Himatnagar : માત્ર ચાર જ દિવસમાં હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસરની ટ્રાન્સફરને સરકારે રદ્દ કરવી પડી, જાણો શા માટે આવો હુકમ કરવો પડ્યો...
વિકાસલક્ષી કામોને વેગ આપવા ઉપરાંત શહેરના દબાણો સામે કડક કાર્યવાહીને પગલે મુખ્ય અધિકારીને ફરી હિંમતનગર લાવ્યા
WND Network.Himmatnagar (S.K.) : રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે દ્વારા ચાર દિવસ પહેલા જ શુક્રવારે કરવામાં આવેલા ચીફ ઓફિસરની બદલીના હુકમમાં ફેરફાર કર્યા છે. જેમાં સાબરકાંઠા હિંમતનગરથી બદલીને વિજાપુર નગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા અલ્પેશ પટેલની ટ્રાન્સફર કેન્સલ કરીને તેમને હિંમતનગર પાલિકા ખાતે યથાવત રાખવામાં આવ્યા છે. નર્મદા કેનાલના રિપેરિંગથી માંડીને ટીપી પ્લાન અંતર્ગતના ફોર લેન રોડ સહિતના વિવિધ વિકાશલક્ષી કામો ઉપરાંત દબાણ સામે કડક કાર્યવાહી માટે જાણીતા ચીફ ઓફિસરની હિંમતનગરથી બદલી થઇ જવાને પગલે લોકો પણ નારાજ હતા. જેનો પડઘો પડતા સરકારને તેમને હિમંતનગર નગર પાલિકા ખાતે યથાવત રાખવા પડ્યા હતા.
હિંમતનગર પાલીકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ કાર્યને સરકારી મશીનરીનો મહત્તમ ઉપયોગ કરીને વિકાસના કામોમાં ખુબ ઝડપી કામગીરી કરી હતી. પાલિકાના કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમો પણ વધવા લાગતા શહેરમાં ફરીથી વિકાસનો માહોલ શરુ થયો હતો. સાથે સાથે નગર પાલિકા વિસ્તારોમાં દબાણ ઉપરાંતના ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર પણ કડક કાર્યવાહી કરી હતી. નગર પાલિકા લેવલનો દેશનો મોડેલ એવોર્ડ વિનર પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટની સુંદરતાને ફરીથી સુંદર બનાવવાની શરુઆત પણ તેમના સમયગાળા દરમિયાન થઇ હતી. નર્મદા કેનાલની મરામત કરવાના કાર્યો શરુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બીજા તબક્કાના કેનાલ ફ્રન્ટને લઈને પણ કાર્યવાહી શરુ કરવામા આવી હતી. શહેરમાં ટીપી રોડ નવા ફોર લાઈન ઝડપથી પૂર્ણ કરીને તેને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યો માટે ધારાસભ્ય વી.ડી. ઝાલા અને નગરપાલીકાએ ઝડપ હાથ ધરી હતી. જેમાં ચીફ ઓફિસર અલ્પેશ પટેલ દ્વારા મહત્વની ભૂમિકા સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ નિભાવી હતી.
દરમિયાન રાજ્ય સરકારે શુક્રવારે રાજ્યની પાલિકાઓના મુખ્ય અધિકારીઓની બદલીનો હુકમ કર્યો હતો, 26 સીઓની ટ્રાન્સફરમાં હિંમતનગર પાલીકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલેને વિજાપુર ખસેડવામાં આવ્યા હતા. જેનો લોકો તેમજ જનપ્રતિનિધઓ દ્વારા વિરોધ કરીને તેમને યથાવત રાખવાની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારે તેમની ટ્રાન્સફર રદ્દ કરીને હિંમતનગર ખાતે જ યથાવત રાખ્યા હતા