વાહ ! આને કહેવાય વિકાસ, પાણી આવ્યાના ગણતરીના કલાકોમાં જ કચ્છની નર્મદાની કેનાલમાં પડ્યું ગાબડું...
મોડકૂબા સુધી જતી નર્મદાની કેનાલમાં માંડવી તાલુકાના બીદડા પાસે પડ્યું મોટું ભંગાણ
WND Network.Bhuj (kutch) : કચ્છના છેવાડે આવેલા માંડવી તાલુકાના મોડકૂબા સુધી નર્મદાના નીર તાણી લાવ્યાની ખુશી વચ્ચે ગણતરીના કલાકોમાં જ કેનાલમાં ગાબડું પડ્યું છે. જેને કારણે નર્મદાની કેનાલની ગુણવત્તા મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે. સત્તા પક્ષ ભાજપ અને ગોદી મીડિયાના પત્રકારો દ્વારા કચ્છની સુખી જમીન પર નર્મદાનું પાણી પહોંચ્યું હોવાની શેખીઓ મારી રહ્યા હતા ત્યારે બુધવારે મધરાતે માંડવી તાલુકાના બિદડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસ મોટું ભંગાણ પડ્યું હતું. જેને પગલે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોડકૂબા સુધી જતી નર્મદાની કેનાલમાં માંડવી તાલુકાના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. નર્મદાના પાણી કચ્છમાં આવ્યા ને હજુ 24 કલાક પણ નથી થયા તેવામાં નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડી જવાને કારણે તંત્ર દોડતું થઈ ગયું હતું. કેનાલ તૂટવાને પગલે પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયા હતા. બિદડા ગામના ભાનાતર વાડી વિસ્તારમાં ગાબડું જોવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, બુધવારની મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં કેનાલમાં ગાબડું પડ્યું હતું. બુધવારે જ બપોરે નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યા હતા. થોડા સમય અગાઉ નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઈને લોકોએ અગાઉ પણ કરી હતી. એક જ દિવસમાં કેનાલ તૂટતા કેનાલના કામમાં મોટા પાયે ભષ્ટાચાર આચરાયો હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.
કચ્છના શહેરોનું પાણી કાપી કેનાલમાં નીર વહેતા કર્યા ? : નર્મદા કેનાલ યોજનાના જાણકારોનું માનીએ તો, કચ્છમાં નર્મદાનું પાણી મોકલવાની ક્રેડિટ લેવાની લ્હાયમાં છેલ્લા કેટલાય દિવસથી કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર વગેરે જેવા સિટીને આપવામાં આવતા નર્મદાના પાણીમાં કાપ મુકવામા આવ્યો છે. આમ શહેરોનું પાણી કાપીને મોડકૂબા સુધીની કેનાલમાં નર્મદાનું મોકલવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.