Kutch : પોલિસે જ પોલીસનું અપહરણ કર્યું ? 'ઠંડા' પડી ગયેલા કરોડો રૂપિયાના સોપારી તોડકાંડ કેસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરે અંજાર પોલીસ - LCB વિરુદ્ધ લગાવ્યા ગંભીર આક્ષેપ
ખુબ જ ચર્ચાસ્પદ રહેલા સોપારી તોડકાંડના કેસમાં હજુ પણ બે આરોપી પોલીસ કર્મચારી પકડાયા નથી, તાજેતરમાં જ મુખ્ય આરોપી પોલીસ કર્મચારી કિરીટસિંહને પણ જામીન મળી જતા જેલ બહાર
WND Network.Bhuj (Kutch) : ઘણા મહિનાઓથી 'ઠંડા' પડી ગયેલા કચ્છના બહુ ચર્ચાસ્પદ કરોડો રૂપિયાના સોપારી તોડકાંડ કેસમાં અજીબ પ્રકારનો ટવિસ્ટ આવતા સમગ્ર પ્રકરણમાં 'જીવ' આવ્યો છે. આ કેસમાં આરોપી અને જામીન ઉપર મુક્ત થયેલા અંજારમાં રહેતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) એ પોતાના જ અપહરણ પાછળ અન્ય કોઈ નહીં પરંતુ અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઉપર આક્ષેપ કરીને કાયદેસરની કાર્યવાહી કહેવા માટેની રજૂઆત કરી છે. અંજારમાં પરિવાર સાથે રહેતા આ ASI એ તેમને ઓક્ટોબર, 2023માં મધરાતે કિડનેપ કરવામાં આવ્યા બાદ તેમની ઉપર કરોડો રૂપિયાના સોપારી તોડકાંડ પ્રકરણમાં ગુન્હો નોંધવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલા જ તેમણે પૂર્વ કચ્છ પોલીસ બેડાના અંજાર પોલીસ સ્ટેશનમાં આ અંગેની લેખિત ફરિયાદ કરી છે. તત્કાલીન રેન્જ આઇજી જશવન્ત આર. મોથાલિયાની અમદાવાદ રેન્જમાં ટ્રાન્સફર થઈ ગયા બાદ આ કેસ ઠંડો પડી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હતું તેવામાં જ પોલીસે જ પોલીસનું અપહરણ કર્યું હોવાની ફરિયાદને કરોડો રૂપિયાનો સોપારી તોડકાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હજુ આ કેસમાં પોલીસ તેમના જ ડિપાટર્મેન્ટના બે આરોપી પોલીસ કર્મચારીને પકડી શકી નથી. તેવામાં અપહરણની ફરિયાદથી કેસમાં વધુ એક વખત જોરદાર ટર્ન આવ્યો છે.
અંજારમાં રહેતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) રાજેન્દ્રસિંહ બલવંતસિંહ ઝાલાએ અંજાર પોલીસને તા.14મી સપ્ટેમ્બર,2024ના રોજ ક્રિમિનલ પ્રોસિઝર કોડ (Cr PC)ની કલામ 154 હેઠળ અંજાર પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. ASI ઝાલાએ તેમની આ લેખિત ફરિયાદમાં એવો દાવો કર્યો છે કે, તેમની ધરપકડ કરવામાં આવી તે પહેલા જ અંજાર પોલીસના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સીસોદીયા તેમજ તેમના સ્ટાફ દ્વારા તેમનું કોઈપણ ગુન્હા કે ફરિયાદ વિના અપહરણ કરીને તેમને ગોંધી રાખ્યા હતા. અપહરણની ઘટના બાદ તેમની વિરુદ્ધ સોપારી કાંડમાં સંદર્ભે ગુન્હો દાખલ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે જયારે તેઓ જામીન મુક્ત થઈને બહાર આવ્યા છે એટલે તેમણે ઓક્ટોબર,20232માં અપહરણની ઘટના અંગે ગુન્હો નોંધવા માટે લેખિતમાં અરજી કરી છે.
મધરાતે અઢી વાગે પોલીસ ઘરે આવી અને કહ્યું કે 'તમને ઉપાડી જવાનો ઉપરથી હુકમ છે' : પોલીસને કરેલી ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નવમી ઓક્ટોબર,2023ની મધરાતે અઢી વાગે અંજાર પોલીસના તત્કાલિન ઇન્સ્પેકટર એસ.ડી.સીસોદીયા તેમના સ્ટાફ સાથે ઘરે આવ્યા હતા. ઘરની બારી ખખડાવીને તેમને ઉઠાડવામાં આવ્યા હતા. અડધી રાતે પોતાના જ પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને જોઈને તેમણે પૂછ્યું કે, શા માટે મધરાતે રાતે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે ? તો જવાબમાં તત્કાલીન પીઆઇ સીસોદીયાએ કહું હાટ કે, અમે તમને ઉપાડવા આવ્યા છીએ. કોઈપણ ફરિયાદ કે ગુન્હા વગર તેમને પોલીસના વાહનમાં પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ ગાંધીધામ LCBની ઓફિસમાં પણ તેમણે પૂછ્યું તો તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, કંઈજ પૂછવાનું નથી. અમને ઉપરથી હુકમ છે એટલે તમને અહીં લાવવામાં આવ્યા છે. એમ કહીને આખી રાત તેમને LCBમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા.
બીજા દિવસે દસમી ઓક્ટોબરના સવારે તેમને LCBનો સ્ટાફ ખાનગી વાહનમાં બેસાડીને પાલનપુર લઇ જવા માટે ચિત્રોડ સુધી આવ્યા હતા. ચિત્રોડથી તેમને બીજી ખાનગી કારમાં બેસાડીને પાલનપુર ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષક ગામિતની કચેરીએ લઇ જવામાં આવ્યા હતા. Dy SP ગામિતે દિવસ દરમિયાન LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને રાતે ફરી ગાંધીધામ LCBની કચેરીએ લઈ આવ્યા હતા. દસમીની આખી રાત અને અગિયારમીએ પણ તેમને LCBની ઓફિસમાં ગેરકાયદે ગોંધી રાખ્યા બાદ તેમને મળવા માટે થરાદના ડેપ્યુટી એસપી એસ.એમ.વારોતરિયા LCBની કચેરીએ આવે છે. ડીવાયએસપી વારોતરિયા તેમને મુન્દ્રાના કેસ અંગેની નોટિસ આપીને જતા રહે છે. નોટિસ આપ્યા પછી પણ તેમને છોડવામાં આવતા નથી. દરમિયાન અગિયારમીની રાતે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમને ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય વચ્ચે તેમના પુત્રો અને પરિવારજનો હોસ્પિટલમાં આવી જાય છે. અને તેમને પછી ખબર પડે છે કે, મુન્દ્રામાં તેમની વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મતલબ કે, ગુન્હો દાખલ થયા પહેલા જ તેમનું પોલીસે અપહરણ કરી લીધું હતું.
વિવાદ અને ઇન્સપેકકટર શૈલેન્દ્ર સીસોદીયા, સિક્કાની બે બાજુ : અપહરણની ઘટનામાં ASIના ઘરે જઈને તેમને ઉઠાવી અપહરણ કરવાના મામલામાં અંજારના તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર સિસોદીયાનું નામ આવ્યું છે. એવું નથી કે પીઆઇ સીસોદીયા પહેલી વખત આ રીતે ચર્ચામાં આવ્યા છે. દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ઈલેક્ટોરલ બોન્ડના કેસમાં છેતરપિંડીની પણ તપાસ અંજારના તત્કાલિન ઇન્સ્પેક્ટર સીસોદીયા પાસે હતી. એક મહિલા પત્રકાર સાથે અસભ્ય વર્તનને મામલે પણ સિસોદીયાની વિરુદ્ધ રજૂઆત થઈ હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એક કેસ સંદર્ભે કોર્ટ દ્વારા સિસોદીયાને મુદ્દતમાં હાજર ન રહેવા અંગે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સિસોદિયાએ કોર્ટને કહી દીધું હતું કે, આટલા બધા કિલોમીટરની મુસાફરીને કરીને કોર્ટમાં હાજર રહેવું તેના માટે મુશ્કેલ છે. આમ કેસ કે ઘટના કોઈપણ હોય પરંતુ સીસોદીયાના નામની સાથે સાથે વિવાદ પણ જોડે જ રહે છે.
પોતાના જ કર્મચારીનું અપહરણ કર્યા પછી પોલીસ 'ઉપર' કોની સાથે વાતો કરતી હતી ? : પોલીસ કોન્સ્ટેબલથી લઈને સિનિયર IPS સહિતના લોકોને સંડોવતા કરોડો રૂપિયાનું સોપારી તોડકાંડ પહેલાથી રહસ્યમય રહ્યું છે. અંજારમાં રહેતા ASIનું મધરાતે કોઈપણ ગુન્હા કે કેસ વગર અપહરણ કર્યા પછી પોલીસ અધિકારીઓ એમ કહેતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે કે, ઉપરથી કહેવામાં આવ્યું છે. આ ઉપરવાળો કોણ અને સતત પોલીસ અધિકારીઓને મોબાઈલ ફોન ઉપર કોણ માર્ગદર્શન આપી રહ્યું હતું તે પણ એક મોટું રહસ્ય છે. સાતેક લોકો આ કેસમાં આરોપી છે. જેમાંથી હજુ બે આરોપી એવા પોલીસ કર્મચારી પકડાયા નથી. મુખ્ય આરોપી એવા કિરીટસિંહ પણ જામીન ઉપર બહાર આવી ગયા છે. તેવામાં આ કાંડ પાછળ કોણ કરોડો રૂપિયા ખાઈ ગયું તે પણ જાણી શકાયું નથી. સૌથી વધુ ચોંકાવનારી વાત તો ત્યારે બની હતી જયારે એક આરોપી પોલીસ કર્મચારીની પત્નીએ કોર્ટમાં અને ગુજરાતના DGP સમક્ષ બોર્ડર રેન્જના આઇજી IPS જે.આર.મોથાલિયા ઉર્ફે જશવન્ત મોથાલિયા સામે પણ ગંભીર આક્ષેપ કાર્ય કરતા. અલબત્ત એ વાત અલગ છે કે, ત્યારબાદ ગુજરાતની સરકારે તેમને બોર્ડર રેન્જ,ભુજથી ખસેડીને મહત્વપૂર્ણ માનવામાં આવતી અમદાવાદ રેન્જમાં મુખ્ય હતા. IPS મોથાલિયાની ઇમેજ આમ તો સાફ છે પરંતુ સોપારી કાંડમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું એ પણ હકીકત છે. IPS મોથાલિયા વિરુદ્ધ CMO અને DGP સમક્ષ હેરાનગતીની ફરિયાદ કરેલી છે. જેને પગલે DGP એ સમગ્ર મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમના IG સુભાષ ત્રિવેદીને સોંપી હતી.