Kutch Border : સીમા ઉપર રચાયો ઇતિહાસ, BSF અને પાક મરીન્સના જવાનો આવી ગયા આમને-સામને, પહેલી વખત ગોળીઓને બદલે મીઠાઈની આપ-લે થઇ

સામાન્ય રીતે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની લેન્ડ બોર્ડર ઉપર જ કરવામાં આવતી હતી શુભેચ્છા મુલાકાત

Kutch Border : સીમા ઉપર રચાયો ઇતિહાસ, BSF અને પાક મરીન્સના જવાનો આવી ગયા આમને-સામને, પહેલી વખત ગોળીઓને બદલે મીઠાઈની આપ-લે થઇ
Kutch Border : સીમા ઉપર રચાયો ઇતિહાસ, BSF અને પાક મરીન્સના જવાનો આવી ગયા આમને-સામને, પહેલી વખત ગોળીઓને બદલે મીઠાઈની આપ-લે થઇ

WND Network.Gandhinagar (Gujarat) : ભારતની પાકિસ્તાન સાથેની ગુજરાત-કચ્છ (Kutch)ની આંતરરાષ્ટ્રીય સીમાએ ગુરુવારે એક અસાધારણ કહી શકાય તેવી ઘટના બની હતી. જેને લઈને આ ઘટનાની ઈન્ડો-પાક બોર્ડર (Indo-Pak Border)ના ઇતિહાસમાં નોંધ લેવામાં આવશે. અત્યાર સુધી સરહદી જિલ્લા કચ્છની ક્રીક સીમાએ એકબીજા સામે હથિયાર લઈને ગોળીબાર કરવા સામ-સામે આવી જતા ભારત અને પાકિસ્તાનના જવાનોને એકબીજાને મળીને મીઠાઈની આપ-લે કરી હતી. જી, હા બકરી ઈદના તહેવારને પગલે ભારત તરફથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન તરફથી સૌ પ્રથમ વખત પાકિસ્તાન મરીન્સના જવાનો વચ્ચે આ શુભેચ્છા મુલાકાત થઇ હતી. અત્યાર સુધીના બોર્ડરના ઇતિહાસમાં સામાન્ય રીતે લેન્ડ બોર્ડર ઉપર સીમા સુરક્ષા દળ (BSF) અને પાક રેંજર્સ (Pak Rangers) વચ્ચે જ આ પ્રકારની શુભેચ્છા મુલાકાત તેમજ મીઠાઈની આપ-લે કરવાનો વ્યવહાર ચાલુ હતો. પરંતુ આ વખતે સિર ક્રીક (Sir Creek)માં તૈનાત બીએસએફના જવાનો દ્વારા પાકિસ્તાનને મીઠાઈ આપવાનો નિર્ણય પહેલી વખત લેવામાં આવ્યો હતો. ક્રીક બોર્ડર ઉપરાંત ગુજરાત તેમજ રાજસ્થાનની રણ સીમાએ પણ આ પ્રકારે ઈદના તહેવાર નિમિત્તે મીઠાઈની બંને દેશ દ્વારા આપ-લે કરવામાં આવી હતી.

સૌ પ્રથમ વખત આ રીતે પાકિસ્તાન સાથે કચ્છની ક્રીક બોર્ડરે કરવામાં આવેલી શુભેચ્છા મુલાકાત અંગે ગુજરાત બીએસએફ ફ્રન્ટિયરના ચીફ ઈન્સ્પેક્ટર જનરલ (આઇજી) રવિ ગાંધી (IG Ravi Gandhi)એ જણાવ્યું હતું કે, અનેક કિલોમીટરમાં ફેલાયેલા કચ્છના સીમાવર્તી ક્રીક એરિયામાં બીએસએફના જવાનો દ્વારા ચુસ્ત દેખરેખ કરવામાં આવી રહી છે. સામે તરફ પાકિસ્તાનની હાજરી પણ છે. તેવામાં આ પ્રકારની શુભેચ્છા મુલાકાત બંને દેશ વચ્ચે એક અનોખી કહી શકાય તેવી શરૂઆત છે.    

ગુજરાત બીએસએફ દ્વારા સત્તાવાર આપવામાં આવેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે, કચ્છના ક્રીક એરિયામાં જી પીલરે બકરી ઈદના તહેવાર નિમિત્તે પાકિસ્તાનના મરીન્સના જવાનોને સૌ પ્રથમ વખત મીઠાઈ આપવામાં આવી હતી. તેમજ ઈદના આ પ્રસંગે ગુજરાત બીએસએફ ફ્રન્ટિયરના ક્ષેત્ર હેઠળ ગુજરાત રાજ્યની બોર્ડર તેમજ રાજસ્થાનની રણ સીમાએ બાડમેર,મુનાબાવ, ગર્નહાર, કેલનોર તેમજ સોમરારની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમાએ પાકિસ્તાન રેંજર્સને શુભેચ્છા આપીને મીઠાઈ આપવામાં આવી હતી.  

બંને દેશોના જવાનો બોર્ડર ઉપર મળવા માટે એકબીજાને કેવી રીતે બોલાવે છે ? :  સામાન્ય રીતે દર ત્રણ મહિને અથવા તો જયારે પણ જરૂર પડે ત્યારે ભારત અને પાકિસ્તાનના જવાનો એકબીજાને મળવા માટે ફ્લેગ મિટિંગનું આયોજન કરતા હોય છે. આ મીટીંગને ફ્લેગ મિટિંગ તરીકે ઓળખવા પાછળ પણ ફ્લેગ જવાબદાર છે. આમ તો દર ત્રણ મહિને ભારત તરફથી બીએસએફ અને પાકિસ્તાન તરફથી પાકિસ્તાન રેંજર્સના અધિકારીઓ દ્વારા મિટિંગ કરવામાં આવતી હોય છે. જેના માટે મિટિંગ પહેલા બંને દેશના જવાનો ઇન્ટરનેશનલ બોર્ડરે પિલર નજીક ઝીરો લાઈન ઉપર જઈને સફેદ ઝંડો લહેરાવમામાં આવે છે. જેને જોઈને બંને દેશ સમજી જાય છે કે, સીમા ઉપર મિંટિંગ કરવાની છે. આ પ્રકારની મિટિંગની સત્તા અને નિર્ણય લેવાનો પાવર જે તે એરિયામાં આવેલી બીએસએફની બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર દ્વારા લેવામાં આવતો હોય છે. જેને ગાંધીનગર અથવા દિલ્હીથી પૂર્વ મંજૂરી મળી હોય છે. ત્યારબાદ બંને તરફથી સફેદ ઝંડા સાથે જવાનો આમને-સામને આવે છે. અને શા માટે મિટિંગ કરવી છે તે કહેવામાં આવે છે. ભૂતકાળમાં જયારે બંને દેશ વચ્ચે સ્થિતિ તણાવભરી હોય ત્યારે આ પ્રકારની મિટિંગ યોજાતી નથી. મુંબઈ હુમલા સહિતની ઘણી ઘટનાઓ વખતે લાંબા સમય સુધી આ પ્રકારની ફ્લેગ મિટિંગ યોજાઈ ન હતી.  

નવનિયુક્ત ડીજી નીતિન અગ્રવાલે કચ્છના હરામીનાળાની મુલાકાત લીધી : 14મી જૂનના રોજ BSFના DG તરીકેનો ચાર્જ સાંભળી ચૂકેલા સિનિયર આઇપીએસ નીતિન અગ્રવાલ (IPS Nitin Agrwal) તેમની સૌ પ્રથમ મુલાકાતના ભાગરૂપે ગુજરાત- કચ્છ આવ્યા હતા. સૌ પ્રથમ ગાંધીનગર ખાતે સીમા સુરક્ષા દળના અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી તેઓ કચ્છની બોર્ડરની મુલાકાતે આવ્યા હતા. તેમણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી ક્રીક બોર્ડરની હરામીનાળા સહિતના બોર્ડર એરિયાની વિઝીટ કરી હતી. તેમની સાથે ગુજરાત બીએસએફ ફ્રન્ટિયરના ચીફ ઈન્સ્પેક્ટર જનરલ (આઇજી) રવિ ગાંધી ઉપરાંત પશ્ચિમી કમાન્ડના બીએસએફના સ્પેશ્યિલ ડીજી રામા શાસ્ત્રી પણ સાથે રહ્યા હતા.