Gujarat ATS : પાકિસ્તાની ડ્રગ માફિયા દ્વારા ભારતમાં માદક પદાર્થને દિલ્હીમાં મોકલવાના નાપાક કાવતરાનો પર્દાફાશ કરતુ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ, એક મહિલા સહીત 3 ઝડપાયા
આફ્રિકામાં રહીને પાકિસ્તાનથી આવેલા હેરોઇનને વેરાવળની બોટ મારફતે દિલ્હી મોકલી રહેલા ઈશા હુસેનની પત્ની સહીત તેના દીકરાને ATS દ્વારા ઝડપી લેવાયા
WND Network.Ahmedabad : દરિયાઈ માર્ગે ભારતમાં માદક પદાર્થની ખેપ મારી રહેલા લોકો ઉપર ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ (એન્ટી ટેરરિસ્ટ સ્કોડ) - Gujarat ATS દ્વારા મુહિમ છેડવામાં આવી છે અને એક પછી એક ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી રહ્યો છે. આવું જ એક વધુ ઓપરેશન ગુજરાત ATS દ્વારા કરવામાં આવ્યું છે,. જેમાં આફ્રિકામાં દેશમાં રહીને પાકિસ્તાની ડ્રગ માફિયાની મદદથી ભારતમાં છેક દિલ્હી સુધી હેરોઇનના જથ્થાને મોકલવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSના ડેપ્યુટી એસપી એસ.એલ.ચૌધરી (Dy SP S.L.Chaudhry) અને તેમની ટીમ દ્વારા આ મામલે એક મહિલા સહીત ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ આ નાપાક કાવતરામાં સામેલ એક પાકિસ્તાની અને એક નાઈજિરિયન વ્યક્તિ સહીત છ વ્યક્તિ સામે નાર્કોટિક્સના કાયદા તળે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં જેમ સ્લીપર સેલ દ્વારા એકથી વધુ લોકોની મદદથી ઓપરેશને અંજામ આપવામાં આવે છે તે રીતે આઠ કિલો હેરોઇનના જથ્થાને મધ દરિયેથી ડિલિવરી લઈને દિલ્હી વાયા વેરાવળ અને રાજસ્થાનના બ્યાવર થઈને મોકલવામાં આવ્યો હતો. ગુજરાતના દરિયા કિનારે ગુજરાત ATS દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તે દરમિયાન ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીને બાતમી મળી કે, આફ્રિકાના દેશમાં રહીને પાકિસ્તાની ડ્રગ માફિયાની મદદથી ભારતમાં માદક પદાર્થ ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને ગુપ્તરાહે રહે ઇન્વેસ્ટિગેશન કરતા ATSની ટીમને ખબર પડી કે, ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં મૂળ જામનગર જોડિયાના ઈશા હુસેન રાવ નામના વ્યક્તિએ આફ્રિકામાં રહીને ભારતમાં તેની પત્ની, દીકરા, દીકરી અને દીકરીના મંગેતર દ્વારા આઠ કિલો હેરોઇનના જાથાની ખેપ મારી હતી.
આટલી ટિપ્સ મળતા જ ATSની ટીમ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એમ.પટેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન શરુ કરી દેવામાં આવી હતી. જેમાં ખબર પડી કે, પાકિસ્તાનના મુર્તુઝા નામના ડ્રગ માફિયાએ આઠ કિલો હેરોઇનને ઇન્ટરનેશનલ દરિયાઈ વિસ્તારમાં વેરાવળની એક બોટમાં હેરોઇનના જથ્થાને ભારતમાં ઘુસાડ્યું હતું. જેને દિલ્હીના તિલકનગર નામના વિસ્તારમાં રહેતા એક નાઈજિરિયન વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં જામનગર જોડિયાના ઈશા હુસેન રાવની ભારતમાં રહેતી પત્ની તાહિરા સહીત તેના દીકરા અરબાઝ અને જામનગરમાં રહેતા તેની દીકરીના મંગેતર રિઝવાન નોડેને ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ આફ્રિકામાં રહેલા મુખ્ય આરોપી જોડિયાના ઈશા હુસેન રાવ, તેની દીકરી માસૂમા, બેડેશ્વર જામનગરમાં રહેતા આસિફ જુસબ સમા, કાનપુર યુપીના ધર્મેન્દ્ર ગૌડ, પાકિસ્તાની ડ્રગ માફિયા મુર્તુઝા અને દિલ્હીમાં માદક પદાર્થની ડિલિવરી લેવાવાળા નાઈજિરિયન વ્યક્તિ સામે NDPSના કાયદાની વિવિધ કલમો તળે ગુન્હો દાખલ કરીને તેમને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
હેરોઇનના જથ્થાની ડિલિવરી વેરાવળને બદલે રાજસ્થાનમાં લીધી : પોલીસને તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે આઠ કિલો હેરોઇનનો જથ્થો વેરાવળથી જ લેવાને બદલે ઈશાની પત્ની અને તેના દીકરા તેમજ દીકરી-જમાઈએ તેને રાજસ્થાનમાં બ્યાવર નામના સ્થળે હાઈવેની એક ટનલ પાસેથી રિસીવ કર્યો હતો. ઈશાએ ઓમાન પાસે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં 'હેમ મલ્લિકા' નામની બોટમાં હીરોઈનની ડિલિવરી લીધી હતી. જેને બોટના ટંડેલ ધર્મેન્દ્ર ગૌડએ લઈને 16મી ઓક્ટોબરે વહેલી સવારે વેરાવળના દરિયા કિનારે ઉતાર્યું હતું. ઈશાએ કરેલા અગાઉથી થયેલા પ્લાનિંગ મુજબ તેના કોઈ સાગરીતની મદદથી રાજસ્થાનમાં આબુ રોડથી બ્યાવર જતા માર્ગ ઉપર આવતી એક ટનલ પાસે સંતાડી દેવામાં આવ્યું હતું. જેને ત્યારબાદ બીજા દિવસે ઇશાની દીકરી માસુમાએ આસિફ સમાની ઇકો કારમાં મૂકીને દિલ્હીના તિલકનગર વિસ્તારમાં રહેતા નાઈજિરિયન વ્યક્તિને પહોંચતું કરવામાં આવ્યું હતું.