East Kutch Police Gandhidham : પૂર્વ કચ્છ પોલીસે હેડ કોન્સ્ટેબલ અને મહિલા કર્મચારીને અલગ પાડી દીધા, ગાંધીધામ શહેરના મુખ્ય બજારમાં બનેલી ઘટના બાદ પોલીસ એક્શન આવી
હેડ કોન્સ્ટેબલને ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મુખ્ય મથક ગાંધીધામમાં અને મહિલા પોલીસ કર્મચારીને ગાંધીધામ નેત્રમમાંથી રાપર ટ્રાન્સફર કરી દીધા

WND Network.Gandhidham (Kutch) : ગાંધીધામમાં ગઈકાલે સોમવારે રાતે જાહેરમાં શહેરના મુખ્ય બજારમાં બનેલી ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસ આજે એક્શન મોડમાં જોવા મળી હતી. ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસના નેત્રમમાં ફરજ બજાવતી મહિલા પોલીસને હેડ કોન્સ્ટેબલની પત્ની અને દીકરાએ ભર બજારમાં કારમાં ઝડપી લીધા હતા. અને ત્યારબાદ તેમની વચ્ચે ભારે માથાકૂટ અને મારામારી થઈ હતી. સમગ્ર મામલાને પોલીસે ગંભીરતાથી લઈને આજે મંગળવારે હેડ કોન્સ્ટેબલ અને મહિલા કર્મચારીને અલગ પાડી દીધા છે. હેડ કોન્સ્ટેબલને ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મુખ્ય મથક ગાંધીધામમાં અને મહિલા પોલીસ કર્મચારીને ગાંધીધામ નેત્રમમાંથી રાપર ટ્રાન્સફર કરી દીધા હોવાનું પોલીસે સત્તાવાર જણાવ્યું હતું.
હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર અંગેની વિગતો જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પરમારની ગાંધીધામમાં જ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દીધી હોવાનું જણાવ્યું હતું. મહિલા કર્મચારીને ગાંધીધામ નેત્રમમાંથી ટ્રાન્સફર કરી દીધા હોવાનું જણાવતા 'નેત્રમ'ના વડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની બદલી રાપર ખાતે કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના મુખ્ય બજારમાં આવેલી બિન હરીફ દુકાન પાસે સોમવારે રાતે કારમાં બેઠા હતા ત્યારે પત્ની અને પુત્ર પહોંચી ગયા હતા. મારામારીમાં મહિલા પોલીસને કાન અને નાકમાં ગંભીર ઇજા પહોંચતા આદિપુરની ડિવાઇન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
(આ ઘટના અંગે વેબ ન્યૂઝ દુનિયામાં પબ્લિશ થયેલો અગાઉનો ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે આ લિંક ઉપર ક્લિક કરો... https://webnewsduniya.com/Policeman-caught-red-handed-by-his-wife-and-son-for-having-an-affair-with-a-female-police-in-Gandhidham-11082025 )