Cadila Rajiv Modi Rape Case દુષ્કર્મની ફરિયાદી યુવતીએ DGP રેન્કના ગુજરાત કેડરનાં નિવૃત્ત IPS કેશવ કુમાર સામે કર્યો ગંભીર આક્ષેપ, જાણો શું છે સમગ્ર કેસ
IPS કેશવ કુમાર સામે બલ્ગેરિયન યુવતીના રેપ કેસમાં કેડીલા ફાર્મા કંપનીના MDની તરફેણમાં દબાણ કરવા ઉપરાંત અમદાવાદ પોલીસને પ્રભાવિત કર્યા હોવાનો આક્ષેપ

WND Network.Ahmedabad : વિદેશી યુવતી દ્વારા કરવામાં દુષ્કર્મ જેવા અતિ ગંભીર કેસમાં અમદાવાદ પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી થઈ રહી હતી ત્યારથી ચર્ચા હતી કે, સમગ્ર મામલા પાછળ કોઈ પોલીસ અધિકારીનું ભેજું કામ કરી રહ્યું છે. જી, હા વાત થઇ રહી છે અમદાવાદના ખુબ જ ચર્ચાસ્પદ એવા કેડિલા ફાર્માના MD રાજીવ મોદી વિરુદ્ધ થયેલા દુષ્કર્મ કેસની. આજે આ કેસમાં ત્યારે બહુ મોટો વળાંક આવ્યો જયારે દુષ્કારની ફરિયાદ કરનારી બલ્ગેરિયા દેશની યુવતીએ તેના એફિડેવિટમાં ધડાકો કર્યો કે, તેના કેસને ઢીલો પાડવા ઉપરાંત મહિલા એસીપીને કેસ ન લેવા માટે દબાણ કરવામાં ગુજરાત કેડરના એક DGP રેન્કના રિટાયર્ડ IPSની ભૂમિકા છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે આ નિવૃત્ત IPS ઓફિસર નિવેદન નોંધાવવા માટે હાજર રહ્યા હતા. તેમની સામે રેપ કેસને પ્રભાવિત કરીને મામલો રફેદફે કરી દેવાનો છ પેજના એફિડેવિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્રારંભથી જ વિવાદાસ્પદ એવા આ સમગ્ર પ્રકરણમાં બલ્ગેરિયા દેશની એવી વિદેશી યુવતીએ કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી અને જોન્સન મેન્થુ નામના વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં જે તે સમયે અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. એટલે આ વિદેશી યુવતીએ સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ પણ અવર-નવાર રજૂઆત કરી હતી. છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ ચોપડે ચઢયો હતો. આ કેસમાં યુવતીએ નીચલી કોર્ટેમાં પણ અરજી કરી હતી પરંતુ આ અરજી નામંજૂર થતાં હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી.
મોટા ઉદ્યોગપતિ સામે ફરિયાદ હોવાને કારણે પોલીસની ભૂમિકા પણ આ પ્રકરણમાં પ્રારંભથી જ શંકાની નજરે જોવામાં આવી રહી હતી તેવામાં પોલીસે અચાનક મામલો બંધ કરીને કરી દેવા માટે કોર્ટમાં રજુઆત કરી હતી. અને તે દરમિયાન જ ફરીથી આ યુવતી પ્રગટ થાય છે અને ગુજરાત કેડરના ડીજીપી રેન્કના નિવૃત્ત IPS કેશવ કુમાર સામે ગંભીર પ્રકારના આક્ષેપ તેના એફિડેવિટમાં કરે છે. જેને પગલે રિટાયર્ડ આઇપીએસ કેશવ કુમાર આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ જોવા મળ્યા હતા. કેશવ કુમાર નિવૃત્ત પછી કેડિલા ફાર્માં કંપની માટે કામ કરી રહ્યા હોવાનો દાવો પણ સૂત્રો કરી રહ્યા છે. ગુજરાત પોલીસ દળમાં IPS કેશવ કુમારની ગણના એક હોંશિયાર અને કાયદાના જાણકાર પોલીસ અધિકારીના રૂપમાં થાય છે. તેઓ અમદાવાદ પોલીસમાં સેક્ટર -II નાં જોઈન્ટ પોલિસ કમિશનર સહીત ACB ડિરેક્ટર સુધીની વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવી ચૂકેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ વિદેશી યુવતીએ રાજય મહિલા આયોગ, જુદા જુદા પોલીસ મથક સહિતના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફાર્મા કંપનીના સીએમડી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા અંગેની અરજીઓ આપી હતી અને સાથે સાથે કોર્ટમાં સોગંદનામા સાથે ૨૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેમ છતાં તેની અરજીઓ પરત્વે કંઇ પરિણામ નહી આવતાં આખરે તેને હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. આમ પોલીસ પરથી ભરોસો ઉઠી જતાં કોર્ટમાં પહોંચી હતી. પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે. જો યુવતીના આરોપો સાચા હોય તો એક બિઝનેસમેનને બચાવવા માટે ગુજરાત પોલીસે આ પ્રકરણમાં ભૂંડી ભૂમિકા ભજવી હોવાના આરોપો છે. ફરિયાદ લેવાની તો વાત દૂર પણ તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માગતી ન હોવાના કાગળો પર સહીઓ કરાવી આ મામલામાં પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કરાયો હોવાના પોલીસ પર આ કેસમાં આરોપો છે. હવે આ કેસ હાઈકોર્ટમાં હોવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ગુજરાતમાં કોર્પોરેટ હાઉસ DGથી માંડીને કોન્સ્ટેબલની રેન્કના નિવૃત્તોને નોકરી એટલા માટે છે કે... : પોલીસમાં ફરજ બજાવી ચુક્યા હોવાને કારણે નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસને કેવી રીતે હેન્ડલ કરવી તે બખૂબી જાણતા હોય છે. એટલે ગુજરાતમાં લાંબા સમયથી DG રેન્કના નિવૃત્ત IPSથી લઈને પોલીસ કોન્સ્ટેબલ લેવલના કર્મચારીને કંપનીઓ નોકરી આપતી હોય છે. ગુજરાતમાં એવી ઘણી કંપની છે જેમાં રિટાયર્ડ થયેલા IPS અધિકારીઓ નોકરી કરી રહ્યા છે. નિવૃત્તિ પછી કામ કરવું કોઈ ખોટી વાત નથી પરંતુ જયારે આ પ્રકારના કેસમાં નામ આવે ત્યારે મામલો ચર્ચાનો વિષય બનતો હોય છે. વિદેશી યુવતીના રેપ કેસમાં પણ જયારે અમદાવાદ પોલીસે મામલો બંધ કરવાની વાત કરી ત્યારે જ ચર્ચાઓ થઇ હતી કે, નક્કી આની પાછળ કોઈ હોંશિયાર પોલીસ અધિકારીનું ભેજું કામ કરી રહ્યું છે.