Kutch Breaking : કચ્છનાં અંજાર તાલુકાના હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયાં, ચારના મોત, ભેંસને બહાર કાઢવા જતાં એક પછી એક તળાવમાં ગરકારવ થઈ ગયા
બપોરે બનેલી દુર્ઘટનામાં જયારે સાંજે ચાર બાળકોના મૃતદેહ તળાવના પાણી ઉપર જોવા મળ્યા ત્યારે ગ્રામજનોને ખબર પડી કે બાળકો ડૂબી ગયા છે
WND Network.Anjar (Kutch) : કચ્છ (Kutch)માં આજે શનિવારે બપોરે સર્જાયેલી દુર્ઘટનામાં અંજાર (Anjar) તાલુકાના ધમડકાના સીમાડે આવેલી હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયાં હતા. જેમાંથી ચાર બાળકોના મૃતદેહ તળાવના પાણીમાં બહાર આવતા સમગ્ર ઘટનાની ગ્રામજનોને આ કરુણાંતિકા અંગે જાણ થઇ હતી. સૂત્રોનું માનીએ તો ભેંસને બહાર કાઢવા જતાં આ બાળકો એક પછી એક તળાવમાં ગરકારવ થઈ ગયા. તમામ બાળકોની ઉંમર આઠથી 14 વર્ષની હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રો તરફથી મળેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, અંજાર તાલુકાના ભવાનીપર તરફ જતાં રોડ પર આવેલા તળાવમાં માલધારી હિંગોરજા પરિવારના બાળકો આ તળાવમાં ડૂબી ગયા હતા. પાણીમાં ફસાઈ ગયેલી ભેંસને બહાર કાઢવા જતાં એક પછી એક બાળકો તળાવમાં ડૂબી ગયાં હતા. સાંજે ચાર વાગ્યાની આસપાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી મળી વિગતો મુજબ, આઠ વર્ષના ઇસ્માઇલ સાલાર, અગિયાર વર્ષના ઉમર અબ્દુલ રહેમાન, નવ વર્ષનો અલફાજ હિંગોરજા અને 14 વર્ષના મુસ્તાક હિંગોરજા નામના બાળકની લાશ મળી આવી હતી. જયારે 11 વર્ષનો તાહીદ હિંગોરજા હજુ પણ લાપતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પવિત્ર રમજાન મહિના દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથક સહીત કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Web News Duniya