West Kutch Police Transfer Order : આખરે IPS ને ધમકી આપવી પડી - 'બદલી થયેલા કર્મચારીઓને છુટા કરો નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી થશે'
દોઢ વર્ષથી લઈને બે મહિના સુધી અવાર નવાર સૂચના આપવા છતાં બદલી પામેલા સ્થળે 18 પોલીસ કર્મચારી હાજર ન થતા ચીપકી બેઠેલા પોલીસ કર્મચારીઓને છુટા કરવામાં ન આવતા પશ્ચિમ કચ્છ પોલીસના SP ને ચીમકી આપવી પડી

WND Network.Bhuj (Kutch) : પોલીસ ડિપાર્ટમેન્ટ શિસ્તને વરેલો વિભાગ છે અને અહીં ઉપરી અધિકારીઓના હુકમનો તાબડતોડ અમલ કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ઉપરી અધિકારી દ્વારા હુકમ કરવા છતાં તેમના તાબા હેઠળના કર્મચારીઓ અને અધિકારીઓ તેને ન ગણકારતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આવું જ કઈંક પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પણ જોવા મળ્યું છે. દોઢ વર્ષથી લઈને બે મહિના અગાઉ બદલી કરવામાં આવી હોવા છતાં 18 પોલીસ કર્મચારીઓ તેમની બદલીના નવા સ્થળે હાજર થયા નથી. ટ્રાન્સફર ઓર્ડર કર્યા બાદ અનેક રિમાઇન્ડર લેટર અને ટેલિફોનિક સૂચના પછી પણ ભુજની SP કચેરીના હુકમને ન ગણકારતા કોન્સ્ટેબલથી લઈને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રેન્કના કર્મચારીઓને હવે ખુબ જ કડક શબ્દોમાં જુની જગ્યાએથી ખસી જવા માટે IPS ઓફિસરને લેખિતમાં ઓર્ડર કરવો પડ્યો છે.
પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક IPS વિકાસ સુંડાએ તેમના તાબા હેઠળના તમામ ડેપ્યુટી એસપી સહીત તમામ પોલીસ સ્ટેશનના ઓફિસર્સને શુક્રવારે સાંજે લેખિતમાં હુકમ કર્યો છે કે, સાંજે છ વાગ્યા સુધીમાં જો ટ્રાન્સફર થયેલા પોલીસ કર્મચારીઓને તેમના નવા સ્થળે જવા માટે છુટા કરવામાં નહીં આવે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર હિતમાં તેમજ ટેલિફોનિક સૂચના થકી પોલીસ કર્મચારીઓની બદલી કરવાના હુકમ કરવા છતાં તેની અમલવારી ન થવાને પગલે IPS વિકાસ સુંડાને આવો હુકમ કરવો પડ્યો છે.
લાંબા સમયથી પોલીસ સ્ટેશન તેમજ વિવિધ બ્રાન્ચમાં મલાઈદાર જગ્યાએ ચીપકીને વહીવટદારની ભૂમિકા ભજવી રહેલા આ કર્મચારીઓને તેમના પોલીસ સ્ટેશન અને બ્રાન્ચના વડાએ પોતાના સ્વાર્થમાં છુટા કરવામાં આવ્યા ન હતા. ભુજ SP વિકાસ સુંડાએ આ અંગેની અમલવારી અંગેનો લેટર મોકલાનો પણ હુકમ કર્યો છે.
આ પોલીસ કર્મચારીને નવી જગ્યાએ જવું ગમતું નથી : ભુજ SP કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમમાં 18 પોલીસ કર્મચારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમની ટ્રાન્સફર કરવા છતાં મહિનાઓથી તેઓ નવી જગ્યાએ હાજર થયા નથી. આ કર્મચારીઓમાં માંડવી પોલીસ સ્ટેશનથી ભુજ JIC ટ્રાન્સફર કરવામાં આવેલા હેડ કોન્સ્ટેબલ અનુપભાઈ સમથાભાઈ, નખત્રાણા પોલીસ મથકથી માંડવી મરીન પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવેલા હેડ કોન્સ્ટેબલ પિંકરાજસિંહ બળદેવસિંહ, જખૌથી ભુજ 'A' ડિવિઝનમાં કોન્સ્ટેબલ રાજેશ જેઠા ગઢવી, માંડવીથી ભુજ B ડિવિઝન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સ્વરૂપસિંહ, LCB ભુજથી પેરોલ ફર્લોમાં ASI સંજય વજેસિંગદાન, ASI અશ્વિન પરષોત્તમભાઈ પધ્ધરથી પેરોલ ફર્લોમાં, કોન્સ્ટેબલ ભરત શંકરાજી પધ્ધરથી પેરોલ ફર્લોમાં, ASI જયેન્દ્રસિંહ પોપટભા LCB ભુજથી પધ્ધર, કૃષ્ણદેવસિંહ રાજેન્દ્રસિંહ LCB ભુજથી પધ્ધર, હેડ કોન્સ્ટેબલ મયૂરઘ્વજસિંહ ત્રિપાલસિંહ LCBથી ભુજ B ડિવિઝન, કોન્સ્ટેબલ વાલાજી પુનમાજી ભુજ હેડ ક્વાર્ટરથી સીટી ટ્રાફિક, LR મુકેશ મુકેશ જેતાભાઇ ભુજ હેડ ક્વાર્ટરથી સીટી ટ્રાફિક, પ્રવીણ અમરાભાઇ JICથી ગઢસીસા, કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન હરજીભાઇ ભુજ A ડિવિઝનથી SOG સહીત કેમલ સવાર અને પગી સાથે કુલ 18 કર્મચારીઓ માટે આ પ્રકારનો હુકમ કરવામાં આવ્યો છે.
LCBના પોલીસ ઈન્સ્પેક્ટરને બદલ્યા બાદ વહીવટદાર બની બેઠલા ઉપર તવાઈ આવી : ભુજની લોકલ બ્રાન્ચ (LCB)માં લાંબા સમયથી ચીપકીને વહીવટદારની ભૂમિકા ભજવી રહેલા કર્મચારીઓને પણ તાબડતોડ છુટા કરવાની નોબત આવી છે. LCBમાં જયાં સુધી PI સંદીપસિંહ ચુડાસમા હતા ત્યાં સુધી આ કર્મચારીઓની ટ્રાન્સફર થઈ હોવા છતાં તેમને છુટા કરવામાં આવ્યા ન હતા.