અમદાવાદમાં મેઘાની ફરી એન્ટ્રી, ચાંદખેડામાં દોઢ ઇંચ, કચ્છમાં ચેકડેમ તૂટ્યો...

અખબાર નગર સહિતના શહેરના મોટાભાગના અંડરબ્રિજ બંધ કરી દેવાયા

અમદાવાદમાં મેઘાની ફરી એન્ટ્રી, ચાંદખેડામાં દોઢ ઇંચ, કચ્છમાં ચેકડેમ તૂટ્યો...

WND Network. Ahmedabad : થોડા દિવસનાં વિરામ બાદ અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગુરુવાર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં પાણી ભરાઈ જવાની સમસ્યા વધુ એક વખત વિકરાળ બની હતી. બ્રેક કે બાદ પડેલા આ વરસાદ સમગ્ર અમદાવાદમાં પડ્યો છે. અમદાવાદમાં અનરાધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધુ ચાંદખેડા વિસ્તારમાં થોડીવારમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 

સમગ્ર અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 1 ઈંચથી વધુ વરસાદ પડવાને કારણે શહેરીજનો ઓફિસે જવું કે નહીં તેની ચિંતામાં પડી ગયા હતા. ભારે વરસાદની આગાહી અને ધોધમાર પડી રહેલા વરસાદને પગલે અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટી વણજાર અંડરપાસ પણ વરસાદી પાણી ભરાતા બંધ દેવામાં આવ્યો હતો. વરસાદની ભારે ગતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદના વરિષ્ઠ પત્રકાર અજિત ગઢવીના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષ અગાઉ અમદાવાદ આવ્યો ત્યારે વરસાદ શરૂ થતા જ અખબાર નગર અંડરપાસ બંધ કરવામાં આવતો હતો. આજે પણ સૌથી પહેલા તે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે.

કચ્છમાં પણ ફરી પધરામણી, ચેકડેમ તૂટ્યો : દોઢેક દિવસનાં વિરામ બાદ કચ્છમાં પણ વધુ એક વખત મેઘરાજાની સવારી નીકળી હતી. દરિયા કાંઠાના વિસ્તાર માંડવીમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું. માંડવીમાં આ સિઝનનો 26 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. બીજી તરફ વરસાદ રોકાઈ ગયો હોવા છતાં નખત્રણા તાલુકાનાં ઉખેડા ગામની પાસે આવેલો મોટો ચેક ડેમ તૂટ્યો હતો. આ ચેકડેમ ઉખેડા-વમોટી રોડની બાજુમાં આવેલો છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીની આવક ચાલુ રહેતા ચેક ડેમ તૂટી ગયો હતો. પશુ- પક્ષીઓના પીવાના પાણી માટે ડેમ ઉપયોગી હતો.