Kutch Mandvi BJP : હવે કચ્છના માંડવી શહેર ભાજપ મહામંત્રીના લગ્નેત્તર સંબંધની વાત બહાર આવી, પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી, અખબારોએ BJPનો ઉલ્લેખ ટાળ્યો
BJPના મહામંત્રીની પત્નીનો ફરિયાદમાં દાવો, પતિને બબ્બે વખત અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપ્યો હતો, દારૂ પીવાની પણ લત
WND Network.Mandvi (Kutch) : રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ થોડા દિવસોથી તેના જાહેર જીવનના લોકોના લગ્નેત્તર - પરસ્ત્રી સાથેના સંબંધોના વિવાદને લઈને ચર્ચામાં છે ત્યારે આવી જ એક વધુ ઘટના બહાર આવી છે. આ વખતે વાત પણ મામલો કહેવાતી 'શિસ્તબદ્ધ' અને 'સંસ્કારી' રાજકીય પાર્ટી ભાજપનો છે. અને જેમનું નામ આવે છે તે કચ્છના માંડવી શહેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે. માંડવી શહેર BJPના મહામંત્રી વિરુદ્ધ તેમની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિને બબ્બે વખત અન્ય મહિલાઓ સાથે સબંધ રાખતા રંગે હાથ ઝડપ્યો હતો. છેલ્લે તેમના પુત્રની ડાન્સ ટીચર સાથે તેમની મિત્રતા હતી અને તેમના બંનેના ફોટા તેઓ મોબાઈલમાં જોઈ ગયા હતા. આ ઉપરાંત દારૂ પીવાને લઈને બંને વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હતી. એક વખત તો તેમણે કંટાળીને ફિનાઈલ પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. છેવટે તેમણે પતિ સહીત ચાર વ્યક્તિ સામે તેમણે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

'સંદેશ' અખબારની કચ્છ એડિશનમાં આઠમી નવેમ્બર,2025ના શનિવારે પેજ નંબર 6 ઉપર આવેલા ન્યૂઝ રિપોર્ટ મુજબ, માંડવીના રૂપલબેન ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશનમાં તેમના પતિ કમલેશ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે પતિ કમલેશ ઉપર બબ્બે લગ્નેત્તર સંબંધ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમના પતિ કમલેશ ગઢવીની દારૂ પીવાની આદતને લઈને પણ બંને વચ્ચે ઝગડો થતો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળ કાર્યવાહી કરવાનો પણ અખબારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 'સંદેશ' અખબારની જેમ 'દિવ્ય ભાસ્કર'ની કચ્છ આવૃત્તિમાં પણ આ ન્યૂઝ શનિવારે પ્રસિદ્ધ થયા છે.
ભાજપ કાર્યાલય પાસે લાકડીથી મારવાનો પ્રયાસ કર્યો : કચ્છ માંડવી શહેર ભાજપના મહામંત્રી કમલેશ ગઢવીએ તેમની પત્નીને ભાજપના કાર્યાલય પાસે જ લાકડીથી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ભાજપનો આ નેતા પત્નીને જાહેરમાં લાકડીથી મારવા જતા આસપાસના લોકોએ વચ્ચે પડીને અટકાવ્યો હતો.
'કચ્છના મિત્ર' અખબારે ન્યૂઝ ન લીધા : છાશવારે કચ્છ અને અહીંના લોકોની નાડ પારખી જિલ્લાના સંત્રી તરીકેની ભૂમિકા ભજવતા હોવાની ડંફાસ મારતા હોવાનો દાવો કરતા જિલ્લા કક્ષાના અખબારે આ ન્યૂઝ પણ છાપ્યા નથી. જયારે અન્ય અખબારોએ જેમની સામે આરોપ છે તે ભાજપ સંગઠનના મહામંત્રી છે, નેતા છે તેવો ઉલ્લેખ ન્યૂઝમાં કર્યો ન હતો.
સિસ્ટમ તો સત્તા પક્ષની તરફેણ કરે પણ મીડિયાએ તો, જે ન દેખાતું હોય, છુપાવવામાં આવતું હોય અથવા તો જેનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તે બહાર કાઢીને લોકો સમક્ષ મૂકવું જોઈએ.
Web News Duniya