કોસ્ટગાર્ડની ચેતવણી - સમુન્દર મેં તુફાન આને વાલા હૈ, ગુજરાત ઉપર તોળાઈ રહેલું અતિ ભારે વરસાદનું સંકટ, આવતીકાલે રાજ્યની તમામ શાળાઓ બંધ
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી, કોસ્ટગાર્ડ, નેવી અને NDRFને હાઈ એલર્ટ ઉપર મુકવામાં આવ્યું, આગામી 72 કલાક પ્રવાસ ટાળવાની સલાહ
WND Network.Gandhinagar : સમગ્ર ગુજરાત રાજ્ય સહીત પાડોસી રાજ્ય રાજસ્થાનના દક્ષિણી ભાગમાં આગામી ત્રણેક દિવસ અતિ ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે. સીએમ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે પણ વિડ્યો કોંફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. ભારતીય તટ રક્ષક દળ, કોસ્ટગાર્ડ દ્વારા પણ દરિયામાં ઉભા થનારા સંભવિત તોફાન અંગે એલર્ટ રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં આવતીકાલે મંગળવારે શાળાઓ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે સરહદી જિલ્લા કચ્છમાં અસર જોવા મળી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી લોકોનું જીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને નખત્રણા તાલુકામાં તો ભારે વરસાદથી પાણી ભરાઈ જવાને કારણે વાહનો ફસાઈ જવાના, માર્ગો, નાના પુલ તૂટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ IAS અમિત અરોરાએ પણ જિલ્લાના લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે.
રાજ્યના જિલ્લાઓની સાથે સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરા વગેરે શહેરોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. તહેવાર માણવા બહાર નીકળેલા લોકોને કારણે અમદાવાદમાં SG હાઇવે, ઈન્દીરાબ્રીજથી એરપોર્ટ તરફના રોડ ઉપર લાંબો ટ્રાફિક જામ હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યા છે.
પૂર્વ અમદાવાદમાં અસારવા, ઓમનગર, સિવિલ હોસિટલ વિસ્તાર, સરસપુર, બાપુનગર, વસ્ત્રાલ, વિરાટનગર, સીટીએમ, ગોમતીપુર, સહિતના ઓટાભાગના વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પશ્ચિમ અમદાવાદમાં પણ મેઘાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ, વિરમગામ વગેરે તાલુકાઓમાં ભારે વરસાદના વાવડ મળી રહ્યા છે.
રાજકોટમાં વરસાદને પગલે રામવાન અને પ્રદ્યુમ્ન પાર્ક પણ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ પાણી આકાશમાંથી પડ્યું છે.
હાલમાં વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત પરથી પસાર થઈ રહી છે. તેને જોતા અત્યાર સુધીમાં પડેલા વરસાદ કરતા પણ ભારે વરસાદ આગામી 36 કલાકમાં પડે તેવી સંભાવના છે. ખાસ કરીને, આ વરસાદી સિસ્ટમ ભાવનગરથી વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ સુધી વિસ્તરેલ છે. જે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. જેને લીધે મોરબી અને કચ્છની આસપાસના અમુક વિસ્તારોમાં અતિ ભારે, વાદળ ફાટવા જેવી ઘટના પણ બની શકે છે.
સંભવિત મોટી કુદરતી આફતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોલીસ ઉપરાંત આર્મી, નેવી, કોસ્ટગાર્ડ અને સ્ટેટ ડિઝાસ્ટર ઉપરાંત NDRFની ટુકડીઓને સંભવિત નુક્શાનવાળી જગ્યાએ તૈનાત કરી દીધી છે.