જ્યોતિ ગ્રામ યોજનાનો ફિયાસ્કો, કચ્છમાં આ યોજનાના ફીડરો બંધ કરી દેવાયા

સર પ્લસ વીજળીના વાતો વચ્ચે હવે ગુજરાતમાં પણ વીજકાપની શરુઆત

જ્યોતિ ગ્રામ યોજનાનો ફિયાસ્કો, કચ્છમાં આ યોજનાના ફીડરો બંધ કરી દેવાયા

WND Network.Bhuj (kutch) : લાંબા સમયથી ગુજરાતમાં વીજળીની અછત અંગેની વાતો ચાલી રહી છે તેવામાં સરહદી જિલ્લા કચ્છમાં બુધવારે સાંજથી એકાએક વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. જિલ્લાના નખત્રાણા તાલુકામાં વીજકાપથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. નખત્રાણા તાલુકાના અનેક ગામોમાં બુધવાર સાંજથી ઓચિંતો વીજપુરવઠો બંધ કરી દેવાયો હતો. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વીજળી પુરવઠો બંધ થઈ જતા લોકોએ PGVCLની કચેરીએ ફરિયાદ કરવા માટે લેન્ડ લાઈન ઉપર કોલ કરવાનું સારું કરતા કચેરીમાં ફોન એંગેજ કરી દેવાયા હતા. રાત્રીના સમયે વીજપુરવઠો બંધ કરાતા લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ આ પ્રકારે વીજકાપની સ્થિતિ જોવા મળી હતી. પશ્ચિમ કચ્છના નખત્રણા તાલુકા ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 

સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, રાજ્ય સરકારની ભવ્ય ગણવામાં આવતી જ્યોતિગ્રામ યોજનાના ફીડર બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, અન્ય જિલ્લા અને રાજ્યોને વીજળી આપવામાં આવતા કચ્છ જિલ્લામાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે.