West Kutch Police SOG : પોલીસ ધારે તો બધુ જ કરી શકે, પેડલર પાસેથી ડ્રગ્સ ન મળ્યું તો તેને જુના વીડિયોને આધારે બીફોર-આફ્ટરની રીલ્સ બનાવી ફિટ કરી દીધો !
મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં બેસીને રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગુરુવારે સવારે પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ભુજના મોહસીનને ઉઠાવી લીધો હતો
(Video - Photo Credit : X.com@SPWestKutch)
WND Network.Bhuj (Kutch) : કાનૂન કે હાથ લંબે હોતે હૈ, પોલીસ ધારે તો બધુ કરી શકે વગેરે જેવી પોલીસની કામગીરી - કાર્યવાહી અંગેની વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. આ વાતને પશ્ચિમ કચ્છ પોલીસે રિયલ લાઈફમાં સાબિત કરીને બતાવ્યું છે. ભુજનો એક ડ્રગ્સ પેડલર મુંબઈથી ડ્રગ્સ લઈને કચ્છ - ભુજ આવી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે તેને ઉઠાવ્યો હતો. પરંતુ તેની પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું. હાથમાં આવેલો આરોપી આસાનીથી છૂટી જાય તો પોલીસના મોરલની સાથે સાથે લોકોમાં પણ સારો મેસેજ ન જાય તેમ હતું. એટલે પોલીસે તેના મોબાઈલમાં રહેલી એક વાંધાજનક ક્લિપને આધારે કાનૂની શકંજામાં લઈને તેનો બીફોર-આફ્ટરનો વિડીયો બનાવીને તેને સબક આપ્યો હતો.
સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો જયારે પશ્ચિમ કચ્છ એસપીના સત્તાવાર X મીડિયા હેન્ડલ ઉપરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં પોલીસ દ્વારા જે પ્રકારે બીફોર-આફ્ટરનો વિડીયો મૂકીને અસામાજિક તત્વોને પાઠ ભણાવવામાં આવે છે તેમ ભુજના મોહસીન નામના કુખ્યાત ડ્રગ્સ પેડલરની ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી. ક્લિપમાં પહેલા ભુજની નવી બકાલી કોલોનીના શિકારી ફળિયામાં રહેતા મોહસીન મામદ હુસેન સમા (સિંધી)ને હુક્કાબારમાં કસ મારતો બતાવીને બાદમાં પોલીસના શકંજામાં દેખાડીને માફી માંગતો દેખાડવામાં આવે છે. હકીકતમાં પોલીસના હાથમાં આવેલા મોહિસન પાસેથી ડ્રગ્સ ન મળી આવતા તેને પોલીસના પંજામાંથી 'કોરો' જવા દેવાનો ન હતો. એટલે રીલ્સના આધારે તેને બીફોર - આફ્ટરમાં ફિટ કરી દેવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીનો સંપર્ક કરતા તેમણે કહયું કે, મોહસીન ઉપર અમારી નજર હતી. થોડા દિવસ પહેલા તે મુંબઈ ગયો હતો. મુંબઈથી તે ડ્રગ્સ લાવે તેવી બાતમી હતી. ગુરુવારે સવારે મોહસીન જયારે કચ્છ એક્સપ્રેસમાંથી ભુજના રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો. પરંતુ તે આ વખતે ડ્રગ્સ લાવી શક્યો ન હતો. મોહસીન અગાઉ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલો છે. તેથી તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી હુક્કાબારનો વિડીયો મળી આવ્યો હતો.
પશ્ચિમ કચ્છ પોલીસના સબ ઈન્સ્પેક્ટર (PSI) ના દીકરાની ચેટ પણ મળી : મોહસીન ડ્રગ્સ પેડલર તરીકે કામ કરે છે તે વાતની પોલીસને ખબર હતી. એટલે જયારે રેલવે સ્ટેશનેથી તેને પકડીને તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાં ડ્રગ્સની લેવડ-દેવડ અંગેની ચેટ્સ મળી હતી. સૂત્રોના જણાવાયા મુજબ, વિવિધ લોકો સાથેની ચેટ્સની સાથે સાથે પોલીસને પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઝાહીદ મલીકના પુત્ર ફૈઝ મલીક સાથેની પણ ચેટ જોવા મળી હતી. જેમાં તે બંને પૈસાની લેતી-દેતી અંગે ચેટ કરતા નજરે પડે છે.