SurendraNagar Collector ED Raid IAS K C Sampat : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.સી.સંપટનો 'વહીવટ' સસ્પેન્ડેડ IAS રાજેન્દ્ર પટેલ કરતા પણ મોટો, ત્રણ વર્ષમાં કલેક્ટર તરીકે 2500થી વધુ NA ની ફાઈલ ઉપર સંપટની સહી

EDની તપાસમાં સસ્પેન્ડેડ IAS રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કબૂલાત કરી લીધી હોવાની વાત ખળભળાટ

SurendraNagar Collector ED Raid IAS K C Sampat : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.સી.સંપટનો 'વહીવટ' સસ્પેન્ડેડ IAS રાજેન્દ્ર પટેલ કરતા પણ મોટો, ત્રણ વર્ષમાં કલેક્ટર તરીકે 2500થી વધુ NA ની ફાઈલ ઉપર સંપટની સહી

WND Network.Ahmedabad : ખુબ જ ભેદી રીતે શાંત પડી ગયેલા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના બિન ખેતીના કરોડો રૂપિયાના કૌભાંડની EDની તપાસમાં ગુજરાત કેડરના પ્રમોટી IAS કેયુર સંપટ ઉર્ફે કે.સી.સંપટ (IAS K C Sampat)ની મોટી ભૂમિકા બહાર આવી છે. સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ત્રણ વર્ષથી પણ વધુ સમય સુધી ફરજ બજાવી ચૂકેલા IAS સંપટનો વહીવટ સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર IAS ડૉ.રાજેન્દ્ર પટેલને પણ ટપી જાય તેવો રહ્યો હતો. EDની તપાસમાં અને રાજેન્દ્ર પટેલ તેમજ નાયબ મામલતદાર  ચંદ્રસિંહ મોરી ઉપરાંત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સ્ટાફએ IAS કે.સી.સંપટના ત્રણ વર્ષના કાર્યકાળમાં તેમણે NA ની 2500થી પણ વધુ ફાઈલમાં કરેલી સહીઓ અંગે મોટા ખુલાસા કર્યા હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને આગામી દિવસોમાં ગુજરાત IAS કેડરમાં વધુ એક વિકેટ પડે તેવા એંધાણ છે. 

સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર IAS ડૉ.રાજેન્દ્ર પટેલ (IAS Dr.Rajendra Patel) ના ગણતરીના મહિનાના સમયમાં 800 જેટલી બિન ખેતીની ફાઈલમાં કરોડો રૂપિયાના બે નંબરી  'વહીવટ'ની વાત વચ્ચે IAS સંપટે 2500થી વધુ ફાઈલ પાસ કરી હોવાનું EDના ઇન્વેસ્ટિગેશન દરમિયાન બહાર આવ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ બિન ખેતીની ફાઈલનું ટેબલ સંભાળતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રેવન્યુ કેસના ટેબલ ઉપરથી NA ના કામની સોંપણી પણ IAS સંપટે તેમના સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન કરી હતી. જેને લીધે ED ઉપરાંત આ કૌભાંડની તપાસ કરી રહેલા ગુજરાત ACB એ પણ IAS કેયુર સંપટની મિલ્કતો અંગે તપાસ કરી છે. 

યોગાનુયોગ કહો કે ગમે તે, પ્રમોટી IAS કે.સી.સંપટ હાલમાં INDEX - B ના MD હોવાને લીધે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  જે વાયબ્રન્ટ ગુજરાત સમીટનું ઉદ્ઘાટન કરવાના છે ત્યાં હાજર હશે. સેકન્ડ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફ્રન્સ માટે રાજ્ય સરકારે ઉદ્યોગના અગ્ર સચિવ IAS મમતા વર્માના અધ્યક્ષતા હેઠળ રચવામાં આવેલી ઓવર ઓલ કો-ઓર્ડિનેશનની કમિટીમાં IAS સંપટ મેમ્બર તરીકે છે. 

આનંદીબેન પટેલના ખાસ IAS સંપટને માત્ર ત્રણ મહિનામાં જ કલેક્ટરનું પોસ્ટિંગ મળ્યું હતું : સિવિલ એન્જીનિયંરિંગમાં માસ્ટરની ડિગ્રી ઉપરાંત LLB અને MBAની પણ ઉપાધિ ધરાવતા IAS કે.સી.સંપટ 1996માં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એટલે કે GAS કેડરમાં જોડાયા હતા. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં જયારે આનંદીબેન પટેલ શિક્ષણ અને મહેસુલ પ્રધાન હતા ત્યારે IAS સંપટનું કરિયર સોળે કળાએ ખીલ્યું હતું. તેઓ આનંદીબેન પટેલ (CM Anandiben Patel) ની સાથે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે CMOમાં પોસ્ટેડ હોવાની સાથે સાથે બેન જયારે મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે ભોપાલ રાજભવનમાં પણ સાથે ગયા ગયા હતા. UPમાં પણ બેન સાથે થોડો સમય રહયા બાદ સંપટનું સ્ટેટ સિવિલ સર્વિસીસ (SCS)માંથી IAS નું પ્રમોશન મળ્યું હતું. તેમને જાન્યુઆરી - 2022માં સુરેન્દ્રનગરના DDO મુકવામાં આવ્યા બાદ બીજા જ મહિને સુરેન્દ્રનગર કલેક્ટરના ચાર્જમાં મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ત્યાં જ રેગ્યુલર પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું હતું. ત્રણ વર્ષનો લાંબો કાર્યકાળ કલેક્ટર તરીકેનો પસાર કર્યા પછી કેયુર સંપટને ગાંધીનગર INDEX - Bના મેનેજીંગ ડિરેકટર તરીકે મુકવામાં આવ્યા હતા. 

સંપટ સાથે સેટ થઈ ગયા એ રહી ગયા, બે એડિશનલ કલેક્ટર મહિનાઓમાં બદલાઈ ગયેલા : સુરેન્દ્રનગરમાં EDની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં એક હકીકત એવી પણ બહાર આવી છે કે, IAS સંપટ જયારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે તેમના PA  જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરીની દ્વારા વ્યવસ્થિત ચેનલ ગોઠવવામાં આવી હતી. જેમાં બિન ખેતીની ફાઇલની પ્રક્રિયામાં જે કોઈ નડે તેનો કોઈપણ રીતે ઈલાજ કરી દેવામાં આવતો હતો. મતલબ કે IAS સંપટ સાથે જે અધિકારી કે કર્મચારી સેટ થઈ જાય તેમને મલાઈ ખાવા ઉપરાંત નોકરી કરવામાં પણ વાંધો આવતો ન હતો. જો કે તે દરમિયાન GAS કેડરમાંથી આવતા બે અધિક કલેક્ટર કક્ષાના ઓફિસરની મહિનાઓમાં જ ટ્રાન્સફર થઈ ગઈ હતી. 

સિસ્ટમ સેટ કરી સંપટે અને પકડાઈ ગયા પટેલ : ED અને ACBના ઇન્વેસ્ટિગેશનમાં સુરેન્દ્રનગર કલેક્ટોરેટમાં છેલ્લા પાંચ વર્ષ થયેલી બિન ખેતીની ફાઈલોનું એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં ખબર પડી કે, કરોડો રૂપિયાની ટકાવારી વાળી આખી સિસ્ટમ તો સંપટના કાર્યકાળ દરમિયાન સેટ કરવામાં આવી હતી. કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને NA નું ટેબલ સાંભળતા નાયબ મામલતદાર મોરીની નોકરીનો મહત્તમ સમય IAS સંપટ સાથેરહ્યો છે. સીધી ભરતીના મૂળ ગુજરાતી IAS ડૉ. રાજેન્દ્ર પટેલને તો વહેતી ગંગામાં હાથ ધોવાના હતા. પરંતુ મામલો જયારે ભાજપ સરકારના માનીતા ઉદ્યોગ ગૃહ પાસે બિન ખેતીની ફાઈલમાં રૂપિયા માંગવાનો બહાર આવ્યો ભાજપના સત્તામાં રહેલા મોટા નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા.