Rajkot TRP Game Zone : એક ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસેથી જો ત્રણ કરોડ રોકડા અને 22 કિલો સોનુ મળે તો કલ્પના કરો કે કમિશનર અને કલેક્ટર કેટલું કમાતા હશે ?

રાજકોટ કોર્પોરેશન સસ્પેન્ડેડ TPO સાગઠીયાની પ્રાયવેટ ઓફિસના લોકર્સમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ACB એ કબ્જે કર્યો, અગાઉ સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની સંપત્તિ મળી હતી, જે તેની આવકના 410 ટકા વધુ હતી

Rajkot TRP Game Zone : એક ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસેથી જો ત્રણ કરોડ રોકડા અને 22 કિલો સોનુ મળે તો કલ્પના કરો કે કમિશનર અને કલેક્ટર કેટલું કમાતા હશે ?

WND Netwrok.Rajkot : રાજકોટના અગ્નિકાંડ (Rajkot TRP Game Zone) ને પગલે એક તરફ જયાં સરકાર - તંત્ર કેટલી બેદરકારી દાખવે છે તેનો પુરાવો મળે છે ત્યાં બીજી તરફ સરકારી અધિકારીઓ અમે કર્મચારીઓ ભ્રષ્ટાચાર કેટલા ગળાડૂબ છે તેની પણ પોલ ખુલી છે. મંગળવારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટીપીઓ સાગઠીયાની પ્રાયવેટ ઓફિસના લોકર્સ ખોલવામાં આવ્યા હતા. જેમાંથી ACB ત્રણ કરોડ રૂપિયા રોકડા અને 22 કિલો સોના સહીત કુલ આશરે 18 કરોડનો મુદ્દામાલ મળી આવતા સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ હતી. તમે કલ્પના કરો કે, જો એક શહેરના TPO પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવતી હોય તો કમિશનર કે કલેક્ટર કેટલું કમાતા હશે ? અગાઉ  સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની સંપત્તિ મળી હતી, જે તેની આવકના 410 ટકા વધુ હતી. 

બધા કર્મચારીઓ કે અધિકારીઓ TPO સાગઠીયાની જેમ લાંચ લેતા હોય છે કે ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવું માની લેવું જરૂરી નથી, પરંતુ ગુજરાતમાં સામાન્ય લોકોની ઝીંદગી સામે ભાજપની સત્તામાં રૂપિયાનું, ભ્રષ્ટાચારનું ચલણ ભૂતકાળની સરકારો કરતા સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યું છે તેમાં કોઈ બે-મત નથી. સરકાર ભલે SITની તપાસ કે નાના અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીનું નાટક કરે પરંતુ હકીકત એ છે કે, રાજકોટના આ કાંડમાં મોટા માથાઓને બચાવમાં આવી રહ્યા છે.  ACBની ઓફિસિયલ પ્રેસમાં જણાવ્યા પ્રમાણે, 19મી જૂનના રોજ સાગઠીયા વિરુદ્ધ કરેલી ફરિયાદ બાદ તેમની સંપત્તિની તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ 10.55 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી હતી, જે તેની આવકના 410 ટકા વધુ હતી. ત્યારબાદ તેમની રાજકોટ શહેરમાં આવેલી ખાનગી ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. આ સીલ કરેલી ઓફિસમાં પોલીસને સાથે રાખીને સર્ચ કરવામાં આવતા કરોડો રૂપિયાનો બેનામી દલ્લો મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

સસ્પેન્ડેડ સાગઠીયાની ઓફિસમાંથી ACBની તપાસમાં પંદર કરોડની કિંમતના સોનાના દાગીના અને બિસ્કિટ સહીત ઘરેણાં, રોકડા ત્રણ કરોડ રૂપિયા, બે લાખનો ચાંદીનો મુદ્દામાલ, સાડા આઠ લાખની ડાયમંડની જવેલરી, 1.82 લાખની વિદેશી કરન્સી અને સોનાના પટ્ટાવાળી બે કાંડા ઘડિયાળ સહીત એક લાખની કુલ છ વોચ મળી આવી હતી. આ બધી વસ્તુઓ જેમ બેન્કના લોકરમાં રાખવામાં આવે તેમ સાગઠીયાએ તેમની ઓફિસમાં જુદા જુદા લોકરમાં રાખી હતી. 

કરોડોની કમાણીમાંથી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં બે આલીશાન બંગલા સહીત પેટ્રોલ પમ્પ ધરાવે છે આ સ'ગઠિયા' : TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમને ભાજપની રાજ્ય સરકારે માત્ર ચાર ચાર વળતર તરીકે આપ્યા છે. જયારે આ ઘટનામાં જવાબદાર આરોપીઓની મિલકત જોઈએ તો એમ થાય કે, સરકારે તેમની મજાક કરી છે. ખુદ વિપક્ષ કોંગ્રેસ પણ આ પ્રકારનો આક્ષેપ કરી ચુકી ચુક્યો છે. માત્ર આ TPO ગઠિયાની જ વાત કરીએ તો તેણે બેનામી આવકમાંથી અમદાવાદમાં આવેલા અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં કરોડો રૂપિયાના બે આલીશાન બંગ્લોઝ ખરીદ્યા છે. આ સિવાય પેટ્રોલ પમ્પ, ફેમિલી મેમ્બરના નામે સંપત્તિ વગેરેનો હિસાબ કરવા જઈએ તો આંકડો કરોડો રૂપિયાને આંબી જાય છે. આ માત્ર એક આરોપીની સંપત્તિની વાત છે. હજુ બીજા આરોપીઓનું તો બહાર આવ્યું જ નથી.  

જમીનો અને ખાણ ખનીજ સહિતના વિભાગો ભ્રષ્ટ બાબુઓ માટે રૂપિયાની ટંકશાળ : ગુજરાતનો એક પણ જિલ્લો કે શહેર એવું નથી જેને માટે કોઈ માઈનો લાલ છાતી ઠોકીને દાવો કરી શકે કે, ત્યાં પ્રસાદી ચઢાવ્યા સિવાય કામ થતા હોય. તાજેતરમાં કચ્છમાં એક અખબારે તો કલેક્ટર કચેરીમાં કરવામાં આવતા કામોના ભાવનું લિસ્ટ બહાર પાડ્યું હતું. જેમાં જમીન NA કરવાથી લઈને વિવિધ કામો માટે કેટલા રૂપિયા સરકારી કર્મચારીઓ અને બાબુઓને આપવા પડતા હોય છે તેની વિગતો હતી. ગુજરાતના દરિયા કિનારે એક જિલ્લાના કલેક્ટર તો એટલે હોંશિયાર છે કે, પહેલા પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરીમાં જાતે જાય અને પાછળથી ત્યાં દર મહિને 'સાલિયાણું' સેટ કરતા આવે. ગાંધીનગર હોય કે સુરત, રાજ્યનો એક જિલ્લો કે શહેર એવો નથી જયાં જમીનથી લઈને ખાણ ખનીજ, પુરવઠા, લાયસન્સ, DILR, પોલીસ થકી કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનો અંડર ટેબલ વ્યવહાર ન થતો હોય. કચ્છના સોપારી કાંડમાં તો સોપારી છોડવાના પાંચ કરોડ રૂપિયા પોલીસે લીધા હતા. આવી તો કેટલીયે સોપારી આવી ગઈ અને હજુ આવે છે. નાના TPO લેવલના સાગઠીયા જો કરોડોમાં આળોટતો હોય તો કલ્પના કરો કે IAS કે IPS કેટલું કરતા હશે ? અને તેમને ફિલ્ડમાં ગોઠવનાર સચિવાલયમાં કેટલું ચાલતું હશે ? 

ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની માત્ર વાતો જ થાય છે, રૂપિયા આપ્યા સિવાય કોઈ કામ થતા નથી : ભાજપે તેની સત્તાના બે દાયકાથી વધુના સમયમાં અવનવા નારા, સ્લોગન જ આપ્યા છે. જેમાં એક નારો ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પણ છે. પરંતુ હકીકતમાં જિલ્લા કે શહેરથી લઈને ગાંધીનગર સુધી કોઈપણ સરકારી કચેરી કે વિભાગમાં રૂપિયા આપ્યા સિવાય કોઈ જ કામ થતા નથી. અરે, ખુદ ભાજપના લોકોને પણ રૂપિયા આપીને કામ કઢાવવા પડે છે. કારણ કે સરકારી અધિકારી અને કર્મચારી પણ લાખો રૂપિયા આપીને મનગમતું ટેબલ - પોસ્ટિંગ મેળવેલું હોય છે. એટલે તેને પણ રૂપિયા કયાંકથી તો વસૂલવાના ને ?