Kutch Gandhidham Kandla SIPC : ભારતના સૌ પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી ગાંધીધામને મળ્યો મહાનગર પાલિકાનો દરજ્જો
સ્માર્ટ સિટીમાં મળે તેવી વર્લ્ડ કલાસ સુવિધાઓ ભોગવી રહેલા ગાંધીધામ શહેરના લોકોની લાઈફ સ્ટાઈલ મહાનગર પાલિકાના સ્ટેટસથી હવે વધુ બેહતર થશે
WND Network.Gandhidham (Kutch) : ભારતના સૌ પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) ગાંધીધામને રાજ્ય સરકારે મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. હાલમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન સાત નગર પાલિકાઓને આપવામાં આવેલા મહાનગર પાલિકાના સ્ટેટ્સમાં કચ્છના આર્થિક પાટનગર એવા ઔદ્યોગિક શહેર ગાંધીધામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસની દોડમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય શહેરોની સરખામણીએ સૌથી અવ્વલ રહેલું ગાંધીધામ શહેર સ્માર્ટ સિટીને લીધે પહેલાથી જ વર્લ્ડ કલાસ સુવિધાઓ ભોગવી રહ્યું છે. અને હવે જયારે રાજ્ય સરકારે મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની વાત સ્વીકારી છે ત્યારે અહીંના લોકોની લાઈફ સ્ટાઇલ હજુ પણ વધુ બેહતર બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ડ્રિમ પ્રોજેક્ટ સાગરમાલા અંતગૅત કંડલા-ગાંધીધામ-આદિપુર કોમ્પ્લેક્સને દેશનું સૌ પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને ત્યારબાદ આ અંગે કંડલા પોર્ટ દ્વારા તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
કેન્દ્રની મોદી સરકાર દ્વારા વર્ષ 2017માં 11,147 કરોડના ખર્ચે કચ્છના આર્થિક શહેર ગાંધીધામને દેશનું સૌ પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) તરીકે વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એક વખત ભાજપ સાશિત સરકારે ગાંધીધામના લોકોને બીજી મહત્વપૂર્ણ ભેંટ આપી છે. ગાંધીધામ શહેરના લોકો સ્માર્ટ સિટીમાં રહેતા હોવાને કારણે પહેલાથી જ વર્લ્ડ કલાસ સુવિધાઓ ભોગવી રહ્યા છે ત્યારે મહાનગર પાલિકાના દરજજાને પગલે તેનું જીવન ધોરણ વધુ ઉચ્ચ કક્ષાનું બનશે તેવું માનવામાં આવી રહ્યું છે. સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (Kandla SIPC) બન્યા પહેલા ગાંધીધામના લોકોને પાણી ભરાઈ જવાથી માંડીને ખરાબ રસ્તાઓ, વીજળીની સુવિધાઓ વગેરે જેવી પાયાની સગવડો માટે વલખા મારવા પડતા હતા. પરંતુ કેન્દ્રની મોદી સરકારે ગાંધીધામને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી બનાવી દેવાને પગલે અહીંના લોકોને હવે કોઈ સમસ્યા રહી નથી. તેવામાં રાજ્ય સરકારે પણ મહાનગર પાલિકાનું સ્ટેટસ આપી દેવાને પગલે તેમની લાઈફ સ્ટાઇલ દુનિયાના ટોપના શહેરો જેવી બની જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ગાંધીધામને મહાનગર પાલિકાનું સ્ટેટસ મળવાથી શું બદલાશે, કોને ફાયદો થશે ? : સ્માર્ટ સિટીમાં રહેવાને પગલે ગાંધીધામના લોકોને રોડ, પાણી, આરોગ્ય વગેરે જેવી પાયાની સમસ્યાથી તો વર્ષો પહેલા જ છુટકારો મળી ચુક્યો છે. ત્યારે નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનવા જઈ રહેલા શહેરને સરકારની માતબર ગ્રાન્ટ મળશે. જેના કોન્ટ્રાકટ દ્વારા જે લોકો સત્તામાં હશે તેમને ખુબ જ ફાયદો થશે. ગાંધીધામમાં શહેરમાં વર્ષોથી ભાજપની સત્તા છે. અહીં ઠગલો સમસ્યાઓ હતી છતાં અહીંના લોકોને ભાજપને જ સત્તા ઉપર બેસાડતા આવ્યા છે. હવે જયારે ગાંધીધામના લોકોને સુખના દિવસો જોવાના આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ ફરીથી ભાજપના લોકોને ચૂંટીને મહાનગર પાલિકની સત્તાની કમાન સોંપશે. મહાનગર પાલિકાના દરજ્જાને કારણે હવે ગાંધીધામને મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે પણ ઓળખવામાં આવશે. પ્રમુખ હવે મેયર તરીકે અને નગર સેવકો કોર્પોરેટર તરીકે ઓળખાશે. ચીફ ઓફિસરની જગ્યાએ હવે ગાંધીધામમાં IAS કેડરના ઓફિસરની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવશે.
હાલ કરતા વધુ વેરા ભરવા પડશે, આસપાસના ગામડાઓનો મહાનગર પાલિકામાં સમાવેશ થશે : વર્ષોથી ઉત્તમ કક્ષાની પાયાની સુવિધા ભોગવી રહેલા ગાંધીધામના લોકોને હવે ગાંધીધામ કોર્પોરેશને વધુ વેરા ભરવા પડશે. સાફ રસ્તાઓ અને પાણીની સહિતની વર્લ્ડ કલાસ લેવલની સુવિધાઓ સામે આ વેરાનું મૂલ્ય ગાંધીધામના લોકો માટે સાવ મામૂલી કહી શકાય તેવું હશે. હાલમાં ગાંધીધામ શહેરનો જે વિસ્તાર છે તેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવશે. જેને પગલે જે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં સાવ મામૂલી કહી શકાય તેવો વેરો ભરાતા હતા તેમને પણ વધુ ટેક્સ ચૂકવવો પડશે. જોકે સ્માર્ટ સિટીમાં સમાવેશ થવાને પગલે ગાંધીધામની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેનો વિરોધ કરે તેવી શક્યતા નહિવત છે.