Kutch : મિ. હોમ મિનિસ્ટર, કચ્છમાં લોકો દારૂના અડ્ડાઓના ફોટા પાડીને પોલીસને આપે છે છતાં કંઈ થતું નથી , હવે તો કોઈ એક્શન લો...
પૂર્વ કચ્છના વરસામેડી ગામના લોકોએ જાહેરમાં દેશી દારૂ ગાળતા લોકોના ફોટા પોલીસને આપીને કાર્યવાહીની માંગણી કરી
WND Network.Gandhidham (Kutch) : પૂર્વ કચ્છમાં લાંબા સમયથી દારૂની બદી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે તેવામાં વરસામેડી નામના ગામના અનેક લોકોએ ગામની સીમમાં જાહેરમાં ધોળા દિવસે દેશી દારૂની ભટ્ટીઓના ફોટા સાથે પોલીસને રજુઆત કરી છે. પોલીસને ફોટા સાથે કરવામાં આવેલી લેખિતમાં રજુઆતમાં ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે, તેમને અરજીમાં એવી ચીમકી પણ આપી છે કે, જો પોલીસ આગામી દસ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો લોકો જનતા રેડ કરતા પણ અચકાશે નહીં. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ભલે ટ્વીટર ઉપર ડરથી માંડીને ડ્રગ્સ અંગેની અસામાજિક પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા હોય. પરંતુ હકીકત એ છે કે, તેમની પોલીસ ગ્રાઉન્ડ લેવલે તેમના જેટલી ગંભીર નથી.
પૂર્વ કચ્છ પોલીસના તાબા હેઠળ આવતા અંજાર તાલુકાના વરસામેડી ગામના ચાલીસથી પણ વધુ લોકોએ દેશી દારૂની ભટ્ટી ચલાવતા બુટલેગર દેવા જીવા રબારી ઉર્ફે દેવાના નામજોગ રજૂઆત કરીને પુરાવા રૂપે ભટ્ટીના ફોટા પણ પોલીસને આપ્યા છે. જેમાં વેલસ્પન વિદ્યા મંદિરથી લઈને ગુજરાત કોલોની સુધીના વિસ્તારમાં પોલીસની બીક વિના દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની વાત કરી છે. કઈ જગ્યાએ કેટલા અડ્ડા છે અને તેને કોણ ચલાવે છે તેની તમામ માહિતી પોલીસને કરવામાં આવેલી લેખિત રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર આટલી મોટી સંખ્યામાં જાહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા અંગે પણ ગ્રામજનોએ પ્રશ્નો કાર્ય છે. જેમાં જરૂર પડે પોલીસની કાર્યવાહીમાં મદદરૂપ થવાની પણ ગ્રામજનોએ બાંહેધરી આપી છે. આમ સમગ્ર મામલો હવે પોલીસની શાખ ઉપર સવાલ થાય તેવો જલદ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં, ખાસ કરીને ગાંધીધામ,કંડલા અને આદિપુર જેવા શહેરી વિસ્તારોમાં અંગ્રેજી સહીત દેશી શરાબના સ્ટેન્ડ માટે પોલીસની મંજૂરી સાથે દારૂ વેચવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે. તેવામાં સમગ્ર મામલે વરસામેડી ગામના લોકો જે લેખિતમાં કહી રહ્યા છે તે મામલે જાણવા માટે પૂર્વ કચ્છના એસપી મહેન્દ્ર બગરીયાનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળીશક્યા ન હતા.