કચ્છ : હરામીનાળાની ટ્રાઈ જંક્શન પોસ્ટ 1166 પાસેથી 10 પાકિસ્તાની બોટ સાથે ચાર ઘૂસણખોર ઝડપાયા
ભુજ બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વિશેષ એમ્બુશ ઓપરેશન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી
WND Network.Bhuj (Kutch) : કચ્છમાં તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF) દ્વારા ગુરુવારે વહેલી સવારે હરામીનાળા વિસ્તારમાં ઘૂસણખોરીની એક ઘટનાને નિષ્ફળ કરવામાં આવી છે. અગાઉથી મળેલા ઇન્ટેલ ઈનપુટ આધારે સંવેદનશીલ હરામીનાળામાં ઉભી કરવામાં આવેલી ટ્રાઈ જંક્શન પોસ્ટ પાસે સીમા સુરક્ષા દળના એક સ્પેશ્યલ એમ્બુશ ગ્રુપ ઘાટ લગાવીને બેઠું હતું. જેવી ભારતમાં ઘુસણખોરી કરવાની હરકત થઈ કે તરત જ ચાર પાકિસ્તાનીને દબોચી લેવામાં આવ્યા હતા. ઘૂસણખોરો દસ બોટમાં સવાર હતા જેને BSF દ્વારા જપ્ત કરવામાં આવી છે.
ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલી ઈન્ડો-પાક બોર્ડરે આવેલી બોર્ડર પોસ્ટ 1165 અને 1166 પાસે એક ખાસ એમ્બુશ દળ દ્વારા પાકિસ્તાન તરફથી મુવમેન્ટ જોવામાં આવતા તેઓ એલર્ટ થઈ ગયા હતા. જેવા ઘૂસણખોર ભારતની સીમમાં પ્રવેશ કર્યા કે તરત જ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. અને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા પાકિસ્તાનીઓએ સ્થિતિ પામીને ભારતીય જવાનો સામે ઘૂંટણ ટેકી દીધા હતા. બીએસએફ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ પકડાયેલી 10 બોટ માછીમારીની છે. તેમજ ઝડપાયેલા ઘૂસણખોરો પાસેથી પ્રાથમિક તપાસમાં હાલ કાંઈ મળ્યું નથી. તેમ છતાં જે રીતે વહેલી સવારે મોટી સંખ્યામાં બોટ સાથે ઘુસણખોરીનો પ્રયાસ થયો છે તેને જોતા સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ પ્રકારે જ ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો જેમાં ભારત તરફથી ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી.
જૂનમાં થાય છે વધુ ઘૂસણખોરી : હરામીનાળામાં કરવામાં આવેલા સ્પેશ્યલ એમ્બુશ ઓપરેશન અંગે વિશેષ માહિતી આપતા ગુજરાત BSF ફ્રન્ટિયરના IG જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં હાઈ ટાઇડની સ્થિતમાં પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસવાની કોશિશ કરતા હોય છે. અહીં બીઓપી 1165 પાસે એક નવી ચેનલ મળી આવી છે. જેને લીધે અમને અંદાજ હતો કે, અહીંથી ઘુસવાનો પ્રયાસ થશે. અને એટલે જ અમે બીઓપી 1165 અને 1166 વચ્ચે જુદી જુદી ટીમને તૈનાત કરી હતી. ઘુસણખોરોને એમ હતું કે, વહેલી સવારે અહીં કોઈ નહિ હોય અને તેઓ જેવા આગળ આવ્યા કે તરત જ આપણા જવાનોએ તેમને દબોચી લીધા હતા તેમ IG મલિકે વધુમાં ઉમેર્યું હતું