કચ્છ : અદાણી ગ્રુપ સંચાલિત ભુજની જી.કે. હોસ્પિટલમાં પાણી ભરાયું, અનેક ગરીબ દર્દીઓ બેહાલ, મેડિકલ કોલેજ-હોસ્ટેલમાં કોઈ જ તકલીફ નહીં...
MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 642 છાત્રો લાખો રૂપિયાની ફી ભરીને કરી રહ્યા છે અભ્યાસ
WND Network.Bhuj (Kutch) : ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં મંગળવારે સવારથી ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેને પગલે બપોર સુધીમાં જિલ્લા મથક ભુજમાં સાત ઇંચ જેટલું પાણી પડ્યું હતું. ભારે વરસાદના કારણે કચ્છની સૌથી મોટી અદાણી જી.કે. હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને પગલે દર્દીઓ તેમજ તેમના સગાઓ પરેશાન થઈ ગયા હતા. જો કે, નવાઈની વાત એ છે કે, આ જ કેમ્પસમાં આવેલી અદાણી ગ્રુપ સંચાલિત મેડિકલ કોલેજ તેમજ હોસ્ટેલમાં આવી કોઈ સ્થિતિ જોવા મળી ન હતી. એક અંદાજ પ્રમાણે હાલ મેડિકલ કોલેજમાં MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં 642 જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. કોલેજ દ્વારા છાત્ર દીઠ 19 લાખ જેટલી ફી દર વર્ષે લેવામાં આવે છે.
વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ભુજની અદાણી ગ્રુપ સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસી ગયા હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. વિડીઓમાં દર્દીઓની સાથે સાથે તેમના સગાઓ બેહાલ સ્થિતિમાં નજરે પડી રહ્યા હતા. જયાં એક તરફ માત્ર સાત ઇંચ વરસાદમાં જ કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર કરવામાં જી.કે. હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાં આ જ કેમ્પસમાં આવેલી અદાણી ગ્રુપની મેડિકલ કોલેજ તેમજ હોસ્ટેલમાં કોઈ જ નુકશાન કે પાણી ઘુસી ગયું હોય તેવું જોવા મળ્યું ન હતું.
વર્ષે સો કરોડથી વધુની ફી મળે છે :- મેડિકલ કોલેજમાં હાલ MBBSના કોર્સમાં 600 વિદ્યાર્થી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં 42 છાત્ર અભ્યાસ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એમબીબીએસ ભણતા છાત્ર પાસેથી એક વર્ષના 19 લાખ જેટલી ફી લેવામાં આવે છે. તે પ્રમાણે જોવા જઈએ તો અદાણી મેડિકલ કોલેજ દ્વારા 114 કરોડની ફી માત્ર MBBSના વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષમાં વસુલવામાં આવે છે. જયારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટેની ફી કેટલી છે તે જાણી શકાયું ન હતું. અલબત્ત તેની ફી સ્વાભાવિક રીતે એમબીબીએસ ભણતા છાત્ર કરતા તો વધુ હશે.