Breaking : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS કચ્છ લઇ આવશે, માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈને નલિયાની કોર્ટમાં રજુ કરાશે
પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજુર કરતા ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવશે

WND Network.Bhuj (Kutch) : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને (Lowrence Bishnoi) એકાદ બે દિવસમાં કચ્છમાં લઇ આવવામાં આવશે. માદક દ્રવ્યોના કેસમાં બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેક્શન હોવાને પગલે ગુજરાત એટીએસ (Gujarat Anti-Terrorist Squad - ATS) દ્વારા સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં (Delhi’s Patiala House Court) તેને ટ્રાન્ઝિટ વોરંટથી ગુજરાત લઇ જવા માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખવાને પગલે ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સની એક ખાસ ટુકડી અમદાવાદ ખાતે લઇ આવવા રવાના થઈ ગઈ હતી. બિશ્નોઇ અને તેની ગેંગ ખતરનાક કામ કરવા માટે કુખ્યાત હોવાને પગલે લોરેન્સ બિશ્નોઈને વિડિઓ કોન્ફ્રન્સના માધ્યમથી હાજર રાખવામાં આવ્યો હતો. અને એટલે જ ગુજરાત પોલીસ પણ લોરેન્સને ગુજરાતમાં અને કચ્છમાં લાવતી વેળાએ ચાંપતો બંદોબસ્ત ભારે ગુપ્તતા સેવી રહી છે.
બિશ્નોઇની ટ્રાન્ઝિટ રિમાન્ડ એપ્લિકેશન વેળાએ ગુજરાત ATS દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2022માં ગુજરાતમાંથી, ખાસ કરીને કચ્છના પોર્ટ અને દરિયા કાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ માદક પદાર્થને પાકિસ્તાનથી ભારતમાં કચ્છ થઈને લાવવામાં આવ્યું હતું. જેમાં ATS દ્વારા છ વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યા હતા. આ કેસના તાર બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા છે. અને તેમાં તેની તપાસ કરવી જરૂરી હોવાને પગલે તેના રિમાન્ડ મેળવવા માટે બિશ્નોઇને કચ્છ લાવીને નલિયા કોર્ટમાં રજુ કરવામાં આવશે.
ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંગના સભ્યો હજુ પણ સક્રિય હોવાને કારણે ગુજરાત પોલીસ બિશ્નોઈને અહીં લાવતી વેળાએ ખુબ જ ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે. તેની મુવમેન્ટ અંગે પણ ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. આ અંગે જયારે વેબ ન્યૂઝ દુનિયાએ ગુજરાત ATSના ડેપ્યુટી એસપી શંકર ચૌધરીનો સંપર્ક કર્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે, અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. હજુ કશું નક્કી નથી. બીજી બાજુ પશ્ચિમ કચ્છ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાએ પણ માત્ર એટલું જ કહ્યું કે, અમને સ્ટેન્ડ ટુ રહેવાનો ઓર્ડર મળ્યો છે. બાકી અમે કશું જાણતા નથી. સૂત્રોનું માનીએ તો આવતીકાલે મંગળવારે બપોર પછી લોરેન્સ બિશ્નોઈને નલિયાની કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી સંભાવના છે. જયાં તેના રિમાન્ડ માનવામાં આવશે.
ક્ચ્છમાંથી લોરેન્સના પાંચ ગેંગસ્ટર ઝડપાઇ ચુક્યા છે :- ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ટીમનાં પાંચ ખતરનાક ગેંગસ્ટરને પોલીસે ક્ચ્છમાંથી અલગ અલગ જગ્યા અને સમયે ઝડપી લીધા હતા. જેને પગલે સરહદી કચ્છમાં પણ બિશ્નોઇ ગેંગની હાજરી હોવાનું વર્ષ 2022માં બહાર આવ્યું હતું. પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા જણાવાયું હતું કે, ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા પર મનપ્રીત મન્નુ નામના વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પાંચ વધુ શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારી ધાલીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં બે ટોળકી સામેલ હતા જેમનો કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સીધો સંપર્ક હતો. આ કેસમાં પોલીસે 6 શૂટરોની ઓળખ કરી લીધી હતી. આ કેસમાં કચ્છમાંથી ઝડપાયેલા ત્રણની ધરપકડ કરી હતી, જેમાંથી બે મુખ્ય શૂટર હતા. અને તેમણે મુસેવાલા ઉપર ગોળી ચલાવી હતી. કચ્છથી જેમની ધરપકડ કરવામાં આવી હતી તેવા ત્રણ શૂટરો પાસેથી આઠ ગ્રેનેડ, 9 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 3 પિસ્તોલ (50 રાઉન્ડ) અને એક એસોલ્ટ રાઇફલ પણ મળી આવી હતી.