Controversy of MP from Kutch being originally a Congressman : શું ખરેખર કચ્છના સાંસદ વિનોદ ચાવડા કોંગ્રેસી ગોત્ર ઘરાવે છે ? જિલ્લા ભાજપ પ્રમુખના અખબારી ખુલાસાથી કોંગ્રેસી કુળનો મુદ્દો ચર્ચામાં આવ્યો

કોંગ્રેસનો મજબૂત દાવો, ભાજપમાંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા MP વિનોદ ચાવડા નખત્રણા યુવા કોંગ્રેસમાં સંગઠન મંત્રી હતા, કોલેજકાળમાં છાત્ર નેતા તરીકે NSUIથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલી, ચાવડા પ્રતિક્રિયા માટે Not Reachable !

Controversy of MP from Kutch being originally a Congressman : શું ખરેખર કચ્છના સાંસદ વિનોદ ચાવડા કોંગ્રેસી ગોત્ર ઘરાવે છે ? જિલ્લા ભાજપ પ્રમુખના અખબારી ખુલાસાથી કોંગ્રેસી કુળનો મુદ્દો ચર્ચામાં આવ્યો

WND Network.Bhuj (Kutch) : કોંગ્રેસના નેતાઓ માટેનો ભાજપનો ભરતી મેળો હજુ ચાલુ છે ત્યારે, કોંગ્રેસી કુળના સમાચાર રૂપી મેણાંથી વ્યથિત જિલ્લા ભાજપ પ્રમુખના એક અખબારી ખુલાસાથી કચ્છના ઠંડાં અને શુષ્ક ચૂંટણી વાતાવરણે ઓચિંતી ગરમી પકડી લીધી છે. ચૂંટણી ટાણે કોંગ્રેસમાંથી વટલાઈને ભાજપનું ઘર માંડતાં નેતાઓની એન્ટ્રી વચ્ચે દેશને 'કોંગ્રેસ મુક્ત' કરવાનો દાવો કરતો ભાજપ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. તેવામાં કચ્છના એક જિલ્લા કક્ષાના છાપાના ન્યૂઝ અહેવાલનું ખંડન કરવાની લ્હાયમાં કચ્છ ભાજપના પ્રમુખ ભેખડે ભરાઈ ગયા છે. ભાજપના આ ખુલાસાને પગલે જેમને સતત ત્રીજી વખત ટિકિટ મળી છે તેવા હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડાનો કોંગ્રેસી ગોત્રનો વિવાદ વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના જિલ્લા પ્રમુખે ન્યૂઝ રિપોર્ટને પડકારતા એવો દાવો કર્યો છે કે, કચ્છના ચાલુ MP વિનોદ ચાવડા મૂળ ભાજપના જ છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા એવો મજબૂત દાવો કરવામાં આવી રહ્યો છે કે, કચ્છના સાંસદ ચાવડા મૂળ કોંગેસી કુળના છે. 

સમગ્ર વિવાદની શરૂઆત કચ્છના એક જિલ્લા કક્ષાના છાપામાં આવેલા મંગળવારે પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ રિપોર્ટથી થાય છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને પોતાના ગોત્ર સાથે જ સ્પર્ધા છે. આ ન્યૂઝમાં કચ્છ સહિતની લોકસભાની સાત અને વિધાનસભા માટેની પેટા ચૂંટણીની ચાર બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલા અન્ય ઉમેદવારોની સાથે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો છેડો, ગોત્ર કોંગ્રેસનું હોવાનું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. આ ન્યૂઝ આમ તો જિલ્લા કક્ષાના અખબારમાં અંદરના પાને છપાયા હતા હતા. એટલે લોકોને તે દિવસે એટલો ખ્યાલ આવ્યો ન હતો. પરંતુ કચ્છ ભાજપના પ્રમુખનો અખબારી ખુલાસો જયારે આ જ છાપામાં ગુરુવારે પ્રસિદ્ધ થયો કે, વિનોદ ચાવડા વિદ્યાર્થી કાળથી ભાજપ સાથે છે, અને ત્યારે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. 

એવું નથી કે, આવું પહેલી વખત થયું છે. અગાઉ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી ટાણે તેમજ હમણાં પણ સ્ટેટ લેવલના એક જાણીતા ગુજરાતી અખબાર 'સંદેશ'માં પણ ચાવડાના કોંગ્રેસી કુળનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. માત્ર ગુજરાતી અખબાર જ નહીં પરંતુ ઇકોનોમિક ટાઈમ્સ નામના ન્યૂઝ પેપરમાં પણ PTI ન્યૂઝ એજન્સીના હવાલાથી વર્ષ 2014માં આ પ્રકારનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એમાં તો કચ્છના હાલના ચાલુ સાંસદ વિનોદ ચાવડા માટે એવું કહેવાયું હતું કે, તેઓ 2010 સુધી કોંગ્રેસ સાથે રાજકીય રીતે જોડાયેલા હતા. ચાવડાએ વિદ્યાર્થી નેતા તરીકે કોંગ્રેસની છાત્ર શાખા NSUIમાં પોલિટિકલ કરિયર સ્ટાર્ટ કર્યું હતું. તેઓ યુથ કોંગ્રેસમાં હોવાનો પણ ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટમાં ઉલ્લેખ થયેલો છે. પરંતુ ત્યારે કચ્છ ભાજપ કે ખુદ વિનોદ ચાવડાએ તેનો વાંધો લીધો ન હતો, ખુલાસો કર્યો ન હતો.  

ચાવડાના કોંગ્રસી ગોત્ર અંગે કોણે શું કહ્યું ? : આ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પણ હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું ખરેખર ચાવડા કોંગેસી હતા કે કેમ ? જેમાં સૌથી પહેલા જેમની ચર્ચા થાય છે તે વિનોદ ચાવડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી પ્રચારની મોસમમાં પણ તેઓ મળી શક્યા ન હતા. એટલે તેમને વોસ્ટએપ તેમજ SMS દવારા તેમાં કોંગ્રેસી ગોત્રની જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો ત્યાં સુધી તેમના તરફથી કોઈ જ જવાબ મળ્યો ન હતો. 

વિનોદ ચાવડા જયારે કોંગ્રેસમાં હતા તે સમયના કચ્છ કોંગ્રેસના યુવા પાંખના પ્રમુખ શ્રવણ સિંહ વાઘેલાનો પણ આ મુદ્દે સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતે જ કોંગ્રેસમાંથી ભાજપમાં વટલાઈ આવેલા વાઘેલાએ 'હું તમને ઓળખતો નથી એટલે કાંઈ નહીં કહું' એમ કહીને સમગ્ર મામલે વિવાદમાં પડવાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. 

ત્યારબાદ આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડૉ. અમિત નાયકે તો છાતી ઠોકીને કહ્યું કે, વિનોદ ચાવડા મૂળ કોંગ્રેસી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એ સ્વીકારતા નથી એ અલગ વાત છે. ડૉ. નાયકે તો આ અંગે ઓપન ચેલેન્જ પણ ફેંકી કે, જો ભાજપમાં દમ હોય તો કોંગ્રેસ આ મામલે ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર છે. 

નખત્રણા તાલુકા કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું કે, તેમના સમયગાળા દરમિયાન વિનોદભાઈ ચાવડા યુવા કોંગ્રેસના અબડાસા વિધાનસભા બેઠક ક્ષેત્રના સંગઠન મંત્રી હતા. આવું જ કોંગ્રેસના ભુજના એક અન્ય સિનિયર નેતા ઘનશ્યામસિંહ ભાટીએ પણ કહ્યું હતું.  ભાટીએ 'વેબ ન્યૂઝ દુનિયા'ને કહ્યું કે, તેઓ (ભાટી) જયારે જિલ્લા લેવલે યુથ કોંગ્રેસમાં હતા ત્યારે વિનોદભાઈ નખત્રણામાં તાલુકા પંચાયત માટેની બેઠક માટે કોંગ્રેસની ટિકિટ પણ લેવા આવ્યા હતા. નખત્રણા તાલુકા કોંગ્રેસના બુઝુર્ગ નેતા મમુભાઈ આહીરથી લઈને લગભગ મોટાભાગના વરિષ્ઠ કોંગ્રેસીઓએ ચાવડાના કોંગ્રેસી કુળના વિવાદમાં સ્પષ્ટ કહ્યું કે, તેઓ કૉંગેસમાંથી ભાજપમાં ગયેલા છે. અલબત્ત તે વખતે સોસીયલ મીડિયાનું એટલું ચલણ ન હતું અને તાલુકા કક્ષાએ રાજકીય રીતે વટલાઈ જવાની વાતને એટલું મહત્વ પણ ન હતું જેટલું આજે છે. 

'એ ન્યૂઝ અમે (ભુજથી) નથી લખ્યા પણ અમદાવાદથી આવ્યા હતા' છાપાએ પોતાના જ પત્રકારને ખોટા સાબિત કર્યા ! : રાજકીય વ્યક્તિને 'સાચવવા'ની લ્હાયમાં કચ્છના જિલ્લા કક્ષાના આ છાપાએ સમગ્ર મામલામાં પોતાના જ અમદાવાદના સિનિયર પત્રકાર ઋષિકેશ વ્યાસ ને ખોટા સાબિત કરી દીધા હતા. છાપામાં છપાયેલા ખુલાસામાં 'આ ન્યૂઝ અમે (ભુજથી નહીં એમ ) પણ અમદાવાદ ઓફિસથી લખવામાં આવ્યા છે' તેવું જણાવીને અખબારે જાતે વિનોદ ચાવડાને ક્લીન ચીટ આપી દીધી હતી. ખુલાસામાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ચાવડાએ તેમની રાજકીય કારકિર્દી ભાજપના યુવા મોરચાથી કરી હતી. પીળા પત્રકારત્વથી દૂર ભેખધારી પત્રકારત્વ કરતા હોવાનો દાવો કરતા અખબારે આવું કરીને પોતાની વર્ષો જૂની અખબારી શાખને દાવ ઉપર લગાડી દીધી હતી.