Kutch : ચાર દિવસ પહેલા જ રેલવેના ટ્રેન બંધ કરવાના વિચાર્યા વિનાના નિર્ણયથી કરોડોનું નુકશાન, અનેક લોકો અટવાયા
કચ્છમાં વાવાઝોડાના સંભવિત લેન્ડફોલના ચાર દિવસ પહેલા ટ્રેન બંધ કરી દેવાના બેજવાબદાર નિર્ણય માટે કોણ જવાબદાર ?
WND Network.Bhuj (Kutch) : કચ્છ ઉપર વાવાઝોડાની અસર થાય કે લેન્ડફોલ થાય તેના ચાર દિવસ પહેલા જ ટ્રેન બંધ કરી દેવાના નિર્ણયથી કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. માત્ર એટલું જ નહીં પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ, કોઈપણ એડવાઈઝરી વિના લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો લોકો હાલ અટવાઈ ગયા છે. પશ્ચિમ રેલવેમાં, ખાસ કરીને અમદાવાદ ડિવિજનમાં કચ્છના કંડલા અને મુન્દ્રા બંદર સહિત લાખો કરોડો ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવે છે. જે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અધિકારીઓની જયારે મિટિંગ મળી હતી. જેમાં ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાની કોઈ જ પ્રકારની લેખિત સૂચના ન હતી. તેમ છતાં રેલવેના અધિકારીઓએ પોતાની ઉપર કોઈ જવાબદારી ન આવે અને ભવિષ્યમાં કોઈ જવાબ આપવો ન પડે તે આશયથી ટ્રેન બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકલ લેવલે ફિલ્ડમાં રહેલા અધિકારીઓએ જયારે આવો નિર્ણય કર્યો ત્યારે રેલવે બોર્ડમાં અને મંત્રાલયમાં બેઠેલા સિનિયર અધિકારીઓને પણ વાત માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
ટ્રેન બંધ કરવા માટે ભારતીય રેલવેમાં વર્ષોથી નિયમ - પ્રોટોકોલ બનેલા છે. જેમાં સ્પષ્ટ લખેલું છે કે, પવનની ઝડપ કયારે કેટલી હોય ત્યારે ટ્રેન કેવી રીતે ચલાવવી જોઈએ. તેમ છતાં સંભવિત વાવાઝોડું કચ્છમાં આવે તેના ચાર દિવસ પહેલા જ ટ્રેન બંધ કરી દેવાનો નિર્ણય બિલકુલ વ્યવહારુ ન હોવાનુ સાફ દેખાઈ રહ્યું છે.
રોજનું દસ કરોડનું નુકશાન થઈ રહ્યું છે : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજનમાં અંદાજે અઢી હજારથી પણ વધુ વેગન દ્વારા કાર્ગો હેન્ડલ કરવામાં આવે છે. રૂપિયામાં જોવા જઈએ તો રોજના દસેક કરોડની રેવન્યુ રેલવેએ ગુમાવી છે. રેવન્યુની સાથે સાથે કચ્છ સાથે સંકળાયેલા લાખો લોકો ટ્રેન વ્યવહાર બંધ થવાને કારણે અટવાઈ પડ્યા છે.