SMC Raid in Bhuj : પશ્ચિમ કચ્છ પોલીસની સક્રિયતા સામે સવાલ, DGPની સ્ટેટ મોનીટરીંગ ટીમે ભુજમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનો કરોડોનો કારોબાર ઝડપ્યો...
ભુજ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેંગાર પાર્ક નજીક ક્રિકેટ મેચના બુકી અને જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી સાથે છે કનેક્શન, રાત્રે થયેલી કાર્યવાહીમાં પોલીસ સવાર સુધી કઈ કલમ હેઠળ ગુન્હો નોંધવો તેની મૂંઝવણમાં રહેતા કલાકો FIRના ઠેકાણા નહીં

WND Network.Bhuj (Kutch) : રાજ્યના DGPની સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC)ની ટીમ દ્વારા મંગળવાર રાતે ભુજ શહેર (West Kutch Police Bhuj) માંથી કરોડો રૂપિયાના ક્રિકેટના સટ્ટા બેટિંગ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભુજના ખેંગાર પાર્ક ત્રણ રસ્તા પાસે કારમાં ચાલી રહેલા જુગારના મસમોટા કાંડ ઉપર SMCની કાર્યવાહીને પગલે ત્રગડી દારૂના ક્વોલિટી કેસ પછીની છેલ્લા ચાર દિવસમાં થયેલી આ બીજી કાર્યવાહી છે. SMCની રેડ બાદ કલાકો સુધી ભુજ 'A' ડિવિઝનની પોલીસ બુધવાર સવાર સુધી રેડમાં કઈ કલમ લગાડવી તે બાબતે મૂંઝવણમાં રહી હતી. પરિણામે બુધવાર સવાર સુધી આ અંગેની FIR દાખલ થઇ શકી ન હતી. સૂત્રોનું માનીએ તો, રેડમાં જે બુકી ઝડપાયો છે તેનું કચ્છના ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાલી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કર (ડુમરા વાળા) (Jaynti Bhanushali Murder Case) સાથે કનેક્શન હોવાને લીધે પોલીસ ફૂંકી ફૂંકીને આગળ વધી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મંગળવારે રાતે દસેક વાગ્યાના અરસામાં ભુજમાં આવેલા ખેંગાર પાર્ક ત્રણ રસ્તા પાસે SMCની ટીમ સફેદ કલરની સ્વિફટ કારમાં ત્રાટકી હતી. સ્મિત ઠક્કર ખેંગાર પાર્ક ત્રણ રસ્તા પાસે હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય મળી આવ્યું હતું. તેની પાસેના મોબાઈલની તપાસ કરતા તેમાં દોઢથી બે કરોડ રૂપિયાની ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની આઈડી મળી આવી હતી. જેમાંથી તે IPLની મેચ દરમિયાન સોદા લેતો હતો.
SMCની ટીમ દ્વારા બુકી સ્મિત ઠક્કરને દબોચીને ભુજ 'A' ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જયાં તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. રાતે દસ વાગે થયેલી કાર્યવાહી બાદ પણ જેની હદમાંથી કરોડો રૂપિયાનું જુગાર સ્કેમ ઝડપી લેવામાં આવ્યું હતું તે પોલીસ બુધવાર સવાર સુધી FIR નોંધવાની કાર્યવાહી કરી શકી ન હતી.
'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભુજ 'A' ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવતા 'FIRની કલમો અંગેની કાર્યવાહી ચાલુ હોવાથી હજુ ગુન્હો ઓનલાઇન કરવામાં આવ્યો નથી' તેવો ખુલાસો કરવામાં આવ્યો હતો.
પોલીસે પકડેલો બુકી જયંતિ ઠક્કર (ડુમરા વાળા)નો ભાણેજ : SMCની ટીમ દ્વારા બુકી સ્મિત ઠક્કરને પકડવામાં આવ્યો છે તે કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી મર્ડર કેસના અને 10 કરોડના હનીટ્રેપ કેસના આરોપી જયંતિ ઠક્કર (ડુમરા વાળા)નો ભાણેજ થાય છે.
વાહનચાલકોને કેમેરા થકી ઓનલાઇન મેમો ફટકારતા પોલીસના કેમેરા જાહેરમાં ચાલતા સટ્ટા બેટિંગ કાંડ વખતે બંધ હોય છે ? : સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા ભુજમાં સતત ધમધમતા ખેંગાર પાર્કના ત્રણ રસ્તા પાસેથી બુકીને ઝડપી લેવામાં આવ્યો છે. અહીં પોલીસના એવોર્ડ વિજેતા નેત્રમ CCTV પણ આવેલા છે. સ્થાનિક પોલીસની ટીમ ઉપરાંત SHE ટીમ અને LCBની ટીમ પણ લગભગ રોજ સાંજે જોવા મળતી હોય છે. કદાચ મંગળવારે કેમેરા બંધ હશે અને પોલીસની ટીમ પણ ખેંગાર પાર્ક નહીં હોય એટલે બુકી ત્યાં જાહેરમાં ઓનલાઇન જુગાર રમાડી રહ્યો હતો. જોકે અહીં આવેલા પોલીસના નેત્રમ કેમેરા ચાલુ હતા કે નહીં તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પોલીસને નેત્રમ કેમેરાની ઉમદા કામગીરી અંગે રાજ્યના પોલીસ વડા DGP દ્વારા બિરદાવવામાં આવી ચુક્યા છે.
હવે કયા પોલીસ અધિકારી કે કર્મચારીની બદલી-સસ્પેન્ડ કરવામાં આવશે ? : SMC દ્વારા થોડા દિવસ પહેલા માંડવી તાલુકાના ત્રગડી ગામે દારૂની ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવી હતી. જેના પછી પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાની બદલી અને માંડવીના પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે ભુજમાંથી ઝડપાયેલા કરોડો કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ કાંડમાં કોની બદલી કે સસ્પેનશન કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.