નરોડા ઓવરબ્રિજનાં લોકાર્પણ પહેલા દલિત સમાજની 30 મહિલાની અટકાયત, જાણો શું છે સમગ્ર વિવાદ...
સીએમ ભુપેન્દ્ર પટેલ બ્રિજનું ઉદ્ઘાટન કરે તે પહેલાં જ મહિલાઓ અને પોલીસ વચ્ચે નામકરણને મામલે થયું ઘર્ષણ
WND Network.Ahmedabad : અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરોડા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરે તે પહેલાં જ દલિત સમાજની મહિલાઓ નરોડા રેલવે ઓવરબ્રિજના કાર્યક્રમ સ્થળ પાસે પહોંચી હતી. નામકરણને મામલે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે સ્થાનિક લોકોને વીડિયો લેવાની મનાઈ કરી દેવામાં આવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ વધતા છેવટે પોલીસે 30 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી. મહિલાઓની અટકાયત કરીને તેમને ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવી હતી. બુધવારે સવારે જ પોલીસે હોબાળો ના થાય તે માટે દલિત સમાજના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. આજે સાંજે પાંચ વાગ્યે નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
વિવાદ થતા કોર્પોરેશને ઓવરબ્રિજને કોઈ નામ જ ન આપ્યું,સંત રોહિદાસ નામ આપવાની માગણી
અગાઉ સિંધી સમાજના સંતના નામે આ બ્રિજનો ઠરાવ કોર્પોરેશન દ્વારા પસાર કરી દેવામાં આવ્યો હતો. અને બીજી તરફ દલિત સમાજ એવું ઈચ્છે છે કે, તેમના સંત રોહિદાસના નામે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે. પરંતુ નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ બદલવાના વિવાદને પગલે હવે બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી. માત્ર રેલવે ઓવરબ્રિજ જ નામ રાખવામાં આવ્યું છે. તકતી પર કોઈ પણ સંતનું નામ લખેલું નથી.દલિત સમાજની મહિલાઓ દ્વારા બ્રિજનું નામ રાખવા માટેની તકતી રાખવામાં આવી હતી તે તેઓએ કાઢી દીધી હતી. પરંતુ બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક નવી તકતી બનાવી અને લગાવવામાં આવી છે.
વિવાદાસ્પદ ધારાસભ્ય બલરામ થાવાણી સામે મહિલાઓનો આક્ષેપો
રજૂઆત કરનાર દલિત મહિલાઓએ ધારાસભ્ય બલરામ થાવાણીને બ્રિજના નામકરણ મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને પગલે થાવાણીએ એવું કહ્યું હોવાનો આક્ષેપ છે કે તેમણે આડકતરી રીતે ધમકી આપતા કહ્યું હતું કે, 'તમને ખબર છે ને મેં એક બેનને મારી હતી'. તેમણે એવું પણ કહ્યું હતું કે, કે તમારા સમાજવાળા કંઈ પણ નહીં કરી શકે. મહિલાઓએ એવો પણ કહ્યું કે, બલરામ થાવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવીશું પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.