Gujarat BJP : ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર ? કચ્છમાંથી બે નેતાનાં રાજીનામા લેવાઈ ગયા હોવાની ચર્ચાથી ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણ
પ્રદીપસિંહ વાઘેલાના પત્રિકા કાંડ ઉપરાંત ગૃહ વિભાગ અને પોલીસનો દુરુપયોગ ભાજપના નેતાઓને ભારે પડી શકે છે

WND Network.Gandhinagar : ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પત્રિકા કાંડ બાદ રાજ્યના ભાજપના સંગઠનમાં ફેરફાર થવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. તેવામાં પાટનગર ગાંધીનગર કમલમથી લઈને સરહદી જિલ્લા કચ્છ સુધી એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, રાજ્ય તેમજ જિલ્લા સ્તરે મોટા ફેરફાર થઈ શકે છે. જેમાં બે નેતાનાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. અને ગમે તે ઘડીએ તેની જાહેરાત પણ થઈ શકે છે. હકીકતમાં રાજીનામા અંગેનો નિર્ણય તો પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા સાથે જ લેવામાં આવી ગયો હતો. ભાજપ તેની સ્ટાઈલ મુજબ વિવાદ વધુ વણસે નહીં અને વધુ કોઈ હોબાળો ન થાય તે માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું હતું. જેમનાં રાજીનામા લેવામાં આવી ચૂક્યા છે તેમાં અન્ય નેતાની સાથે કચ્છનાં બે નેતાનું નામ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પત્રિકા કાંડ બાદ પ્રદીપસિંહ વાઘેલા સાથે વ્યવસાયિક સંબંધ ધરાવતા ભાજપના નેતાઓ અને કાર્યકરોની સંગઠન લેવલે તપાસ કરવામાં આવી હતી. જેમાં વાઘેલાનું કચ્છ કનેક્શન પણ નીકળ્યું હતું. અને તે સંદર્ભે કચ્છના ભાજપના નેતાઓનો આર્થિક વિકાસ પણ ચકાસવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, પૂરતી તપાસ તેમજ દિલ્હીથી મળેલી સૂચનાને પગલે રાજીનામા અંગેનો પત્ર મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં ત્રણ દિવસ માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી તે દરમિયાન અથવા તો ગમે ત્યારે આ ફેરફાર અંગેનો ખુલાસો થઈ શકે છે. અલબત્ત આ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી.
કચ્છમાંથી કયા બે નેતા હોય શકે છે ? : લાંબા સમયથી ગુજરાત ભાજપમાં મોટાપાયે ઉથલ પાથલ ચાલી તો રહી છે પણ બધુ બરાબર હોવાનો ભાજપ સંગઠન ડોળ કરી રહ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાના પત્રિકા કાંડ બાદ કચ્છમાં ભાજપના નેતાઓની પણ પ્રદેશ તેમજ દિલ્હીથી નોંધ લેવામાં આવી હતી. અને જયારે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ ભુજની મુલાકાતે આવ્યા ત્યારે તેની અસર પણ જોવા મળી રહી હતી. બે દિવસની અમિત શાહની કચ્છ મુલાકાત દરમિયાન કચ્છના સાંસદ વિનોદ ચાવડા જે ગુજરાત ભાજપના મહામંત્રી પણ છે તેઓને દૂર રાખવામાં આવ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. તેવી જ રીતે કચ્છ ભાજપના મહામંત્રી અને પૂર્વ સ્પીકર નીમાબેન આચાર્યના ભત્રીજા ધવલ આચાર્યના ભુજમાં મધરાતે સર્કિટ હાઉસના આંટા ફેરા પણ નજરમાં આવ્યા હતા.
કચ્છ ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય દ્વારા ગૃહ વિભાગના મોટા માથાના સંપર્કનું નામ વટાવી કામો કરતા હોવાની ચર્ચા, ઓડિયો ક્લિપ અને વોટ્સએપમાં ચેટ અંગેના સ્ક્રીન શોટ વાયરલ થવાને કારણે કોઈ નવાજૂની થવાની સંભાવના ઘણા દિવસથી જોવામાં આવી રહી છે.
'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા કચ્છ ભાજપના બંને નેતાનો સંપર્ક કરીને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ધવલ આચાર્ય દ્વારા કોલ કાપી નાખવામાં આવ્યો હતો. જયારે સાંસદ વિનોદ ચાવડા કોલ ઉપર વ્યસ્ત રહેવાથી તેમનું મંતવ્ય જાણી શકાયું ન હતું.