Ahmedabad : રોડ ઉપર VIP કાફલાનો સ્ટન્ટ કરતી 'પાર્ટીઓ' પકડાઈ ગઈ, પોલીસે વાહન સાથે નબીરાઓને દબોચી લીધા, જુઓ પછી ટ્રાફિક પોલીસે કેવો વિડીયો બનાવ્યો !

અમદાવાદમાં રોડ ઉપર નંબર પ્લેટ વિનાની કાળી કારનો કાફલો લઈને નબીરાઓએ રોડ શો કરેલો, તમાશો જોઈ રહેલી રોડ ઉપરની ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી થશે ?

WND Network.Ahmedabd : અમદાવાદમાં જાહેર માર્ગ ઉપર બેફામ વાહનો ચલાવીને સ્ટંટ કરતા નબીરાઓ સામેની ટ્રાફિક પોલીસની નોન સ્ટોપ કાર્યવાહીમાં હવે VIP કાફલાની નકલ કરીને રોડ ઉપર સીન સપાટા કરતા અમીર બાપના વંઠેલા નબીરાઓનો નંબર લાગ્યો છે. બે દિવસ પહેલા રોડ ઉપર બનેલી ઘટનાનો વિડ્યો વાયરલ થતા જ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની મદદથી આ વંઠેલા નબીરાઓને ટ્રાફિક પોલીસે વાહનો સાથે ઉપાડી લીધા હતા. પોલીસ સ્ટેશનમાં લઇ જઈને તેમના વાહનો સાથે જ પોલીસે વિડીયો બનાવીને આવા તત્વોને મેસેજ પણ આપ્યો હતો કે, 'આ બધું અહીંયા તો નહીં ચાલે'.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને ટ્રાફિક પોલીસે સિલ્વર કલરની મર્સીડીઝ, બ્લેક થાર સહિતની વૈભવી કાર સાથે આ નબીરાઓને ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ, રોડ ઉપર જાહેરમાં નાટક કરતા ગોતામાં શ્લોક એલએન્ઝામાં રહેતા 19 વર્ષના મેક્સ કલ્પેશ પટેલ, બ્લેક કલરની હેરિયર કાર વાળા મહેસાણા કડીમાં તીર્થ રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષના બેકાર એવા પ્રીતમ કૈલાશભાઈ સેમરીયા, નંબર પ્લેટ વિનાની બ્લેક સ્કોર્પિયો વાળા રામોલની કર્મભૂમિ સોસાયટીમાં રહેતા ગોવિંદસિંહ રામસિંહ ચૌહાણ, ગોતાની શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશગીરી ગોવિંદગિરી ગોસ્વામી, રાણીપના શુકન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કરસનભાઈ પ્રજાપતિ, લાલા કલરની થાર ચલાવીને સીન સપાટો કરતા વસ્ત્રાલની હરિજી પાર્ક સોસાયટીમાં રહેતા ઈશ્વર હિમંતસિંહ રાઠોડને પકડી લીધા હતા.  

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ના કાફલાની નકલ કરીને રોડ ઉપર સીન સપાટા કરતા અમીર બાપના વંઠેલા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવ્યાની ઘટના બાદ અમદાવાદના માર્ગ ઉપર બેફામ દોડતી કાર ના કાફલા નો વધુ એક વિડિયો બહાર આવ્યો હતો. જેમાં રોડ ઉપર એક સાથે ઘણી કાર બેફામ દોડતી જોવા મળી રહી છે. કેટલીક કારમાં તો નંબર પ્લેટ પણ નથી. અને હદ તો ત્યારે થઈ જ્યારે, આ વીડિયોમાં પોલીસ પણ જોવા મળી હતી. બેફામ ચાલતા આ કાફલાને રોડ ઉપર ઊભેલી પોલીસ પણ જોઈ રહી છે. હવે સવાલ એ પણ છે કે, શું આ પોલીસ કર્મચારીઓ સામે પણ કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં

( જાહેર રોડ ઉપર નબીરાઓ કેવી રીતે કાર દોડાવતા હતા તે જોવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા'ની You Tube ચેનલનો ન્યૂઝ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો, https://www.youtube.com/watch?v=n-iLUS_Qq-U&t=24s