Extension of DGP IPS Vikas Sahay : ગુજરાતના પોલીસ વડા DGP વિકાસ સહાય જાય કે રહે, રાજ્યના લોકોને જાણવાનો કોઈ જ અધિકાર નથી !

ગુજરાતની ભાજપ નિર્ણાયક સરકારે ઉંમરને લીધે નિવૃત્ત થઈ રહેલા IPS વિકાસ સહાયના ઍક્સટેંશનને મામલે કચેરી સમય પૂરો થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન લીધો, ટેક્નિકલી DGP સહાય હવે ઓફિસ અવર્સ પછી રિટાયર્ડ જ ગણાય

Extension of DGP IPS Vikas Sahay : ગુજરાતના પોલીસ વડા DGP વિકાસ સહાય જાય કે રહે, રાજ્યના લોકોને જાણવાનો કોઈ જ અધિકાર નથી !

WND Network.Gandhinagar : ભાજપે જે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કરીને દિલ્હી સુધીની સત્તા મેળવી તેવા રાજ્યમાં કાયદો - વ્યવસ્થા માટે જવાબદાર એવા ગુજરાતના પોલીસ વડા (Gujarat Police) એટલે કે DGP જાય કે રહે તે જાણવાનો રાજ્યના લોકોનો કોઈ જ અધિકાર નથી ! આવું એટલા માટે કહેવું અને લખવું પડે છે કારણ કે, ઉમરને કારણે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત પોલીસના વડા DGP વિકાસ સહાય (IPS Vikas Sahay) ને રાખવા કે અન્ય કોઈને ચાર્જ આપવો તે મુદ્દે ગુજરાતની સરકાર આ લખાય છે ત્યાં સુધી કોઈ ફોડ પાડ્યો નથી. વાતો ભલે નિર્ણાયક સરકારની કરતા હોય પરંતુ હકીકત એ છે કે, ગુજરાતના લોકોએ જેમને ખોબે ખોબે વોટ આપ્યા છે તે સત્તા પક્ષ ભાજપ એક અધિકારીને રાખવા કે અન્ય કોઈને ચાર્જ આપવો તે મામલે નિર્ણય લઈ શકી નથી અથવા તો ઉપરથી કહેવામાં આવ્યું હોય તેવી રીતે સમગ્ર મામલે રહસ્ય જાળવી રાખ્યું છે. જો કે ટેક્નિકલી જોવા જઈએ તો આજે 30મી જૂને સોમવારે સાંજના કચેરી સમય સુધી ગુજરાતના DGPને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કે સોસીયલ મીડિયામાં ઓર્ડર ફરતો કરવામાં આવ્યો નથી એટલે DGP સહાય નિવૃત્ત થઈ ગયા છે એમ માની લેવું સહેજ પણ ખોટું નથી.  

ગુજરાતના DGP વિકાસ સહાય નિવૃત્ત થઈ ગયા કે તેમને ઍક્સટેંશન આપવામાં આવ્યું છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા DGP વિકાસ સહાયનો સોમવાર સાંજે તેમના નિવૃત્તિના દિવસે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ સહાયે કોલ કાપી નાખ્યો હતો. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ (IAS M K Das)નો પણ સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દાસે તેમની આદત મુજબ કોલ રિસીવ કર્યો ન હતો. જેને લીધે ભાજપના મોડેલ સ્ટેટ ગુજરાતના DGP છ એકે નહીં ત અંગેની કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી. નાની અમથી વાતમાં ટ્વીટર ઉપર ટહુકતા ગુજરાતના રાજ્યકક્ષાના યુવા ગૃહમંત્રીનું ટ્વીટર હેન્ડલ ઉપર પણ આ મામલે કોઈ ખુલાસો જોવા મળ્યો ન હતો. 

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસમાં ચાલી રહેલા ઘટનાક્રમ, ખાસ કરીને CID ક્રાઇમમાં SMCની તપાસની ઘટના બાદ ગુજરાતની IPS લોબીમાં ચાલી રહેલા આંતરિક ખટપટની વાતો બહાર આવી હતી. ગુજરાત પોલીસના મહત્વના વિભાગના વડાની જગ્યાઓ ખાલી છે, ચાર્જ ઉપર વહીવટ ચાલી રહ્યો છે છતાં રાજ્યની કહેવાતી નિર્ણાયક ભાજપ સરકાર પોલીસ અધિકારીઓને મુદ્દે કોઈ નિર્ણય નથી લઇ શકતી એ હકીકત છે. 

ફેરવેલ પાર્ટીની તૈયારી પણ થયેલી : રાજ્યના પોલીસ વડા DGPને અંતિમ વિદાય વેળાએ જે રીતે દોરડું ખેંધીને ખુલ્લી જીપમાં બેસાડીને તેમને ઘરે મૂકી આવવા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ ભવનમાં IPS અધિકારીઓનો જમાવડો પણ થઇ ગયો હતો. પરંતુ છેવટ સુધી નિર્ણાયક સરકારે કોઈ નિર્ણય ન લીધો અથવા તો કોઈને ખબર ન પડવા દીધી એટલે સૌ કોઈ સાંજે ઘરે ચાલ્યા ગયા હતા. 

રાજસ્થાનમાં અલગ જ નજારો જોવા મળ્યો : ગુજરાતની જેમ તેના પાડોસી રાજ્ય રાજસ્થાનમાં પણ તેમના પોલીસ વડા DGP IPS ડૉ. રવિ પ્રકાશ મેહરડા વય મર્યાદાને લીધે 30મી જૂન સોમવારે નિવૃત્ત થયા હતા. તેમની જગ્યાએ રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં રહેલા IPS રાજીવ શર્માને નવા DG તરીકે નિયુક કરી દીધા હતા. હવે તમે જ કહો કે, મોડેલ સ્ટેટ અથવા નિર્ણાયક સરકાર કોને કહેવાય ?