એપ્લિકેશન બનાવનાર બે ડેવલોપરને બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા ભુજથી ઝડપી લેવાયા

એપ્લિકેશન બનાવીને કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં ગ્રાહકો બનાવીને કોઈપણ જાતના લાયસન્સ વિના ધંધો કરતા હતા, દુબઇ કનેક્શન બહાર આવ્યું, બે દિવસના રિમાન્ડ મોટા ખુલાસા થવાની સંભાવના

Kutch Bhuj : શેર બજારનું ટ્રેડિંગ શીખવાડવાના બહાને એપ્લિકેશન બનાવનાર બે ડેવલોપરને બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા ભુજથી ઝડપી લેવાયા

WND Network.Bhuj (Kutch) : શેર બજારનું ટ્રેડિંગ શીખવાડવાને બહાને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વિના એપ બનાવીને ટ્રેડિંગ કરનારા ભુજના બે ડેવલોપરને બોર્ડર રેન્જના સાયબર સેલ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે. ભુજના બે શખ્સ એપ બનાવીને દુબઈથી ટ્રેડિંગ કરતા હોવાની બાતમીને આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ભુજના સરદાર પટેલ નગરમાં આ પ્રકારની ગેરકાયદે કામગીરી કરનારા બંને શખ્સને પોલીસે પકડીને વધુ વિગતો ઓકાવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંનેને બે દિવસના રિમાન્ડ આપવાને પગલે આગામી દિવસોમાં શેર બજારનું ગેરકાયદે ટ્રેડિંગ કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી સંભાવના છે. 

બોર્ડર રેન્જના સાયબર સેલ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ તેમને બાતમી મળી હતી કે, ભુજના નરનારાયણ નગરની બાજુમાં આવેલા સરદાર પટેલ નગરના મકાન નંબર 20/21માં શેર બજારની એપ્લિકેશન બનાવીને મોટા પાયે ટ્રેડિગ કરવામાં આવી રહ્યું છે. લોકોને શેર બજારની સમજણ પડે અને તેમને શીખવાડવાના આશયથી એપ્લિકેશન બનાવીને સરદાર પટેલ નગરમાં રહેતા વિષ્ણુ રાજેશ ચૌહાણ તેમજ ભુજના એસટી વર્કશોપની પાછળ આવેલા કૈલાશનગરના મકાન નંબર 976માં રહેતા નિપુણ કિશોર ઠક્કર દ્વારા આ ગેરકાયદે કામગીરી કરવામાં આવી રહી છે. 

બોર્ડર રેન્જના આઇજી IPS ચિરાગ કોરાડીયા (IPS Chirag Koradia) ને બાતમી મળી હતી કે, એજ્યુકેશન આશયથી તૈયાર કરવામાં આવેલા એપથી દુબઇ સુધી શેર બજારનું ટ્રેડિંગ ચાલી રહ્યું છે. આથી તેમણે તરત જ તેમના સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.બોડાણા, કે.એમ.રાઠોડ તેમજ PSI વી.વી.ડોબરીયા સહિતના સ્ટાફને સૂચના આપીને કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. સાયબર સેલના ASI ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ જાડેજા, વિજય ડાંગર, મનોજ મંગરીયા તેમજ અનિરુદ્ધસિંહ જાડેજાની ટીમ દ્વારા ઘટના સ્થળે દરોડો પાડીને લેપટોપ મોબાઈલ સહીત કુલ 1.40 લાખનો મુદામાલ કબ્જે કરીને બંને શખ્સની ધરપકડ કરી હતી.

કચ્છ ભુજ સહીત સમગ્ર રાજ્યમાં જાળ ફેલાવી હોવાની શક્યતા : ઓનલાઇન સિસ્ટમ દ્વારા છેતરપિંડી તેમજ ગેરકાયદે ધંધા કરવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલી રહી છે તેવામાં સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ડબ્બા ટ્રેડિંગની ઓછી થઇ રહેલી લોકપ્રિયતા વચ્ચે ઓનલાઇન આ પ્રકારે એપ બનાવીને પ્રવૃત્તિ અમદાવાદ મુંબઈ જેવા મોટા શહેરોમાંથી નાના સેન્ટર - શહેરમાં ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, એક આઈડી ઉપર ઓછામાં ઓછા વીસથી પચીસ કસ્ટમર આ એપ દ્વારા ટ્રેડિંગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બે દિવસના રિમાન્ડ આ અંગે વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.