કચ્છમાં લોન ડિફોલ્ટર્સનો રાફડો આભા હોટેલ - મુખ્ય સરકારી વકીલના પત્ની સહીત અનેક જાણીતા લોકોની પ્રોપર્ટી બેંકે વેચવા કાઢી
શિપિંગ કંપની, હોટેલ્સ,કન્સ્ટ્રક્શન, ટિમ્બર વગેરે સેક્ટરના અગ્રણીઓ કરોડો રૂપિયાની બેન્કની લોન ચૂકવી નથી
WND Network.Bhuj (Kutch) :- છેલ્લા કેટલાય સમયથી વિવિધ સરકારી તેમજ ખાનગી બેન્ક દ્વારા આપવામાં આવેલી કરોડો રૂપિયાની લોન પાછી ન આવવાને કારણે બેંકોનું એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) અબજો રૂપિયાને ક્રોસ કરી ગયું છે. અને એટલે જ હવે બેંક્સ દ્વારા આવા ડિફોલ્ટરને શોધીને તેમની મિલ્કતો વેચવાનું શરુ કરી દીધું છે. ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં લોન ડિફોલ્ટરની મિલકતોની જપ્તીનું લિસ્ટ પણ વેઇટિંગમાં છે. ગુજરાતમાં 1885 કરોડની લોન ડિફોલ્ટ બોલે છે. જેમાં કચ્છનો આંકડો સૌથી મોટો છે. અહીં વિવિધ સરકારી તેમજ ખાનગી બેન્ક દ્વારા આપવામાં આવેલી લોન પાછી ન આવવાને કારણે બેન્ક દ્વારા લોન લેનારની મિલ્કતો વેચવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છમાં ઘણા નામી-અનામી લોકો, જેમાં ભુજની આભા હોટેલથી માંડીને કચ્છના મુખ્ય સરકારી વકીલ (DGP)ના પત્ની, જયંતિ ભાનુશાલી મર્ડર કેસનો સાક્ષી, જાણીતી વરસાણી કન્સ્ટ્રક્શન, ગાંધીધામના ઉદ્યોગપતિઓ, ટિમ્બર ક્ષેત્રના લોકોનો સમાવેશ થાય છે.
ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ના રિપોર્ટ મુજબ, હાલમાં બેંકો દ્વારા અપાયેલી 7.68 લાખ કરોડની જુદી જુદી લોન ચાલી રહી છે. જેમાં 42,700 કરોડ એટલે કે 5.55 ટકા લોન એનપીએ થઈ ગઈ છે. કચ્છમાં પણ આવી ડિફોલ્ટ લોનનો આંકડો અબજો રૂપિયાને પાર કરી ગયો છે. અને એટલે જ, પ્રાદેશિક કક્ષાએથી બેન્કના સિનિયર અધિકારીઓ આવી ડિફોલ્ટ લોનની પ્રોપર્ટીની હરરાજી કરીને લોનની રકમ વસૂલી રહ્યા છે. અને એટલે દરરોજ કચ્છના અખબારોમાં બેન્ક દ્વારા પાના ભરીને મિલ્કતો વેચવા અંગેની જાહેરાતો આપવામાં આવી રહી છે.
બેન્ક શા માટે કલેક્ટરની મંજૂરી લેતી હોય છે ? :- એનપીએ થયેલી મિલકત વેચવા માટે બેન્ક દ્વારા SARFAESI એક્ટની સેક્શન 14 પ્રમાણે ડિફોલ્ટરની પ્રોપર્ટી અટેચ કરવા માટે કલેક્ટર એટલે કે, જિલ્લા મેજિસ્ટ્રેટની સહાય-મંજૂરી લેવી પડતી હોય છે. જેમાં આમ તો બેન્કને મોટાભાગે મંજૂરી મળી જ જતી હોય છે. પરંતુ કચ્છની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાને એક પ્રોપર્ટીમાં કચ્છ કલેક્ટર કચેરી દ્વારા મંજૂરી મળવામાં વિલંબ થવાને પગલે બે વખત અખબારમાં જાહેરાત આપવી પડી હતી. કચ્છના DGP એટલે કે મુખ્ય સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીની પત્ની વર્ષાબેન અને તેમના એક મહિલા પાર્ટનર નિર્મલાબેન પ્રવીણભાઈ ભુડિયાએ સાથે મળીને ભુજ પાસેના માધાપરમાં મેસર્સ ૐ બેકર્સ નામની બેકરી શરુ કરી હતી. જેના માટે તેમણે કચ્છના સુખપર ગામની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી રૂ.40,31,700ની લોન લીધી હતી. આ લોનની રકમ ન ચુકવાને લીધે તેમની લોન ડિફોલ્ટ થઈ હતી. અને બેન્ક દ્વારા તેની હરરાજી કરીને વેચવાની પ્રક્રિયાના ભાગરૂપે કચ્છ કલેક્ટર પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ મંજૂરી મળવામાં વિલંબ થવાને કારણે CBI દ્વારા આ જ મિલકત માટે ફરીથી જાહેર ખબર પ્રસિદ્ધ કરવી પડી હતી.