આને કહેવાય અમૃતકાળ ! કચ્છના ભુજમાં હવે દિવસમાં ત્રણ વખત મળે છે પીવાનું પાણી, 'નલ સે જલ' અને 'સુજલામ સુફલામ' જેવી વિવિધ યોજનાને પગલે સર્જાઈ અભૂતપૂર્વ જળ ક્રાંતિ
કોંગ્રેસના શાસન વખતની પાણીની હાડમારી હવે કચ્છના લોકો માટે ભૂતકાળ બની, સત્તાના તમામ સ્તરે રાષ્ટ્રવાદી પક્ષ ભાજપની મહેનતથી સૂકા મલક તરીકે ઓળખાતું કચ્છ પાણીદાર બન્યું !
WND Network.Bhuj (Kutch) : વર્ષો પહેલા જયારે કોઈ સરકારી કર્મચારીની બદલી ગુજરાતના સૌથી મોટા અને છેવાડાના જિલ્લા કચ્છમાં થતી ત્યારે તેને સજા તરીકે જોવામાં આવતું હતું. કારણ કે, કોંગ્રેસના રાજમાં કચ્છની ઓળખ રણ અને પાણી વિનાના મલક તરીકેની હતી. પરંતુ જયારથી રાષ્ટ્રવાદી પક્ષ ભાજપ રાજ્ય સરકારથી માંડીને ગ્રામ્ય કક્ષાએ, સત્તાના તમામ સ્તરે આવ્યો છે ત્યારથી માત્ર પાટનગર ભુજની જ નહીં પરંતુ આખા કચ્છનું ચિત્ર જ બદલાઈ ગયું છે. કદાચ એટલે હવે સૂકા મલકની છાપવાળા કચ્છને પાણીદાર પ્રદેશ તરીકે તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અને દેશની ભાજપ સરકાર આઝાદીના અમૃતકાળની ખાલી ઉજવણી જ કરી રહી છે. પરંતુ જો તમારે ખરેખર અમૃતકાળ કેવો હોય તે જોવું હોય તો એક વખત કચ્છ-ભુજની મુલાકાત લેશો તો જ ખબર પડશે. અમદાવાદ - રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ન હોય તેવી પીવાના પાણીની સુવિધા ભાજપના દાયકાઓના શાસન દરમિયાન કરવામાં આવી છે. અહીં લોકોને દિવસમાં ત્રણ વખત પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે.
ભાજપની સરકાર દ્વારા લોકોને પાણી મળી રહે તે માટે કેટલી ચિંતિત છે તેનો ચિતાર આપતા ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂપિયા 6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો 19 કરોડ ઘરમાંથી અંદાજે 14 કરોડ ઘર એટલે કે 73 ટકા ઘરમાં નળમાંથી પાણી આવે છે. 2019 સાથે સરખામણી કરીએ તો આમાં નોંધપાત્ર વધારો થયો છે. 2019માં 16.80 ઘરોમાં જ નળથી પાણી આવતું થયું છે. જેમાં કચ્છ જિલ્લો પણ બાકાત નથી.
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓના પગલે કચ્છ સહીત રાજ્યમાં નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો થયો છે. હવે દેશના નાગરિકોને પાણી મેળવવા માટે દૂર જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. દૂરંદેશી અને સૌના લાડકા માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ઓગસ્ટ ૨૦૧૯માં લાલ કિલ્લા ખાતેથી જલ જીવન મીશનની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં નળ થી જળ પહોંચાડવાનો નિર્ધાર કરેલ છે. આ અંતર્ગત અત્યાર સુધી રાજ્યના કુલ 33 જીલ્લાને ૧૦૦% નળજોડાણ થી આવરી લીધેલ છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે.
આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા કચ્છ સહીત દેશના દરેક ઘરમાં શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. જેના માટે સરકાર દરેક ઘરમાં નલ કનેક્શન આપશે. મહત્વનુક છે કે 2030 સુધીમાં આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે તેવું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેનું પરિણામ રાજ્યના છેવાડાના જિલ્લા કચ્છમાં, ભુજમાં જોવા પણ મળી રહ્યું છે.
કોંગ્રેસના વખતે કકળાટ થતો, ભાજપમાં કામ થાય છે : અમુક લોકો અને મીડિયાના થોડી ભાગભલે સત્તા પક્ષ ભાજપ અને તેમના નેતાઓ વિષે ઘસાતું બોલે, પણ હકીકત એ છે કે લોકોના દિલમાં લોકોના કામ થકી ભાજપે મજબૂત ઘર બનાવ્યું છે. અને એટલે જ ગુજરાતમાં બે દાયકાથી, કેન્દ્રમાં નવ વર્ષથી અને ભુજ નગર પાલિકામાં તો વર્ષોથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહ્યો છે. કચ્છના સાંસદથી લઈને તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને છેક ગ્રામ પંચાયતમાં પણ ભાજપના સનિષ્ઠ નેતા-કાર્યકરો લોકો માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પાંચ મિનિટ પણ પાણી મોડું આવે તો ભાજપના જનપ્રતિનિધિઓ પાણીની પાઇપ લાઈન શોધવા નીકળી પડે છે. વર્ષો પહેલા કોંગ્રેસના રાજમાં માત્ર કકળાટ જ જોવા મળતો હતો. પરંતુ ભાજપના દાયકાઓ જુના રાજમાં કચ્છમાં માત્ર ને માત્ર લોકોના કામ થયા છે. જેને લીધે કચ્છ પાણીદાર જિલ્લા તરીકે માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી થઇ છે. અમથા કાંઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમ નથી કહેતા કે તેઓ સવાયા કચ્છી છે !
(ભુજમાં લોકો પાણી માટે સપ્તાહથી વલખા મારી રહ્યા છે ત્યારે આ સમાચાર ભારે હૃદયે હળવી શૈલીમાં લખવામાં આવ્યા છે. જેનો આશય માત્ર ને માત્ર પાણીથી પરેશાન ભુજના લોકોને થોડી મિનિટ અલગ વિચારતા કરવાનો છે. માટે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં. બહુ ગુસ્સો આવે તો સાતમી તારીખે મતદાનના દિવસે વોટ આપીને દેશના સાચા નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરી લેવું, ભારત માતા કી જય, વંદે માતરમ ! )