Kutch : ભુજના BSF હેડ ક્વાર્ટરમાં કામ કરતો CPWDનો હંગામી પટાવાળો જાસૂસી કરતા ATSના હાથે ઝડપાયો, ISIના એજન્ટે અદિતિ બનીને હનીટ્રેપ કર્યો હતો...

ટેક્નિકલ સર્વેલન્સને આધારે ચાંપતી નજર રાખ્યા બાદ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો

Kutch : ભુજના BSF હેડ ક્વાર્ટરમાં કામ કરતો CPWDનો હંગામી પટાવાળો  જાસૂસી કરતા ATSના હાથે ઝડપાયો, ISIના એજન્ટે  અદિતિ બનીને હનીટ્રેપ કર્યો હતો...

WND Network.Bhuj (Kutch) : છેલ્લા છ મહિનાથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના કચ્છના  ખાતે આવેલા સેક્ટર હેડ ક્વાર્ટર (SHQ)માં જાસૂસી કરી રહેલા ભુજના એક યુવાનને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કોડ (ATS) દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. ભુજના કોડકી રોડ ઉપર આવેલા સેક્ટર હેડ ક્વાર્ટરમાં આ યુવાન કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD)ના ઇલેક્ટ્રિકલ વિભાગમાં હંગામી પ્યુન તરીકે ફરજ બજાવી રહ્યો હતો. વોટ્સએપ મારફતે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIના એક એજન્ટ દ્વારા અદિતિ નામની યુવતીનું એકાઉન્ટ બનાવીને તેને ફસાવ્યો હતો. ISI દ્વારા હનીટ્રેપ થઈ ગયેલા યુવાને બોર્ડર ઉપર CPWDના નેજા હેઠળ ચાલતા સંવેદનશીલ કામોની વિગતો તેમજ ફોટા સામે પાર પાકિસ્તાનમાં અદિતિ બની બેઠેલા ISIના હેન્ડરને અપાઈ હતી. ઘણા દિવસથી તેની ઉપર નજર રાખવામાં આવી હતી. અને જયારે તેને પકડવા માટે પૂરતા પુરાવા હાથ લાગતા જ તેને ગુજરાત ATS દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. ભુજના આ યુવાનને આજે શનિવારે ભુજની કોર્ટમાં રજુ કરીને તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તેના દસ દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. ATS સહિતની ભારતની કચ્છ સ્થિત વિવિધ ઇન્ટેલિજન્સ દ્વારા હવે તેની પૂછપરછ કરવામાં આવશે.

ગુજરાત ATS તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર વિગતો પ્રમાણે, ભુજમાં રહેતો નિલેશ બાલીયા નામનો યુવાન કેન્દ્ર સરકારના CPWD વિભાગમાં હંગામી ધોરણે પટાવાળા તરીકે કામ કરે છે. તે ભુજમાં બીએસએફના યુનિટમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. છેલ્લા કેટલાક મહિનાથી તેની વર્તણુંક શંકાના દાયરામાં આવતા તેનું ટેક્નિકલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું. જેમાં તે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના એજન્ટના અદિતિ નામની યુવતીના સોસીયલ એકાઉન્ટ ઉપર ચેટ કરતો હતો. અને છેલ્લા છ મહિના દરમિયાન તેણે કચ્છના ડિફેન્સ ઈન્સ્ટોલેશન સંબંધી કેટલીક ગુપ્ત માહિતી તેમજ ફોટો વોટ્સએપ મારફતે મોકલ્યા હતા. જેના માટે તેને 28 હજાર જેટલું પેમેન્ટ પણ ઓનલાઇન કરવામાં આવ્યું હતું. પૂરતા સબૂત હાથ લાગતા જ તેને પકડી લેવામાં આવ્યો હતો. અને તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા બીએસએફનો જવાન જાસૂસી કરતા પકડાયો હતો : બોર્ડર એરિયા કચ્છમાં દુશ્મન દેશ માટે જાસૂસી કરતા લોકોને ઝડપી લેવા માટે કાઉન્ટર ઇન્ટેલિજન્સ સિસ્ટમ કાર્યરત છે. જેને પગલે કોઈપણ વ્યક્તિ જો આવી હરકત કરે તો વહેલા મોડો પકડાય જરૂર જાય છે. ભૂતકાળમાં ગાંધીધામમાં આવેલા બીએસએફના યુનિટમાં એક જવાન જાસૂસી કરી રહ્યો હતો. આ હકીકત ધ્યાનમાં આવતા જ તેને ટ્રેનિંગના બહાને ભુજ મોકલીને પાછળથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.