પાણી જ પાણી : સતત વરસાદથી ક્યાંક પુલ તૂટ્યા તો કયાંક ગામડાઓનો સંપર્ક તૂટ્યો, જાણો આગામી સમયમાં કેવું રહેશે વરસાદનું સ્વરૂપ...

અમદવાદ સહીત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ વણસી

પાણી જ પાણી : સતત વરસાદથી ક્યાંક પુલ તૂટ્યા તો કયાંક ગામડાઓનો સંપર્ક તૂટ્યો, જાણો આગામી સમયમાં કેવું રહેશે વરસાદનું સ્વરૂપ...

WND Network.Ahmedabad : લાંબા સમય બાદ આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણેકથી રાજ્ય ઉપર કાચું સોનુ વરસાવી રહેલા વરસાદને કારણે એક તરફ જયાં પાણીની આવકથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ વધુ વરસાદથી લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને, કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદથી અનેક જગ્યાએ પુલ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. સાથે સાથે કચ્છ જેવા જિલ્લામાં તો સતત એકધારી મેઘ મહેરથી રસ્તાઓ તૂટી જતા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. વરસાદ દ્વારા રૌદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવતા રાજ્ય સરકાર સહીત જે તે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આગામી સોમવાર સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફૉર્સ (NDRF)ની જુદી જુદી ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ વરસાદના વીસેક ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. 

અમદાવાદમાં ગઈકાલથી પડી રહેલા વરસાદને કારણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. પાંચથી નવ ઇંચ જેટલું પાણી પડવાને કારણે બાપુનગર, રખિયાલ, ઓઢવ, નરોડા, સીટીએમ, આનંદનગર, પાલડી, શાહીબાગ, વાસણા, બોપલ સહીત શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો ડૂબતા નજરે પડ્યા હતા. વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનું લેવલ વધવાને પગલે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. 

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે સાથે સરહદી જિલ્લા કચ્છમાં પણ મેઘરાજાનું જોર જોવા મળ્યું હતું. દરિયા કાંઠે આવેલા માંડવી શહેર તેમજ તાલુકાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છના લખપત તાલુકામાં તો ગઈકાલથી અત્યાર સુધીમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ પડવાને પગલે કેટલીક જગ્યાએ નાના પુલ તૂટી ગયા હતા તો કેટલીક જગ્યાએ રસ્તો ધોવાઈ જવાને પગલે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. 

આગામી દિવસો કપરા :- હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કચ્છમાં હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જેને પગલે કચ્છમાં NDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને હેડ ક્વાર્ટર છોડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.