Kutch Palara Prison : ભુજ પાસે આવેલા પાલારાની ખાસ જેલમાંથી દુબઇ કોલ થયા, મોબાઈલ ફોનનાં ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન બહાર આવેલી સ્ફોટક માહિતીથી એજન્સીઓ પણ ચોંકી
એક મહીના પહેલા જેલના સત્તાવાળાઓને બેરેક નંબર પાંચ અને આઠ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, પોલીસ તપાસમાં ફોનના IMEI નંબર કાઢી નાખ્યા હોવાનું બહાર આવ્યું

(મોબાઈલ ફોન દ્વારા દુબઇ વાત થઇ છે તે ભુજના પાલારા ખાતે આવેલી ખાસ જેલનો ફાઈલ ફોટો)
WND Network.Bhuj (Kutch) : બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છમાંથી દેશ વિરોધી તત્વોની નાપાક હરકતો ઉપર ઇન્ટલિજન્સ એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. તેમાં મોબાઈલ ફોનથી કોણ-ક્યાં વાત કરે છે તેની ઉપર નજર રાખવા માટે ટેક્નિકલ સર્વેલન્સ પણ કરવામાં આવતું હોય છે. આવી જ એક રૂટિન ટેક્નિકલ સર્વેલન્સની કાર્યવાહી દરમિયાન ભુજ પાસે આવેલા પાલારા ખાતેની ખાસ જેલમાંથી દુબઇ કોલ થઇ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા ઇન્ટેલ એજન્સીઓ ચોંકી ઉઠી છે. જાન્યુઆરી-2024ના અંતિમ સપ્તાહ દરમિયાન જેલમાંથી દુબઇ કોલ થયા હોવાનું ટેક્નિકલ સર્વેલન્સમાં બહાર આવ્યું છે. યોગાનુયોગ કહો કે ગમે તે, તે દરમિયાન પાલારાની ખાસ જેલના સત્તાવાળાઓને અવાવરું હાલતમાં બેરેક નંબર પાંચ અને આઠ પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. ફોન કેવી રીતે જેલમાં આવ્યા ? તેનો ઉપયોગ કોણે અને કયાં કર્યો તેની પોલીસ તપાસ કરી રહી છે.
આમ તો જેલમાં પાન-બીડી કે માચીસ જેવી વસ્તુઓ પણ ન જાય તે માટે જડબેસલાક ચેકીંગ કરવામાં આવતું હોય છે. છતાં ખાસ જેલનું સ્ટેટસ ધરાવતી પાલારાની ખાતે આવેલી જેલમાં અવાર-નવાર મોબાઈલ ફોન મળી આવે છે તે પણ એક નગ્ન સત્ય છે. આવી જ એક રૂટિન ઘટનામાં જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં જેલના સત્તાવાળાઓને બેરેક નંબર પાંચ અને આઠ પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવે છે. એટલે જેલ સત્તાવાળાઓએ નિયમ મુજબ પોલીસને જાણ કરીને જેલમાં રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહેલા અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. બરાબર આ સમયગાળા દરમિયાન જ ભુજમાં આવેલી એક ઇન્ટેલ એજન્સીના ટેક્નિકલ સર્વેલન્સમાં ખબર પડી હતી કે, પાલારાની જેલમાંથી દુબઇ મોબાઈલ ફોન દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ટેક્નિકલ સર્વેલન્સમાં ખબર પડી હોવાની વાત આરોપીઓ સુધી પહોંચી જવાને કારણે ફોનને બેરેકમાંથી બહાર ફેંકી દીધા કે પછી રૂટિન ચેકીંગથી ગભરાઈને ફોન ફેંકી દેવામાં આવ્યા હતા.
જેલમાંથી મળી આવેલા આ બિનવારસી મોબાઈલ ફોન અંગેની ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ખાસ જેલના અધિક્ષક નસીરુદ્દીન લુહારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેલના અધિક્ષક નસીરુદ્દીન લુહારે દુબઇ કોલ થયા હોવાની વાત અજાણ હોવાનું કહ્યં હતું. ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે એટલે તેમનો રિપોર્ટ આવ્યા પછી જેલ સત્તાવાળા પ્રાથમિક તપાસ કરશે તેમ લુહારે વધુમાં ઉમેર્યું હતું.
જેલમાંથી મળી આવેલા ફોનની તપાસ કરી રહેલા ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર રાકેશ જે. ઠુમ્મરનો પણ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મરે તપાસ ચાલુ હોવાનું જણાવીને એક રસપ્રદ માહિતી એવી આપી હતી કે, પોલીસે જે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે તેમના IMEI નંબર કાઢી નાખવામાં આવેલા છે. છતાં તેઓ કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) કઢાવીને વધુ ગહન તપાસ કરી રહ્યા છે.
ખાસ જેલની બેરેક પાંચ અને આઠમા કોણ રહે છે ? : પાલારાની ખાસ જેલમાંથી જે જગ્યા, બેરેક નંબર પાંચ અને આઠ પાસેથી અવાવરું હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેમાં કચ્છના ચર્ચાસ્પદ સોપારી કાંડના આરોપી એવા ગાંધીધામના સ્મગલર પંકજ ઠક્કર અને તેનો સાગરીત અનિલ તરુણ પંડિતને રાખવામાં આવેલા છે. આ બંનેનો એક પાર્ટનર અને કોફેપોસાનો વોન્ટેડ આરોપી મનીષ કુમાર પણ હાલ દુબઈમાં છે. સંભવ છે કે, મોબાઈલ ફોન દ્વારા આ લોકો વચ્ચે વાતચીત કરવામાં આવી હોય શકે. જો કે, મામલો ખુબ ગંભીર હોવાને કારણે ટેક્નિકલ સર્વેલન્સ સાથે સંકળાયેલી ઇન્ટેલ એજન્સી આ મુદ્દે ફૂંકી ફૂંકીને આગળ વધ રહી છે. અલબત્ત એક વાત તો ચોક્કસ છે કે, મામૂલી રકમની લાલચમાં આવીને જેલના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ જેલમાં મોબાઈલની ગોઠવણ કરી આપે છે. જેમાં આ પ્રકારે નેશનલ સિક્યોરિટીને નુકશાન થાય તેવું પણ બનતું હોય છે.
26/11 મુંબઈ હુમલા અંગેના કોલની માહિતી પણ ભુજમાંથી જ ટ્રેસ થઈ હતી : મુંબઈમાં વર્ષ 2008 માં થયેલા 26/11ના આતંકી હુમલા અંગેનું એલર્ટ ભુજની ઇન્ટેલ એજન્સી દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ તે વખતે આ પ્રકારના એલર્ટ ઉપર હમણાં થાય છે તે પ્રકારે વર્કિંગ કરવામાં આવતું ન હતું. ભુજ સ્થિત ઇન્ટેલ એજન્સીને ભારતમાંથી, ખાસ કરીને મુંબઈથી કરાંચી કોલ થયા હોવાનું કોલ ટ્રેસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. અને આ અંગે તેમણે એક ઇનપુટ ક્રિએટ કરીને તેને સંબંધિત ઇન્ટેલ-સુરક્ષા એજન્સીઓને આપ્યું પણ હતું. પરંતુ ભુજથી મળેલા ઇન્ટેલ ઇનપુટને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. પરિણામે મુંબઈમાં આતંકીઓએ ખૂની ખેલને નાપાક અંજામ આપ્યો હતો. જેને ભારતના લોકો હજુ પણ ભલું શક્યા નથી. ભુજમાંથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ લગભગ આખા પશ્ચિમ ભારતને કવર કરી શકાય તેવી ટેક્નિકલ સર્વેલન્સની સિસ્ટમ ગોઠવાયેલી છે. અને એટલે જ મુંબઈ-કરાંચી વચ્ચે થયેલી વાતચીત ટ્રેસ કરી શકાઈ હતી.