ગાંધીનગરમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડની કમાન્ડર કોન્ફરન્સ મળી, હવાઈ-દરિયાઈ સીમાની સુરક્ષા અંગે થયેલું ચિંતન
એરફોર્સની સાઉથ-વેસ્ટ એર કમાન્ડના એરમાર્શલ અને કોસ્ટગાર્ડની ઉત્તર-પશ્ચિમ કમાન્ડના એડિશનલ DGએ યુદ્ધની તૈયારીઓ અંગેની સમીક્ષા કરી
WND Network.Gandhinagar : પશ્ચિમી ભારતની હવાઈ અને દરિયાઈ બોર્ડરની સિક્યોરિટી માટે અવાર-નવાર બેઠકો મળતી હોય છે. પરંતુ બે દિવસમાં જ ડિફેન્સની બે મહત્વપૂર્ણ પાંખના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોર્ડર સિક્યોરીટી તેમજ યુદ્ધ માટેની ઓપરેશનલ તૈયારીઓ (Operational Preparedness) રિલેટેડ કમાન્ડર્સ કોંફરંસ (Commanders' Conclave) મળી હોય તેવી ઘટના કદાચ પહેલી વખત બની હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે શુક્રવારે એરફોર્સ (IAF) અને કોસ્ટગાર્ડની (ICG) કમાન્ડર્સ મિટિંગ મળી હતી. જેમાં ઇન્ડિયન એરફોર્સની સાઉથ-વેસ્ટ એર કમાન્ડના (South Western Air Command-SWAC) એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એવા એરમાર્શલ વિક્રમસિંહ (Air Marshal Vikram Singh) તેમજ પશ્ચિમી સી-બોર્ડના (Western Seaboard) ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડર એડિશનલ ડીજી કે.આર. સુરેશ (Additional Director General KR Suresh) દ્વારા તેમના કમાન્ડર સાથે યુદ્ધની તૈયારીઓને લગતી ઓપરેશનલ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
ડિફેન્સના સત્તાવાર પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ગાંધીનગરમાં આવેલાદક્ષિણ-પશ્ચિમી એરકમાન્ડ (SWAC)ના હેડક્વાર્ટર ખાતે શુક્રવારના દિવસે એક દિવસીય કમાન્ડરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં SWACના કમાન્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એરમાર્શલ વિક્રમસિંહ દ્વારા કમાન્ડર્સ પરિષદને સંબોધિત કરવામાં આવી હતી. એરમાર્શલે તેમના સંબોધન દરમિયાન ભારતીય વાયુદળમાં કામ કરતા ઓફિસર્સ અને જવાનો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. અને પ્રોફેશનલ કાર્યક્ષમતાના મુખ્ય ક્ષેત્રો પર ફરીથી ભાર મુકવામાં આવ્યો હતો. કમાન્ડર્સ કોન્ક્લેવમાં એર માર્શલ વિક્રમસિંહ દ્વારા શ્રેષ્ઠ ફાઇટર સ્ક્વૉડ્રન માટે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. એરફોર્સ સ્ટેશન જોધપુર સ્થિત સ્ક્વૉડ્રનને શ્રેષ્ઠ એકલવ્ય ફાઇટર સ્ક્વૉડ્રન ટ્રોફી એનાયત કરવામાંઆવીહતી. ઓપરેશનલ,વહીવટ અને જાળવણીની શાખાઓના વરિષ્ઠઅધિકારીઓએ તેમની સંબંધિત શાખાની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
પશ્ચિમી સી-બોર્ડના તટરક્ષક દળના કમાન્ડર અધિક મહાનિદેશક કે.આર. સુરેશ ઇન્ડિયન કોસ્ટગાર્ડનાં દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુરુવારે ગાંધીનગર આવ્યા હતા. તેમના આગમન વેળાએ તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ)ના કમાન્ડર એવા ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલાએ તેમને આવકાર્યા હતા. એડિશનલ ડીજી આ ફ્લેગ ઓફિસર લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓ સહિત ગુજરાતથી કેરળ સુધીના સમગ્ર પશ્ચિમી સી-બોર્ડમાં ભારતીય તટરક્ષક દળ ચાર્ટર માટે જવાબદાર છે.
તટરક્ષક દળના કમાન્ડર (WS) 27 એપ્રિલ 2023ના રોજ ગુજરાતના રાજ્યપાલને પણ મળ્યા હતા. ત્યારબાદ, તેઓ મુન્દ્રા, વાડીનાર, વેરાવળ અને પીપાવાવના ફોરવર્ડ ફોર્મેશનની મુલાકાત લેવા જવાનું આયોજન છે. તેમની મુલાકાત દરમિયાન મેન્ડેટેડ કોસ્ટ ગાર્ડ ચાર્ટરમાં તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર- પશ્ચિમ)ની એકંદર પરિચાલન સજ્જતા અને પૂર્વતૈયારીઓની સમીક્ષા તેમજ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.